જગતભરનાં ફૂટબોલ, વોલીબોલ, હોકી અને ક્રિકેટ વગેરેના ખેલાડીમાંથી ફેફસાં, ગળા કીડની, લીવરના કેન્સર કે હૃદયરોગથી ઘણાનાં મોત થાય છે. વર્ષે લગભગ ૨૦૦૦ નવા સ્પોર્ટ્સ ખેલાડી કેન્સરનો ભોગ બને છે તે તેમની ડફોળ અને વટલેલી લાઈફ સ્ટાઈલ થકી હોય છે.
થોમસ ફૂલર નામનાં વિદ્વાને ત્રણસો વર્ષ પહેલાં કહેલું કે રોગનું નિદાન થઈ જાય એટલે રોગી અરધો સારો થઈ જાય. યુવરાજસિંહનું ફેફસાંનાં કેન્સરનું નિદાન થયું છે પણ થોમસ ફૂલરની વાત તેને લાગુ પડતી નથી. કારણ કે યુવરાજસિંહ યોગરાજસિંહ ભંડાલ નામના શીખ-પંજાબી માબાપના પુત્રને ફેફસાંનું કેન્સર કેમ થયું તેનું નિદાન (વિશ્લેષણ) હજી થયું નથી. પ્રથમ વાત તો એ કે પિતા યોગરાજસિંહ ભંડાલ અને માતા શબનમનો આ બીજા નંબરનો લાડકો પુત્ર હતો. એટલો બધો લાડકો કે ભણ્યો જ નહી કે કંઈ વાચતો થયો નહી.
અલમસ્ત પહાડી શરીર હતું જે ક્રિકેટર બાપ તરફથી મળેલું. પરંતુ જુવેનાલ નામના સંત જેમણે પેલેસ્ટાઈનને આઝાદ કહેલું તેમણે ૫૭૫ વર્ષ પહેલાં કહેલું કે આપણે ઈશ્વરને માત્ર સાઉન્ડ બોડી માટે જ નહી પણ સાઉન્ડ માઈન્ડ માટે એટલે કે શાંત મગજ માટે અને સહિષ્ણુ મન માટે ય પ્રાર્થના કરવી જોઈએ. એ પછી ડૉ. રિચાર્ડ સ્ટીલે પણ કહેલું કે આપણે કોન્સ્ટંટ (સતત) હેલ્ધી રહેવા માટે હેલ્ધી ટેમ્પર રાખવો જોઈએ. કમનસીબે આપણા બેસ્ટ ક્રિકેટર અને એક મેચ જીતનારી ઓવરમાં છ છ છક્કા મારીને ભારતને જીતાડનાર યુવરાજસિંહ અચ્છો ક્રિકેટર હતો, પણ સહિષ્ણુતા તેમ જ (માફ કરજો) ખાવા-પીવા અને વર્તનમાં શિસ્ત કે સંયમી નહોતો.
યુવરાજનું ફેફસાંનું કેન્સર થયું તે સમાચાર થકી યુવરાજે (માફ કરજો) નવી પેઢીની એક આડકતરી સેવા કરી છે. આજે ૨૧મી સદીનાં આ બેફામ સ્પીડી અને ભોગી જિંદગી જીવનારાને રૂક જાઓ અને તમારા ખાનપાન વગેરે સામે જુઓ તેવી ચેતવણી ઉચ્ચારી છે. માત્ર યુવરાજ નહી જગતભરનાં ફૂટબોલ, વોલીબોલ, હોકી અને ક્રિકેટ વગેરેના ખેલાડીઓમાંથી ઘણાંના યુવાન વયે ફેફસાંના કેન્સર કે હૃદયરોગ કે કીડની-લીવરના કેન્સર કે ગળાના કેન્સરથી મોત થાય છે.
દર વર્ષે લગભગ ૨૦૦૦ નવા સ્પોર્ટ્સ ખેલાડી કેન્સરનો ભોગ બને છે તે તેમની ડફોળ અને વટલેલી લાઈફ સ્ટાઈલ થકી હોય છે. ઘણા સ્પોર્ટ્સમેન શિસ્ત રાખે છે પણ પછી આનુવંશિક, પર્યાવરણીય અને બીજા લાઈફ સ્ટાઈલ બદલવાનાં કારણોસર કેન્સર થાય છે તે પોતે આત્મવિશ્વાસથી અને સ્વઉપચાર કે એલોપથી ઉપરાંત વૈકલ્પિક ચિકિત્સાથી સારા થાય છે. જીવતો જાગતો દાખલો લાન્સ આર્મ સ્ટ્રોંગ નામના ખેલાડી અને સાયકલિંગ ચેમ્પિયનનો છે.
૨૫ વર્ષની ઉંમરે વૃષણનું કેન્સર થયેલું. તે કેન્સર પછી જલદીથી મગજ, ફેફસાં અને પેટ સુધી ફેલાયું હતું. તેણે ઓપરેશન કરાવવું પડ્યું અને એલોપથીમાં આડઅસરો હોય છે તે જાણવા છતાં કીમોથેરાપી કરાવવી પડી. ડોક્ટરોએ કહ્યું કે ‘તારો બચવાનો ચાન્સ ૪૦ ટકા છે પણ પછી તેણે મેડિટેશન, આયુર્વેદ અને બીજી ટ્રીટમેન્ટથી પોતાની જાતને સારી કરી. આજે તે ૪૦ વર્ષની ઉંમરે પાછો સાયકલિંગની રેસમાં છે.
આપણે યુવરાજસિંહની ‘ચરિત્ર કુંડળી’ જોઈએ તો ચંડીગઢમાં તે ૧૨-૧૨-૧૯૮૧માં જન્મીને આજ માત્ર ૩૧ ઉંમરે કેન્સરનો ભોગ બન્યો છે. પિતા યોગરાજ સિંઘ પણ ક્રિકેટર હતા પણ તેમાં બહુ ચાલ્યા નહી. તેનો જાટ સ્વભાવ ક્રિકેટમાં ધીરજના ગુણને કેળવી શક્યો નહીં. યુવરાજ સોહામણો અને બોલિવૂડમાં કામ કરે તેવો આકર્ષક છે. આ બન્ને ચીજ જ તેની કારકિર્દીમાં આડખીલીરૂપ થઈ. માતા ભલે માત્ર ગૃહિણી હતી પરંતુ પિતા ક્રિકેટ અને રાજકારણમાં પરોવાયેલા રહેતા એટલે માતાએ બીજા અવતરેલા પુત્ર યુવરાજને એટલા બધા લાડ લડાવ્યા કે તે સ્કૂલે જ ગયો નહીં.
આજનું ભણતર ગમે તેવું હોય પણ એ ભણતર થોડીક શિસ્ત, થોડીક સમજ, થોડું દુનિયાદારીનું ભાન અને બીજા સાથે એડજસ્ટ થઈને કેમ વર્તવું તેનું ગણતર તો આપે છે જ. શુક્રના પાવરફુલ ગ્રહવાળો યુવરાજ જન્મજાત કામદેવ તો હતો જ પણ ધનુ રાશિનો આ ભાયડો રાશિશાસ્ત્ર પ્રમાણે ઓપન-મેનરનો હતો. મનમાં આવે તે ધડ દઈને કહી નાખતો કે કરી નાખતો પણ આ જગતમાં તેવા લોકને ‘ઉદ્ધત’ પણ કહે છે. મેડમ જુલિયા પાર્કર નામની જયોતિષશાસ્ત્રીણી કહે છે કે આવા ગ્રહવાળા છોકરાઓ પારણામાંથી જ તોફાની હોય છે. ‘ધે નીડ ટુ બી ટેઈમ્ડ.’ તેમને ઠમઠોરીને સીધા કરવા જોઈએ. તે કાંઈ થયું નહી. આપણને ક્રિકેટમાં છગ્ગાબાજ અને બોલર યુવરાજ મળ્યો પણ સચિન કે રાહુલ દ્રવિડ જેવો શિસ્તબાજ ન મળ્યો.
કેનેડાના ટોરોન્ટો શહેરનાં બીરસિંઘ નામના શીખે તેને નિકટથી જોયો છે અને કહેલું કે ‘તેના લાડકા ઉછેરને કારણે યુવરાજ તેની રીતભાત અને વાણીમાં અનરિફાઈન્ડ રહ્યો! (તમે શું માનો છો?) ભારતીય ક્રિકેટટીમમાં એક ટાંકણે બબ્બે શીખ હતા અને શીખો ગઈકાલ સુધી રહ્યા છે. ઈંગ્લેંડમાં શીખ સ્પીનબોલર છે. બ્રિટનમાં બલજિત રીહાલ ત્યાંના જે. પી. હતા. તેણે કહ્યું કે યુવરાજે કોઈના કહેવાથી શાંત મન માટે અને ગુડલક માટે ‘ઓમ’ની કંઠી પહેરી હતી. પરંતુ આ કંઠી કે માદળીયું નવે. ૨૦૦૭માં જયપુર ખાતેની પાકિસ્તાન સામેની મેચમાં કામ ન લાગ્યું.
અમ્પાયર સુરેશ શાસ્ત્રીનાં નિર્ણય સામે યુવરાજે બળવો કર્યો અને તેણે દરેક રીતે સહન કરવું પડ્યું. જોકે પૈસાનો દંડ તેને સ્પર્શતોજ નહીં. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ તો યુવરાજના ભકત બની ગયા છે અગર હતા. યુવરાજ વિશે ઉપરના લખાણમાં અણગમતી વાત રાજકોટવાસીને કદાચ ગમશે નહી કારણ કે રાજકોટમાં તેણે ઈંગ્લેંડ સામે નોટ આઉટ રહીને ૧૩૮ રન કરેલા. ગ્રેગ ચેપલ જ્યારે ભારતની ટીમનો નવો ક્રિકેટ કોચ નીમાયો ત્યારે તેણે યુવરાજની ટીકા કરીને અપયશ વહોરેલો.
જોકે તેના છ છગ્ગા અને આક્રમક બેટિંગ થકી તેને માઈક્રોસોફ્ટના અને બીજા ઘણા તગડા કોમર્શિયલ કોન્ટ્રાકટ મળ્યા. કાર્ટૂન ફિલ્મમાં કામ મળ્યું. તેનું ગળું પણ સારું કામ કરે છે પણ આ બધું તેના ફેફસાંના કેન્સરને રોકી શક્યું નહીં. હવે? તેણે શું કરવું જોઈએ? વાંચો હવે પછી.કેન્સરની એલોપથિક ટ્રીટમેન્ટને કીમો થેરપી કહે છે. દવા-ઈંજેકશનો વગેરેનો છ સપ્તાહનો કોર્સ R ૫ લાખથી R ૧૫ લાખ!