વિશ્વ રંગભૂમિ દિન ઊજવાઈ ગયો. મારી અડધી જિંદગી રંગમંચ પર વ્યતીત થઈ છે. આજે હું ગુજરાતી રંગભૂમિનું ભુલાઈ ગયેલું પાત્ર છું. ભુલાઈ ગયાનું મને દુ:ખ નથી કારણ કે પ્રેક્ષકો મને યાદ કરે એવાં યાદગાર નાટકો મેં કર્યા નથી અને જે કાંઈ કર્યું છે એનું બ્યૂગલ મારે ફૂંકવું નથી. જયારે મારે મારું માર્કેટિંગ કરવા જેવું હતું ત્યારે પણ મેં નામ કમાવાના પ્રયત્નો નહોતા કર્યા તો અત્યારે નિવૃત્ત થઈ ગયા પછી ફાટી ગયેલા પતંગને ચગાવવાનો વ્યર્થ વ્યાયામનો શો અર્થ છે?
આજે તો બેઠા છીએ બગીચાને બાંકડે. યાદ કરીએ છીએ એ દિવસોને. પ્રેક્ષકોનાં અટ્ટહાસ્ય અને તાળીઓના ગડગડાટ હજી પણ મારા કાનમાં પડઘાય છે. આંખો ભીંજાય છે. મનના રંગમંચ ઉપર હું મારી જાતને અભિનય કરતો જોયા કરું છું. હાસ્યલેખો લખવામાં એ મજા કયાંથી આવે? નાટક તો રોકડીઓ વ્યાપાર છે. તખ્તા ઉપર તમે કમાલ કરો તો પ્રેક્ષક તત્કાળ તમને તાળીઓથી વધાવી લે, બફાટ કરો તો તમને હુરિયો બોલાવીને ઘર ભેગા કરી દે.
દરેક બાળકમાં એક નટ (કે નટી) વસે છે જે વડીલોની નકલ કરતું કરતું ઘડાય છે. તેમાંથી એનું આગવું વ્યક્તિત્વ ખીલે છે અને નકલ કરવાની વૃત્તિ આસતે આસતે વિલાઈ જાય છે પણ કેટલાંક બાળકોમાં પુખ્ત વયે પણ એ વૃત્તિ ચાલુ રહે છે. તેમનામાં અભિનયકલા પાંગરે છે. વડીલો ઉપરાંત બીજાં બીજાં પાત્રો ઉમેરાતાં જાય છે.
મારે સંજોગોવશાત્ મોસાળમાં ઊછરવાનું બનેલું. મારા નાના (બ્રિટિશરાજમાં) મેજિસ્ટ્રેટ હતા. મફતમાં નાટકો અને ફિલ્મો જોવા મળતાં જેનો ચસકો હજી સુધી રહ્યો છે. પછી ખબર પડી મારી ધેલછા વારસાગત હતી. મારા દાદાની કથા કરુણ છે. (મારી આત્મકથામાં વિસ્તારથી લખી છે.) મારી જિંદગી પણ નાટયાત્મક તો ખરી જ.
મેટ્રિક સારી રીતે પાસ થયો. ત્યારે વડીલોનું વલણ કોમર્સ તરફી હતું એટલે મને કોમર્સ કોલેજમાં દાખલ કર્યો. બસ, ત્યારથી મારી દશા બેઠી. કોમર્સના વિષયો વાંચવાને બદલે ડિક્શનરીની મદદથી હું અંગ્રેજી નાટકો વાંરયા કરતો. ‘સરસ્વતીચંદ્ર’ના દિગ્દર્શક ગોવિંદ સરૈયા જેવા મિત્રો મળેલા જે ફિલ્મો અને નાટકોનાં સપનાંઓમાં રાચતા. પરિણામે સતત ત્રણ વર્ષ હું ઇન્ટર કોમર્સમાં એકાઉન્ટન્સીના વિષયમાં નપાસ થયો. મારા કરતાં મારા વડીલો વધારે પસ્તાયા. નાછૂટકે મને આટ્ર્સ કોલેજમાં જોડાવાની મંજૂરી આપી. પછી તો બસ નાટક, નાટક અને નાટક.
મારા પિતાશ્રી સાહિત્યનો જીવ પણ કપરા સંજોગોમાં એ ટેકટાઇલ્સનું ભણીને મિલોમાં ઊંચી પાયરીએ પહોંચેલા. ફુરસદે ગીતો-ગરબાઓ લખે. અંગ્રેજી સાહિત્યના ઓથોરિટી ગણાતા પ્રિન્સિપાલ એસ. આર. ભટ્ટ એમના મિત્ર અને મારા પ્રાદ્યાપક. એમની પ્રેરણાથી મારા બાપા જનુભાઈએ ઇટાલિયન લેખક લુઈજી પીરાન્દેલોની નોબેલ પારિતોષિક વિજેતા કૃતિ (ઇચ ઇન હીઝ ઓન વે)નું ‘સહુ સહુના તાનમાં’ શીર્ષક આપી રૂપાંતર કર્યું.
સ્વ. ઉમાશંકર જોષીના નાના ભાઈ પ્રો. દેવુ જોષી અને પ્રા. નિરંજન ભગતના પ્રોત્સાહન હેઠળ અમે વિદ્યાર્થીઓએ એ નાટક એલ.ડી.આટ્ર્સ કોલેજના મેદાનમાં ભજવેલું. એ ફિલોસોફિકલ નાટક જોઈને વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયેલા. આજના ડિસ્કો યુગના વિદ્યાર્થીઓ શાંત બેસી ન રહે. અધતન રંગભૂમિ માટે એ અભૂતપૂર્વ ઘટના હતી જેની નોંધ લેવાઈ નથી. એ નાટક સમજવા તમારે ભટ્ટસાહેબ અને ભગતસાહેબની પ્રસ્તાવના વાંચવી પડે. (રસ હોય તો કહેજો, હું નકલ આપીશ.)
એ સફળતા પછી મારું વધારે છટક્યું. નાટકમાં ત્યારે કારકિર્દી બને તેવું તો હતું નહીં. સપનાં સાકાર કરવા ફિલમ લાઇનમાં - મુંબઈ જવું પડે.‘હું પરીક્ષામાં ફસ્ર્ટક્લાસ લાવું તો તમે મને આગળ ભણવા મુંબઈ જવા દો કે નહીં?’ મેં પિતાશ્રીને અજમાવી જોયા. એમણે ભોળા ભાવે હા પાડી. હું પરીક્ષાની તૈયારીઓમાં મચી પડયો. પણ પરીક્ષાના દિવસોમાં એક વિષયમાં હું જરા કાચો હતો. એક અનુભવી મિત્રની સલાહથી પગનાં મોજાંમાં કાપલીઓ લઈને ગયો. ઝડપાઈ ગયો. બાપાને સંબોધીને એક કરુણ કાગળ લખી મેં મુંબઈની ગાડી પકડી.
અત્યારે બગીચાને બાંકડે બેઠાં બેઠાં વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે એ બધાં દ્રશ્યો તાજાં થાય છે. મુંબઈમાં નોકરી માટે ડિગ્રી નહીં, આવડત નહીં, મૂડીમાં જે ગણો તે નાટક અને બાપાનો ટેકો.ફિલમલાઇનમાં ફાવ્યો નહીં પણ નાટકોમાં ફાવ્યો. નાટકોને ટેકે મેં એમ.એ. કર્યું અને સરકારી ઓફિસર થયો. પછી નાટકો માટે મોકળું મેદાન મળી ગયું. ઘણા ખેલ કર્યા. અંગ્રેજી નાટકોમાં નાની-નાની ભૂમિકાઓ કરી. આકાશવાણી અને ટીવીના કાર્યક્રમો કર્યા. તખ્તા માટે મૌલિક પ્રહ્સનો લખ્યાં. ડિમાન્ડ રૂપાંતરોની રહેતી એટલે ઢગલાબંધ રૂપાંતરો કર્યા અને ભજવ્યાં. ઝોક તો મારો કોમેડી તરફ જ રહ્યો છે પણ આખા દેશમાં હું એક જ નાટયલેખક છું જેણે મહર્ષિ ઓરોબિન્દોની ફિલોસોફી પર આધારિત ચિંતનાત્મક ત્રિઅંકી નાટક એમના આશ્રમની બહાર મુંબઈના તખ્તા ઉપર ભજવ્યું છે.
રંગભૂમિ ઉપર મારા યોગદાનની નોંધ લેવાય કે ના લેવાય, કશો ફરક પડતો નથી. વિશ્વરંગભૂમિના સંદર્ભમાં ગુજરાતી રંગભૂમિએ કાઠું કાઢવાનું બાકી છે.૧૯૬૩માં મેં ‘દુનિયાને ઊંધા ચશ્માં’ નામનું પ્રહ્સન લખેલું ને ભજવેલું. સ્પર્ધાઓમાં એને ઘણાં પારિતોષિકો મળેલાં. એ જ શીર્ષક હેઠળ ચાલતી મારી લેખમાળાએ મને પૂરતો યશ આપ્યો છે. હવે મારે મારું માર્કેટિંગ કરવાની જરૂર છે?આજે તો આ બગીચો જ મારો રંગમંચ છે.
(લખ્યા તારીખ : ૧-૪-૨૦૦૫)