દેશની ભવ્યતા કે સમૃદ્ધિ વધારતાં અમેરિકનોને આવડ્યું પણ તેને ટકાવી રાખીને કરકસરથી રહેતાં આવડ્યું નથી. આ સમૃદ્ધિને બે વર્ષની મંદીમાં સાચવી શક્યા નથી. તેથી જ તેના વોલમાર્ટ અને બીજી મલ્ટિ-નેશનલોએ તેના ભૂખના હાંડલા ભરવા ભારતમાં આવવું પડે છે.
અમેરિકા કે અંગ્રેજ અર્થશાસ્ત્રીઓ ભારતની ગરીબી કે ભ્રષ્ટાચાર વિશે ખૂબ લખે છે. આજકાલ ઇંગ્લેન્ડ અને અમેરિકા આર્થિક ભીંસમાં તેની નૈતિક હિંમત ભૂલી ગયા છે પણ ભારત ટક્યું છે. સ્વાતંત્રયની લડતમાં પંજાબી કવિ ‘પાશ’ ઉર્ફે અવતારસિંહ સંધુ જેલમાં ગયેલા ત્યાં તેમણે સરસ દમદાર કવિતા લખેલી.
નિરાશામાં ડિપ્રેશનની ટીકડીઓ કે દારૂના ગ્લાસ ગટગટાવનારા કે એક્સટસીની ઉત્તેજક ગોળી લેનારા અમેરિકનો ભારતના લોકોનો સ્પિરિટ હજી સુધી સમજી શક્યા નથી. સમૃદ્ધિ હોય કે તંગી હોય કે આસમાની કે સુલતાની કે ફકીરી કે તવંગરી દરેક હાલતમાં સ્પિરિટ જાળવવાના જનમ જનમના સંસ્કાર ભારતના લોકોમાં છે.
કબૂલ છે કે અમેરિકા ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલી આગળ વધેલો દેશ છે પણ પ્રોફેસર ગિલબર્ટ મોરિસ જેમણે ‘રેસ્કયુ અમેરિકા’ નામનું ૨૦૧૧નું પુસ્તક લખ્યું છે તેમાં પોતે જ કબૂલ કર્યું છે કે ‘ઇન્ડસ્ટ્રી એલોન કેન નોટ ડિટરમીન ધ ગ્રેટનેસ ઓફ નેશન.’ શું કામ આ ગ્રેટ અમેરિકન નેશનની બબ્બે જબ્બર બેન્કોને અબજો રૂપિયા આપીને અમેરિકન સરકારે બચાવવી પડી? ભારતમાં કદી આવું ન થાય.
પ્રો. ગિલ્બર્ટ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ગ્રેજ્યુએટ છે અને અમેરિકાની જયોર્જ મેસન યુનિ.માં ફિલોસોફી ભણાવે છે. તેમણે અર્થશાસ્ત્રમાં માથું મારીને અમેરિકન આર્થિક મહાનતા (ભૂતકાળ)ની બડાઈ મારી છે. કેવી કેવી બડાઈ?
(૧) અમેરિકાની કાચી રાષ્ટ્રીય પેદાશ ૧૪.૪૦૦૦૦૦૦૦૦૦૦૦ ડોલરની છે એટલે કે જગતની કુલ ખેતરો અને ફેકટરીની પેદાશનો ૨૩.૯ ટકા ભાગ અમેરિકા પેદા કરે છે.
(૨) વિશ્વની કુલ સંપત્તિમાંથી ૫૦ ટકા સંપત્તિ અમેરિકાનો પાસે છે. વિશ્વના ટોચના ૫૦૦ અબજપતિઓમાંથી ૨૫૦ અમેરિકામાં છે. અઢી કરોડ લખપતિઓમાંથી ૩૨ ટકા અમેરિકનો છે, જેમાંના ૯૦ ટકા મંદીમાં રોડપતિ થયા છે.
(૩) પ્રો. ગિલ્બર્ટ કહે છે કે અમેરિકન બેન્કોમાં લોકોને બહુ વિશ્વાસ છે. અરે પ્રોફેસર સાહેબ! તો પછી જગતની બે મોટામાં મોટી બેન્કોને દેવાળામાંથી પ્રમુખ ઓબામાએ કેમ બચાવવી પડી?
(૪) એ સાચું કે જગતની ટોચની ૧૮ યુનિવર્સિટી અમેરિકામાં છે પણ તો શું કામ ‘ફ્રન્ટલાઈન’ના સપ્ટે. ૨૦૧૧ના અંક મુજબ અમેરિકામાં ૨૦૮ કરોડ લોકો બેકાર છે? તેની સામે ૧-૧-૧૨ના રોજ ડૉ..મનમોહનસિંહે કહ્યું તેમ ભારતમાં પાંચ લાખ નવી નોકરીઓ ઊભી થશે. શું કામ જગતની ટોચની યુનિવર્સિટીઓ ધરાવો છો તે છતાં અમેરિકાના ‘ન્યૂઝવીકે’ લખવું પડે છે કે અમેરિકન વિદ્યાર્થીઓ જગતના બીજા અને ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓની સ્પર્ધામાં ટકતા નથી?
(૫) બ્રિટિશરો પણ તેના અર્થશાસ્ત્રીઓના અધૂરા જ્ઞાન થકી ભારતની ગરીબી, ભ્રષ્ટાચાર, મોંઘવારીની વાતો કર્યા કરે છે પણ બ્રિટન જેવી બેકારી ભારતમાં નથી. અમારું સંયુક્ત કુટુંબ, ભાઈઓ, બહેનો, કાકાઓ અને મામાઓ એ અમારું ઇન્શ્યુરન્સ છે.
(૬) બ્રિટનના વેપારીઓ-ઉદ્યોગપતિઓ ઝઘડાળુ છે. બ્રિટનના કોમર્શિયલ લીગલ સેક્ટરમાં વર્ષે R ૧૨૦૦ અબજનો વકીલોની કમાણીનો ઊથલો હતો. દરેક કાનૂની પેઢી કરોડોના નફા કરતી હતી. કેટલો બધો કંકાસિયો દેશ હતો કે એક એક જુનિયર સોલિસિટરની વાર્ષિક કમાણી R ૫૬,૦૦૦,૦૦૦ હતી. દેવું કરીને કે ઘર વેચીનેય બ્રિટિશરો ભારત, થાઈલેન્ડ, બમૉ કે આરબ દેશોની ટુરે જતા હતા. હવે? ૨૦૧૧માં ૪૦ ટ્રાવેલ એજન્સીઓએ ઓફિસોને તાળાં માર્યા હોવાનું લંડનનું ‘ગાર્ડિયન’ ૩૦-૧૨-૧૧ના અંકમાં કહે છે.
દેશની ભવ્યતા કે સમૃદ્ધિ વધારતા અમેરિકનોને જોકે આવડ્યું પણ તેને ટકાવી રાખીને કરકસરથી રહેતા અમેરિકનોને આવડ્યું નથી. પ્રમુખ રોનાલ્ડ રેગને ચેતવણી ઉચ્ચારેલી કે ‘અમેરિકનોએ મહામહેનતે ગુલામીમાંથી મુક્તિ મેળવી છે પણ યાદ રહે કે તે આઝાદીને સાચવો નહીં તો તે આઝાદી એક પેઢીથી વધુ ટકતી નથી. વળી આઝાદી કે સમૃદ્ધિ માટે લડવું પડે છે.
‘ઈટ મસ્ટ બી ફોટ ફોર, એન્ડ પ્રોટેકટેડ.’ આ આઝાદી ટકાવીને અને સમૃદ્ધિને તગડી કરીને તમારાં બાળકોને આપવાની હોય છે, પણ જો તેને સાચવશું નહીં તો હતા ત્યાંના ત્યાં-ગુલામ બની જશું! કેવી વહેલી ચેતવણી હતી. (પ્રમુખ રોનાલ્ડ રેગનની આ ચેતવણી ભારતના ૨૧મી સદીના યુવાનોએ સાંભળવા જેવી છે). અમેરિકનો તો તેની સમૃદ્ધિને બે વર્ષની મંદીમાં સાચવી શક્યા નથી. તેથી જ તેના વોલમાર્ટ અને બીજી મલ્ટિનેશનલોએ તેના ભૂખના હાંડલા ભરવા ભારતમાં આવવું પડે છે.
મારે તમને અમેરિકન અર્થશાસ્ત્રી ક્રિસ સલાનોનેના શબ્દોમાં અમેરિકનોના આર્થિક અને રાજકીય રેઢિયાળપણાની વાત કહેવી પડશે. અમેરિકાએ ઘર સંભાળ્યું નથી અને વિદેશમાં પટલાઈ કરવા જઈ અફઘાનિસ્તાન વગેરેમાં ભેખડે ભરાયું છે. ઓબામાએ પારકી લડાઈમાં બેફામ ઉડાઉગીરી કરી છે. અમેરિકન અર્થશાસ્ત્રી કહે છે કે ‘અવર ઇકોનોમિક ડિઝેસ્ટર ઈઝ ડ્યુ ટુ ગ્રીડઈન વોલસ્ટ્રીટ’ (શેરબજાર) અર્થાત્ આપણી આર્થિક પાયમાલી ન્યુયોર્કના શેરબજારના સટ્ટાખોરોનો ધનલોભ છે. સરકારી ધર્માદા પર નભવાનું અમેરિકનોને વ્યસન થઈ ગયું છે... અમે ભારતીઓ આ તમામમાંથી બચેલા છીએ અને તેથી આખી દુનિયા મંદીમાં છે પણ અમારા મોં પર કવિ પાશની બડકમદારીનું તેજ છે. અમારો મંત્ર છે ‘આપના હાથ જગન્નાથ.’