ચૂંટણી પંચ જ્યારે પાંચ રાજ્યોમાં આયોજિત વિધાનસભાની ચૂંટણીમાં કાળાં નાણાંના દુરુપયોગને અટકાવવા મથી રહ્યું છે ત્યારે રાજકીય પક્ષોને કોર્પોરેટ સેક્ટર પાસેથી મળતા ફંડ માટે બહાર આવેલી વિગતો મહત્વની છે. એક બિનસરકારી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં એવાં ૩૬ ઔધ્યોગિક ગૃહોના ફંડની વિગતો છે જેણે ૨૦૦૯-૧૦માં એક કરોડ કરતાં પણ વધુ રૂપિયા વિવિધ પક્ષોને આપ્યા હતા.
હવે વાત એવી છે કે કોર્પોરેટ ગૃહો માટે કોંગ્રેસ અને ભાજપ બંને સરખું મહત્વ ધરાવે છે અને કેટલાક સ્થાનિક પક્ષો પણ તેમાંથી ભાગ પડાવવામાં સફળ રહ્યા છે. સત્ય એ બહાર આવ્યું છે કે કાયદાના સ્વરૂપે અને પારદર્શક રીતે પક્ષોને જે ફંડ મળે છે, તે તેમના કુલ ચૂંટણી ખર્ચના સામાન્ય અનુમાનની સરખામણીમાં નગણ્ય છે. કેટલાક સુપરવાઈઝરનું માનવું છે કે આ સફેદ ફંડ વાસ્તવિક ખર્ચના માત્ર બે ટકા હોય છે. તો સવાલ એ છે કે બાકીનાં નાણાં ક્યાંથી આવે છે? સ્પષ્ટ છે કે, આ કાળું નાણું છે.
આથી એ સમજી શકાય એમ છે કે આ પ્રકારની માહિતી એકઠી કરવા માટે સંબંધિત એનજીઓએ લોઢાના ચણા ચાવવા પડ્યા હશે. માહિતીપ્રાપ્તિના અધિકારનો કાયદો ન હોત તો કદાચ આ રિપોર્ટ તૈયાર થઈ શક્યો ન હોત. એનજીઓના જણાવ્યા અનુસાર, રાજકીય પક્ષો અને કોર્પોરેટ સેક્ટર, બંનેએ ફંડની વિગતો અનિચ્છા સાથે આપી હતી. આથી ચૂંટણીને સ્વચ્છ, સ્વતંત્ર અને નિષ્પક્ષ બનાવવા પ્રત્યે આ પક્ષોની નિષ્ઠા પ્રત્યે સવાલ પેદા થાય છે.
લોકશાહીમાં ચૂંટણી પ્રજાની ઇચ્છાની અભિવ્યક્તિનું એકમાત્ર માધ્યમ છે. જો નાણાંનો પ્રભાવ કોઈને ફાયદો અને કોઈને નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં મૂકે છે તો આ બાબત અસ્વીકાર્ય છે. તેમાં પણ જો આ નાણું ગેરકાયદે રીતે મેળવવામાં આવ્યું હોય ત્યારે સ્થિતિ વધુ ચિંતાજનક બને છે. આથી રાજકીય ફંડમાં પારદર્શકતા દરેક લોકશાહી વ્યવસ્થામાં ઘણી જ મહત્વની માનવામાં આવે છે.