નીતીશ રાજની સૌથી મોટી સફળતા કાયદો-વ્યવસ્થા છે. બોલિવૂડ બિહારને ચોરો અને અપહરણકર્તાઓની ધરતી ચીતરીને તેનો મજાક ઉડાડતું આવ્યું છે, પરંતુ નીતીશકુમારે પોતાને ‘ધ ટર્મિનેટર’ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. રાજ્યમાં ફેલાયેલી ગેંગોમાંથી મોટા ભાગની પકડાઈ ગઈ છે અને અનેક ગાયબ થઈ ગઈ છે. હવે કોઈ ગેંગસ્ટરને પકડતાં પહેલાં પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીના ઘરે ફોન નથી કરવો પડતો.
ચૂંટણી અંગે આગાહી કરવી જોખમી છે અને તે કોઈ પત્રકાર માટે નુકસાનકારક પણ પુરવાર થઈ શકે છે. છતાં હું આ જોખમ લેવા તૈયાર છું. હું બિહારનાં ગામડાં-કસ્બાની ૪૮ કલાકની મુસાફરીને આધારે એક આગાહી કરવા માગું છું : નીતીશકુમાર બિહારમાં ભારે બહુમત સાથે ફરી પાછા ફરશે. વર્તમાન બિહારમાં કોઈ ‘હવા’ કે ‘મંદ લહેર’ નહીં એક ‘આંધી’ છે, જાણે કે તે કોઈ રાજ્યના રાજકીય સમાજશાસ્ત્રને નવેસરથી લખી નાખશે.
જો તમે બિહારના ‘મેન ઓફ ધ મોમેન્ટ’ની સાથે મુસાફરી કરો તો તમારી સામે વસ્તુસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તેઓ પોતાનાં ભાષણોમાં જાતિનો તો લગભગ કોઈ ઉલ્લેખ જ નથી કરતા, જો કે તેમણે અત્યંત પછાત, પદ દલિત અને પછાત મુસ્લિમો સાથે સાવધાનીપૂર્વકનું જોડાણ કર્યું છે. તેમનું ફોકસ એવી શબ્દાવલી પર છે, જે છેલ્લા બે દાયકામાં આ રાજ્યમાં ક્યારેય સાંભળવા મળી નથી : રસ્તા, પ્રા. આરોગ્ય કેન્દ્રો, કન્યા કેળવણી, થર્મલ પાવર પ્લાન્ટ વગેરે-વગેરે. નીતીશ સારા વકતા ગણાતા નથી છતાં લોકો તેમને મંત્રમુગ્ધ થઈને સાંભળે છે.
નીતીશકુમારે રાજકારણનો નવો ‘એસએમએસ’ બનાવ્યો છે: માર્ગ, શિક્ષણ, સુરક્ષા. ઝગમગતા હાઈવે અને ગામડાંની પાકી સડકો હવે બિહારનું નવું ગૌરવ છે. નવમા ધોરણમાં ભણતી છોકરીઓ માટે સાઈકલો મહિલા સશક્તિકરણનું પ્રતીક બની ગઈ છે. જોકે નીતીશરાજની છેલ્લાં પાંચ વર્ષની સૌથી મોટી સફળતા કાયદો-વ્યવસ્થા છે.
બોલિવૂડ બિહારને ચોરો અને અપહરણકર્તાઓની ધરતી ચીતરીને તેનો મજાક ઉડાડતું આવ્યું છે, પરંતુ નીતીશકુમારે તેમાં પોતાને ‘ધ ટર્મિનેટર’ તરીકે સ્થાપિત કર્યા છે. મોટા ભાગની ગેંગો પકડાઈ ગઈ છે. અનેક ગાયબ થઈ ગઈ છે. હવે કોઈ ગેંગસ્ટરને પકડતાં પહેલાં પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીના ઘરે ફોન નથી કરવો પડતો. નીતીશના સૌથી ઉત્સાહી સમર્થકોમાં મહિલાઓ અને યુવાનોનો સમાવેશ થાય છે. મહિલાઓને પંચાયતોમાં ૫૦ ટકા અનામત અપાઈ છે. મહિલાઓ પટણા કે પૂર્ણિયામાં સાંજ ઢળ્યા પછી પણ ઘરની બહાર નીકળી શકે છે.
લાલુનો જાદુ હજુ પણ પહેલાં જેવો જ છે. તેઓ આજે પણ સુંદર સૂત્રવાક્ય આપવા માટે સૌથી આગળ છે (જેમાં લાલુ તરફથી ‘બે કિલો આલુ’ ના વચનનો પણ સમાવેશ થાય છે), પરંતુ એક અર્થમાં જોઈએ તો તેઓ હવે પોતાનું એક કેરીકેચર બનીને રહી ગયા છે.
વર્ષ ૧૯૯૦માં જ્યારે તેમણે એલ.કે. અડવાણીની ધરપકડ કરી ત્યારે તેઓ આશંકિત મુસ્લિમોની નજરમાં તુરંત જ ચઢી ગયા હતા. આજે જ્યારે તેઓ ‘ભગવા શક્તિ’ની સત્તામાં પાછા ફરવાની ચેતવણી આપે છે ત્યારે લોકો પર તેની જરા પણ અસર થતી નથી. બિહારના અન્ય સમુદાયોની જેમ મુસ્લિમો પણ હવે વિકાસની યાત્રાના ભાગીદાર બનવા માગે છે.
ભાજપના ફાયરબ્રાન્ડ નેતાઓની નાક ખેંચવી નીતીશની એક વધુ સફળતા છે. આ રામમંદિરવાળો ભાજપ નથી. આ નીતીશ અને લાલુની જેમ એક એવો રાજકીય પક્ષ છે જેનો વિકાસ જેપી આંદોલન અને કોંગ્રેસ વિરોધી અભિયાન દરમિયાન થયો છે. નીતીશે એ બાબત સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે કે તેમના ગઠબંધનના સાથીદારો હિન્દુત્વના રાજકારણથી દૂર રહે.
નીતીશની લહેરે રાહુલ ગાંધીની કોંગ્રેસને પણ કિનારે ધકેલી દીધી છે. રાહુલ ગાંધીની ગણી-ગાંઠી રેલીઓની કોઈ ખાસ અસર થવાની નથી. આમ છતાં નીતીશ માટે સાચા પડકાર તો હવે શરૂ થશે. શિક્ષણ સ્તર સુધર્યું છે, પણ નોકરીઓની હજુ અછત છે. ગુનાખોરી કાબૂમાં આવી છે, પણ નાના-મોટા ભ્રષ્ટાચારમાં પણ વધારો થયો છે. રસ્તા બન્યા છે, પરંતુ વીજળીનું સંકટ ઘણું મોટું છે. પ્રજાને મોટા ભાગની ગરીબીમાંથી બહાર કાઢવાનો માર્ગ હજુ મળ્યો નથી. નીતીશની પોતાની છબી ભલે ‘લાર્જર ધેન લાઈફ’ બની હોય, પરંતુ તેમનો પક્ષ ‘જદયુ’ નબળો થયો છે. જેને પરિણામે તેમણે પોતાની નીતિઓના અમલ માટે અધિકારીઓની ટીમ પર નિર્ભર રહેવું પડે છે.
એક વાત ચોક્કસ છે કે નીતીશે ભલે નરેન્દ્ર મોદીને બિહારમાં પ્રચારની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હોય, પરંતુ આ બંનેના વ્યક્તિત્વમાં ઘણી સમાનતા છે. બંને પારિવારિક બંધનોથી અળગા છે અને અંગત જીવનમાં તેઓ કઠોર શિસ્ત પાળે છે. બંનેએ કોઈ કાર્ડ ખેલવાને બદલે વિકાસ આધારિત રાજકારણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મોદી હિન્દુત્વના પોસ્ટર બોય છે તો નીતીશ આધુનિક મંડળ ક્રાંતિકારી બનાવના માર્ગે છે. આ બંનેની લડાઈ બિનકોંગ્રેસી રાજકારણનું ભવિષ્ય નક્કી કરી શકે છે.
રાજદીપ સરદેસાઈ , લેખક સીએનએન ૧૮ નેટવર્કના એડિટર-ઇન-ચીફ છે.