કુરિવાજો વિરુદ્ધ જાગૃતિ
Editorial
| Jun 23, 2012, 04:27AM IST

રાજસ્થાનમાં જોધપુર જિલ્લાના પીપર ગામની ૨૦ વર્ષની રેખાકુમારી કોલેજની વિદ્યાર્થિની છે. ૧પ વર્ષ પહેલાં તેનાં લગ્ન તેનાથી ચાર વર્ષ મોટા એક છોકરા સાથે કરી દેવાયા હતા. તે છોકરો અભણ રહી ગયો. રેખા હવે તેની સાથે જીવન પસાર કરવા તૈયાર નથી. તેણે ર્કોટમાં અરજી આપીને પોતાનાં લગ્ન રદ કરવા માટે અપીલ કરી છે, જે આમ પણ બાળલગ્ન હોવાને કારણે ગેરકાયદેસરનાં હતાં.
આ બધું તેણે જાતિ અને એ છોકરાના પરિવારની ધમકીઓનો સામનો કરીને કર્યું છે. ૨૩ વર્ષની સંતારા દૌસા જિલ્લાના મનપુરિયા ગામમાં રહે છે. તેણે પોતાના પતિના ઘરે જવાનો એમ કહીને ઇનકાર કરી દીધો છે કે, જ્યારે તેનાં લગ્ન થયાં ત્યારે તે બાળકી હતી અને લગ્નનો અર્થ શો હોય છે તે સમજતી ન હતી. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની જાતિના લોકો એ જ પુરુષ સાથે રહેવા માટે તેના પર દબાણ લાવી રહ્યાં છે.
આ અગાઉ પણ રાજસ્થાનમાં એક મહિલા દ્વારા પોતાના બાળલગ્નને રદ કરી દેવા માટે હાઈર્કોટની શરણ લેવાનાં સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ એક સમાચાર એવા આવ્યા કે એક સગીરવયની છોકરીએ સરકારી અધિકારીઓને ફરિયાદ કરી છે કે તેનાં માતા-પિતા અખાત્રીજના દિવસે તેનાં લગ્નની તૈયારી કરી રહ્યા છે. આ ઘટનાઓ સમાજમાં આવી રહેલા સકારાત્મક પરિવર્તન તરફ ઈશારો કરે છે.
પુરુષપ્રધાન ગ્રામીણ સમાજમાં કોઈ યુવતી દ્વારા આ પ્રકારનું સાહસ દેખાડવું અસામાન્ય બાબત છે. હવે સરકાર અને ન્યાયતંત્રએ આ સંઘર્ષમાં મદદરૂપ બનવા આગળ આવવું પડશે. સાથે જ સમાજ પણ પોતાની આજુ-બાજુ બનતી આવી ઘટનાઓ પ્રત્યે સજાગ રહે તો એક નવો સૂર્યોદય જોવા મળી શકે છે.






