આ વર્ષે આપણે એ જાણવું જોઈએ કે રમતગમતના ક્ષેત્રમાં આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. રમતગમત ક્ષેત્રે એક એવી નીતિની જરૂર છે જે વધુને વધુ રમતવીરોને આગળ લાવે અને પ્રોત્સાહન આપે.
નવા વર્ષે એ વાતની પણ પરીક્ષા થશે કે ભારત રમતગમતમાં વિશ્વસ્તરની શ્રેષ્ઠતા મેળવવા માટે તૈયાર છે કે પછી મહત્વાકાંક્ષી, એકાગ્રતા અને સુપ્રબંધનના અભાવમાં કેટલીક સાધારણ સફળતાઓ સુધી જ અટકી જશે.
ભારતમાં રમતગમતના ક્ષેત્રમાં દરેક દ્રષ્ટિએ બૂમ આવી રહી છે. વર્ષ ૨૦૧૦માં કોમનવેલ્થ રમતોત્સવ દરમિયાન ગોટાળા અને ખરાબ માળખાકીય સુવિધાઓને કારણે આપણું માથું શરમથી ઝૂકી ગયું હતું, પરંતુ વર્ષ ૨૦૧૧માં નોઈડામાં ફોમ્યુંલા વન રેસનું સફળ અને સુંદર આયોજન કરી બતાવ્યું હતું. એફ-વનનું આયોજન વિવાદોથી મુકત હોવાની સાથે જ તેના અમલીકરણમાં પણ કોઈ વિઘ્ન આવ્યું નહોતું.
આપણે દુનિયાને દેખાડી દીધું કે ભારત પાસે ફકત એક મેગા ઇવેન્ટની મેજબાની કરવા માટે જરૂરી ટેક્નિકલ અને નાણાકીય સાધનો તો છે જ, સાથે આ પ્રકારના આયોજનોમાં ઉત્સાહ વધારનારા દર્શકો પણ છે. એક અનુમાન અનુસાર આગામી દાયકામાં ભારતમાં રમતગમત અને તેના સાથે જોડાયેલી ગતિવિધિઓ (જેમાં મર્કેન્ડાઈઝિંગનો પણ સમાવેશ થાય છે.)નો વ્યવસાય ૨૦ હજાર કરોડથી વધુનો થઈ જશે.
જો દેશની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો નહીં થાય અને કેટલીક પ્રતિભાઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો આ આંકડો વધુ ઉપર જઈ શકે છે. જોકે વર્તમાન નવા વર્ષે એ વાતની પણ પરીક્ષા થશે કે ભારત રમતગમતમાં વિશ્વસ્તરની શ્રેષ્ઠતા મેળવવા માટે તૈયાર છે કે પછી મહત્વાકાંક્ષી, એકાગ્રતા અને સુપ્રબંધનના અભાવમાં કેટલીક સાધારણ સફળતાઓ સુધી જ અટકી જશે.
ક્રિકેટ : ટેસ્ટમાં નબળા, વન ડેમાં શૂરા
પરંપરાગત રીતે ક્રિકેટ ભારતની સૌથી મુખ્ય રમત છે અને લોકપ્રિયતાને મામલે નજીકના ભવિષ્યમાં કોઈ બીજું તેની જગ્યા લે એવું લાગતું નથી. ગયા વર્ષે વિશ્વકપમાં વિજય મેળવ્યા બાદ ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા આસામાને પહોંચી ગઈ હતી, પરંતુ ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયામાં ખરાબ દેખાવને કારણે એ વિજયનો આનંદ ઓસરી ગયો છે. વર્ષ ૨૦૧૨માં આપણી સામે સૌથી મોટો સવાલ એ જ હશે કે, ભારત ટેસ્ટ ક્રિકેટમાં ફરીથી નંબર વનનું સ્થાન મેળવી શકશે કે નહીં?
ટીમની વર્તમાન સ્થિતિ જોતાં આ બાબત ઘણી જ અઘરી લાગી રહી છે. તદ્ઉપરાંત રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને કદાચ સચિન તેંડુલકર પણ ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહી દેશે. તેમની જગ્યા ભરી શકે તેવા ખેલાડીઓ સાથે આપણે તૈયાર રહેવું પડશે. જો ભારતીય ટીમ ટેસ્ટ મેચોમાં આ જ રીતે નિષ્ફળ જતી રહેશે અને ભારતીય ક્રિકેટરોને માત્ર અઢળક નાણાં જ અને ખ્યાતિ મળતી રહે, આ બાબત અત્યંત દુ:ખદ કહેવાશે.
ઓલિમ્પિક : ગોલ્ડમેડલ પર નિશાન
ભારતમાં ક્રિકેટના આયોજનોની લોકપ્રિયતાને નકારી શકાય એમ નથી પરંતુ દુનિયાનો સૌથી મોટો રમતગમત મેળો તો ઓલિમ્પિક જ છે. આ વર્ષે જુલાઈમાં લંડન ખાતે ઓલિમ્પિક યોજાનાર છે. વર્ષ ૨૦૦૮માં બૈજિંગમાં થયેલા ઓલિમ્પિક સુધી આપણે સતત એવું મેણું સાંભળતા રહ્યાં છીએ કે એક અબજની વસતી ધરાવતો દેશ એક ઓલિમ્પિકપદક પણ જીતી શકતો નથી.
એક જમાનો એવો હતો જ્યારે હોકીને કારણે ઓલિમ્પિકમાં આપણી ધૂમ રહેતી હતી પરંતુ અત્યારે એવી સ્થિતિ છે કે લંડન ઓલિમ્પિક માટે આપણે ક્વોલિફાય કરી શકીશું કે નહીં તે પણ નક્કી નથી. ભારતમાં હોકીનો વહીવટ રાજકારણથી ડહોળાયેલો છે, જેને કારણે આપણી આ રાષ્ટ્રીય રમતનું અસ્તિત્વ જ સંકટમાં મુકાઈ ગયું છે. આ જ સ્થિતિ દુનિયાની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલની પણ છે. ઘણા ઓછાને યાદ હશે કે ૧૯૫૬માં મેલબોર્ન ઓલિમ્પિકમાં ભારત ચોથા સ્થાન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.
બૈજિંગ ઓલિમ્પિકમાં આપણે ત્રણ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા અને શૂટર અભિનવ બિન્દ્રાએ દસ મીટર રાઈફલમાં ભારત માટે પ્રથમ વ્યક્તિગત ગોલ્ડમેડલ જીત્યો હતો. તેનાથી દેશના યુવાનોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. બિન્દ્રા લંડનમાં વધુ એક ગોલ્ડ જીતવાની જોરદાર તૈયારી કરી રહ્યા છે. કોમનવેલ્થ રમતોમાં અનેક મેડલ જીતનારા ગગન નારંગની સાથે બિન્દ્રા રમતગતમ વિશ્વનું સર્વોચ્ચ સન્માન મેળવવા માટે ભારતીય શૂટર્સનું નેતૃત્વ કરશે.
મુક્કાનો પંચ અને રેકેટનો ઘા
બિજિંગમાં મેડલ જીતનારા અન્ય બે ખેલાડી મડલવેઈટ બોક્સ વિજેન્દરસિંહ અને ૬૫ કિલો વર્ગના રેસલર સુશીલકુમાર ત્યાર બાદ કંઈ ખાસ સફળતા મેળવી શક્યા નથી. હવે એ જોવાનું છે કે ઓલિમ્પિક માટે તેમની તૈયારી કેવી છે. બેડમિંગ્ટન સ્ટાર સાઈના નેહવાલ વર્તમાન રેન્કિંગ અનુસાર દુનિયામાં ચોથા ક્રમે છે અને દેશ તેની પાસ મેડલની અપેક્ષા રાખી રહ્યો છે.
જોકે કોમનવેલ્થ રમતોમાં સુવર્ણપદ જીત્યા બાદ તેણે એટલું સારું ફોર્મ દેખાડ્યું નથી. અનેક ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતનારા લિયન્ડર પેસ અને મહેશ ભૂપતિના વિખૂટા પડી જવાને કારણે ટેનિસમાં ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે. સાનિયા મિર્ઝા પણ છેલ્લા કેટલાંક વર્ષોથી પોતાની રમતમાં સુધારો કરી શકી નથી. સોમદેવ દેવબર્મન અને રોહન બોપન્ના પ્રતિભાશાળી છે પરંતુ સચ્ચાઇ એ છે કે ટેનિસમાં મેડલ મેળવવાની આશાઓ ઘણી જ ઓછી છે.
રમતગમતનું ભવિષ્ય ઊજળું છે
રમતગમતમાં આપણી પાસે ભલે ઉચ્ચસ્તરના ખેલાડી કે ચેમ્પિયન ન હોય, પરંતુ રમતગમતમાં પોતાની કારકિર્દી બનાવનારા યુવાનોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. આનો અર્થ એ થયો કે આપણે એક રમતગમતની ક્રાંતિને આરે આવીને ઊભા છીએ અને આ ક્ષેત્રનું ભવિષ્ય ઘણું જ ઊજળું છે. એ વાત સાચી છે કે વિશ્વનાથન આનંદ જેવા ખેલાડીઓ રોજે-રોજ શોધી શકાય નહીં પરંતુ ચેસમાં યુવાન પ્રતિભાઓની કમી નથી.
ગોલ્ફ અને મોટર રેસિંગ જેવી રમત, જે ક્યારેક સમૃદ્ધોના જ શોખ કહેવાતા હતા, આજે દેશવાસીઓમાં લોકપ્રિય થઈ રહ્યાં છે. વર્ષ ૨૦૧૨માં આપણે એ જાણવું જોઈએ કે રમતગમતના ક્ષેત્રમાં આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. આ ઉપરાંત આપણને રમતગમત ક્ષેત્રે એક એવી નીતિની જરૂર છે જે વધુને વધુ રમતવીરોને આગળ લાવે અને ઊભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપે, જેથી ૨૦૨૦માં યોજાનારી ઓલિમ્પિક સુધી ભારત રમતગમતના ક્ષેત્રમાં પોતાનું એક ઉલ્લેખનીય સ્થાન મેળવવામાં સફળ થઈ જાય.
અયાઝ મેમણ, લેખક રમત-ગમત ક્ષેત્રના જાણીતા પત્રકાર છે.