=> લોકપાલ મુદ્દે યુપીએ અને સર્વપક્ષીય સંતલસો જેવો જ મહત્વનો બનાવ ટીમ અણ્ણાના વ્યાપક વિસ્તરણનો યે છે.
સુપ્રતિષ્ઠત ‘ટાઈમ’ સામિયકે સંકેલાતા ઇસુવરસના સૌથી મોટા દસ સમાચારો પૈકી અણ્ણા હજારેના આંદોલનને આરબ વસંતની હારોહાર જગતતખતે ઊંચી પાયરીએ આંકર્યું એના પર જાણે કે મંજૂરીની મહોર મરાતી હોય એ રીતે રવિવારે જંતરમંતર પરિસરે ફરી એક વાર અણ્ણાની ફરતે વિશાળ આયોજન દીઠું. મજબૂત લોકપાલ માટેના આ આંદોલને વિવાદો વચ્ચે પણ ચોક્કસ કાઠું કાઢયું છે, અને સ્વભાવે કંઈક સંમશિ્ર છતાં એની અપીલ એકધારી જારી છે એ તો ખરું, પણ રવિવારના આ બધા કલાકો એ કારણે પણ નોંધપાત્ર લેખાશે કે આજકાલ જેને ‘સિવિલ સોસાયટી’ કહેવાનો ચાલ છે એની અને કોંગ્રેસ સિવાયના રાજકીય પક્ષો વચ્ચે જાહેર તેમજ સહિયારી આપલેનો આ એક અચ્છો અવસર હતો.
શનિવારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવાયો, અને રવિવારે જંતરમંતર પર આ જાહેર બહસ ચાલી. મંગળવારે લોકપાલ બિલના મુદ્દે યુપીએના ઘટકોમાં ચર્ચા થશે, અને બુધવારે સર્વપક્ષીય ધોરણે દોર આગળ ચાલશે. લાગે છે, ભારે સંભાવનાઓના એક પડકારભર્યા તબક્કામાં આપણે દાખલ થઈ ચૂક્યા છીએ. સોમવાર અને મંગળવારની અણ્ણાયોજી નવી દિલ્હી બેઠક પણ એપ્રિલના જંતરમંતર દોર અને આ‹ગસ્ટના રામલીલા દોર કરતાં કંઈક જુદી હોવાની છે, કેમ કે હમણાં સુધી અણ્ણાની હૈયાઉલટ અને ટીમ અણ્ણા (કો. ગ્રૂપ)માં સીમિત રહેતી આવેલી નિર્ણય પ્રક્રિયા હવે આંદોલનના સમર્થકોની એક વ્યાપક કાર્યકારિણી વાટે આગળ ચાલશે.
ગયા મે મહિનામાં અણ્ણા અને એમના સાથીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે આંદોલન થોડાક લોકોની નાનકડી ટુકડીમાં તેમજ એક વ્યક્તિના દિલી ઉમંગને વશ ન વર્તતાં વ્યાપક વિચારવિનિમયપૂર્વક ચાલે અને આ વિનિમય ન્યાયી સમાજ તથા નવી દુનિયાની ભોંય ઉપર ચાલે એવી થોડીક ચર્ચા જરૂર થઈ હતી. પણ એ દિશામાંનું સોમવાર-મંગળવારનું આયોજન તો હજુ પહેલી જ વાર થઈ રહ્યું છે.
ગમે તેમ પણ, દેશમાં પરિવર્તનની એક હવા બેલાશક ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્તરે એનો વડો સંકેત જો અણ્ણાના આંદોલન થકી મળે છે તો રાજ્યે રાજ્યે એવાં બીજાં તળ આંદોલનો થકી પણ મળે છે. ગુજરાતમાં, જેમ કે, વર્ષ ૨૦૧૧ની કદાચ સૌથી મોટી ઘટના મહુવા આંદોલનની ફતેહની છે.
હમણે હમણે જેને હોંશે હોંશે અણ્ણા આંદોલન જનપથ તરીકે ઓળખાવાય છે એ મહાનગર અમદાવાદમાંની રૂપાલી સામેની સરદાર બાગ ફૂટપાયરીઓ માનવ અધિકાર દિવસની ઉજવણીના આરંભે થયેલું પહેલું સ્મરણ સ્વાભાવિક જ સુપ્રીમની દેવડીએ મહુવા આંદોલનની ફતેહના સમાચારોનું થઈ આવ્યું હતું. ખેતીલાયક જમીનને અને વિશાળ જળાગારને ગ્રસી જતા તેમજ નાનીમોટી શતસહસ્ર કામગીરીઓ અને રોજગારીઓને ભરખી જતા સિમેન્ટ પ્લાન્ટને ‘રુક જાવ’નો આદેશ આપવાની તક રાજ્ય સરકાર ઝડપી શકી હોત. પણ જૂના રેવન્યુ રેકર્ડનો હવાલો આપીને એણે જાણતે છતે ‘વેટલેન્ડ’ને ‘વેસ્ટલેન્ડ’ કહેવાનો કક્કો ઘૂંટયે રાખ્યો. કેન્દ્ર સરકારે પણ દોષદુરસ્તીમાં ખાસો વખત લીધો. અલબત્ત, રાજ્ય સરકાર કરતાં એનો રવૈયો આ કિસ્સામાં સારો રહ્યો. પણ નવી દિલ્હી હોય કે ગાંધીનગર, સરકારો હજુ એ એક મૂળ વાત ઉપર પહોંચી શકી નથી કે જળ, જમીન ને જંગલ જેવાં કુદરતી સંસાધનો જનતાની માલિકીનાં છે. મહુવાની લડતે આ અર્થમાં હજુ લાંબી મજલ કાપવાની છે.
ગુજરાતમાં મહુવાની લડત હોય કે નરોડા પાટિયા ને ગુલબર્ગ સોસાયટી જેવા કેસોમાં ન્યાયની, મણિપુરમાં ઇરોમ શર્મિલાનાં અનવરત અનશન અને આફ્સ્પા વિરોધની -પ્રશ્ન એ છે કે ભલે લોકપાલને મુદ્દે પણ અણ્ણા આંદોલને જે હદે રાષ્ટ્રીય કાઠું કાઢયું છે તે આ બધી લડતોને વિશે દેશમાં કેવો અભિગમ વિકસાવે છે અને એમને પોતાની પાંખે કેવી રીતે હંૂફે છે. પ્રશાન્ત ભૂષણે જ્યારે કાશ્મીરને સાથે રાખવા અને વિશ્વાસમાં લેવાના પૂરા પ્રયત્નો કરવાની અને તેમ છતાં ત્યાંના લોકોને (પાકિસ્તાનને નહીં, ત્યાંના લોકોને) એ ગ્રાહ્ય ન હોય તો જુદેસર વિચારવાની સહેજસાજ જિકર કરી ન કરી ત્યાં તો એમના પર લેવાદેવા વગર હુમલો થયો. અણ્ણાની પહેલી પ્રતિક્રિયા પ્રશાન્ત ભૂષણના ખુલ્લા મનની તરફેણમાં નહીં પણ પાકિસ્તાન સામેના જંગમાં લડી ચૂકેલા તરીકે એક ઓર જંગની હતી! ખરું જોતાં, એ આખી વાતને વ્યાપક લોકશાહી પરિપ્રેક્ષ્યમાં જોઈ અને મૂકી શક્યા હોત.
વિસ્તારભયે લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે ટીમ અણ્ણાએ કુંડાળાની બહાર વ્યાપક કાર્યકારિણીના ધોરણે (રાષ્ટ્રીય સમન્વયના ધોરણે) એક સમગ્ર અભિગમ વિકસાવવો રહે છે. બને કે જસ્ટિસ હેગડેની ગુરુવારની ગુજરાત-મુલાકાત વખતે પણ આ બધી બાબતો ઓછેવત્તે અંશે ચર્ચાય. સવાલ, અંતે તો, નાનાંમોટાં સત્તાપ્રતિષ્ઠાનો સામે જનસંકલનાની નવી રાજનીતિનો છે.
જંતરમંતર કલાકો:
રવિવારે વળી એક વાર જંતરમંતર પરિસર જાગી અને ગાજી ઊઠ્યો... સવાલ સિવિલ સોસાયટી અને રાજકીય પક્ષો વચ્ચે સાર્થક બહસનો છે.
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.