એક તળાવમાં નાનાં-મોટાં દેડકાં રહેતાં હતાં. બધાં જ એકબીજાની સંભાળ લેતાં હતાં. એક વખત તળાવના કિનારે ઘાસ ખાવા માટે એક બળદ આવ્યો. તે જ વખતે પાણીમાંથી એક દેડકો બહાર આવ્યો. તેણે જીવનમાં પહેલી વખત બળદ જોયો હતો. તે બળદનું મોટું શરીર જોઈને ગભરાઈ ગયો અને ફરીથી પાણીમાં કૂદી ગયો. તે એક મોટા દેડકા પાસે ગયો અને તેને કહ્યું કે મેં તળાવની બહાર એક ભયંકર અને વિશાળકાય દાનવ જોયો, જેને શિંગડાં છે, એક લાંબી પૂંછડી છે.
બીજા એક દેડકાએ કહ્યું કે તે દાનવ નથી તે તો બળદ છે, પરંતુ એક વૃદ્ધ અને ઘમંડી દેડકો કે જેણે ક્યારેય બળદ જોયો નહોતો તે આ વાત સ્વીકારવા તૈયાર નહોતો. તે બોલ્યો કે એટલો મોટો પણ નહીં હોય મારાથી થોડો મોટો હશે. હું તો મારી જાતને મોટી પણ કરી શકું છું. એમ કહીને તેણે પોતાના શરીરને ફુલાવવાનું શરૂ કરી દીધું, જેથી તે મોટો થઈ જાય. નાનો દેડકો તેને જોઈને બોલ્યો કે બળદ તો તેના કરતાG વધારે મોટો છે.
વૃદ્ધ દેડકો બળદ તેના કરતાં વધારે મોટો નહીં હોય એમ વિચારીને પોતાના શરીરને ફુલાવતો ગયો. તેણે જ્યારે તેની ક્ષમતા કરતા વધારે શરીર ફુલાવ્યું તો તેનું શરીર ફાટી ગયું અને તે મૃત્યુ પામ્યો. સતત સક્રિય રહીને પોતાની ક્ષમતાને વધારવી સારી છે, પણ તેના અંતિમ બિંદુથી ઉપર જવાનો પ્રયાસ કરવો તે મુશ્કેલીને આમંત્રિત કરવા જેવું છે. તેથી ક્ષમતાવાન બનો પણ અતિક્ષમતાવાન બનવાનો પ્રયત્ન ન કરો.