પર્યાવરણને હાનિ થાય અને ૧૫૦૦ ખેડૂતોને સ્થળાંતર કરવું પડે પણ તેની સામે વીજળીનો જે લાભ છે તે અનુપમ છે. સૌરાષ્ટ્ર જ નહીં આખા ગુજરાત અને ભારતને એ વીજળીનો લાભ ઉદ્યોગો, ઘર અને ખેડૂતોને મળે એટલે અમે અણુ પ્રોજેક્ટને વધાવીશું જ.
દિવ્ય ભાસ્કરના પત્રકારે સમાચાર આપ્યા કે ભાવનગર જિલ્લામાં ત્રીજો ન્યુકલીઅર પાર્ક ઊભો થશે. તે સાંભળી કાઠિયાવાડના ખેડૂતો તેનું ઢોલ શરણાઈ વગાડીને સ્વાગત કરશે. પરંતુ જો ભાવનગર જિલ્લાના વેજોદરી ગામના ખેડૂત વેજાબાપાને કહો કે દિલ્હીના પર્યાવરણવાદીઓ આનો વિરોધ કરે છે તો બાપા કહેશે કે ‘‘એને શું ખબર? કાઠિયાવાડમાં ખેતી કરતો હોત તો ખબર પડત કે અડધી રાતે વીજળી આવે ત્યારે શિયાળુ પાકને પંપનું પાણી મળે છે, ત્યારે ઉજાગરો થાય છે.
એને શું? નાગો બાવો ઠેક ને તૂંબડી વાગે છે કે!’ માત્ર વેજાબાપા જ વીજળીની તંગીથી ત્રસ્ત નથી. તળાજા તાલુકાનાં વાળુકડ ગામમાં પ્રખ્યાત સાહિત્યકાર રામનારાયણ પાઠકનાં પુત્ર સતીષભાઈ પાઠક સિત્તેર વીઘાની વાડી ધરાવે છે તેની પણ ફરિયાદ છે કે સૌરાષ્ટ્રમાં અમને મોડી રાત્રે ર વાગ્યે વીજળી મળે ત્યારે અમારી ઊંઘ બગાડીને પાકને પાણી પાવા વીજળીનો પંપ ચાલુ કરવો પડે છે. રાજકોટના દિનેશ તિલ્વા કહે છે કે નરેન્દ્ર મોદીએ ‘‘જ્યોતિગ્રામ’’ની યોજનામાં ગામડાનાં ઘરોમાં વીજળી દીવા આપ્યા પણ ખેતીવાડીમાં હજીય વીજળીની ભારે ખેંચ રહે છે.
જો હવે ભાવનગર જિલ્લામાં મીઠીવીરડી નામના મનુભાઈ પંચોળીના વિદ્યાધામવાળા ગામમાં ન્યુકલીઅર પાર્ક થાય તો સૌરાષ્ટ્રમાં ખેડૂતોની ફરિયાદ ટળી જાય. ભાવનગર આમ તો પબ્લિક પ્રોજેક્ટો બાબતમાં ઓરમાયો પ્રદેશ છે. જોકે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ નામની મીઠાનું સંશોધન કરતી સંસ્થા ઊભી કરી તે અતિ સુંદર કામ કરી રહી છે.
તેના વિજ્ઞાની ડૉ. એમ.આર. ગાંધીને મેં પૂછ્યું કે જો ત્રીજો ન્યુકલીઅર પાર્ક થાય તો તેને તમે આવકારો? તો કહે ‘‘એટલું ખરું કે પર્યાવરણને હાનિ થાય અને ૧૫૦૦ ખેડૂતોને સ્થળાંતર કરવું પડે પણ તેની સામે વીજળીનો જે લાભ છે તે અનુપમ છે. સૌરાષ્ટ્ર જ નહીં આખા ગુજરાત અને ભારતને એ વીજળીનો લાભ ઉદ્યોગો, ઘરો અને ખેડૂતોને મળે એટલે અમે અણુ પ્રોજેક્ટને વધાવીશું જ.
ભાવનગરમાં અણુવીજળી પ્લાન્ટની વાત થઈ ત્યારે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સી.એસ.એમ.સી.આર.આઈ.)ને પણ યાદ કરી છે એટલે વાચકોને આ અણમોલ અને એક માત્ર ગુજરાતના નિમકમાંથી અનેક રસાયણો અને દરિયાઈ વનસ્પતિમાંથી કિંમતી ચીજો શોધી કાઢનારી સંસ્થાનો પરિચય કરાવવો પડશે. આ સંસ્થા પંડિત જવાહરલાલ નહેરુએ ૧૦ એપ્રિલ-૧૯૫૪માં ભાવનગર ઉપર કૃપા કરીને સ્થાપેલી.
ત્યારે તેમણે જે શબ્દો કહેલા તે નોંધી લો ‘‘હું ઈચ્છુ છું કે ભાવનગરની આ લેબોરેટરીમાં યુવાન વિજ્ઞાનીઓ માત્ર ઊંચા પગાર માટે જ ન જોડાય, પણ સેવાની ભાવના રાખે. કારણ કે આ સંસ્થામાં કામ કરવાથી તે વિજ્ઞાનની અને ભારતની જ નહીં આખી દુનિયાની સેવા કરશે. એટલા માટે કે સાયન્સને કોઈ ફ્રિન્ટયર હોતા નથી!’’ એ રીતે મીઠીવીરડીમાં અણુવીજળી મથક સ્થપાય તો તેની સીમા કાઠિયાવાડ પૂરતી નહીં રહે. આખા ભારતને લાભ થશે.
ડૉ. ગાંધીએ આ નિમક સંશોધનની સંસ્થાથી જ ભારત અને જગતને કેટલો લાભ થયો તે સંક્ષેપમાં જણાવ્યું. દરિયામાં થતી શેવાળમાંથી બાયોડીઝલ મેળવવાની ટેક્નિક આ સંસ્થામાં શોધાઈ છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અગરિયા એટલે કે દરિયાકાંઠે મીઠું પકવનારાને સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓએ ટેક્નિક બતાવી તેનાથી નિમક એકદમ સફેદ અને ચોખ્ખું થયું તેથી અગરિયાને સરસ ભાવ ઊપજે છે. ડૉ. ગાંધીએ કહ્યું કે, સંસ્થાએ સોલરએનર્જી પ્લાન્ટ રાજસ્થાન અને છેક અફનિસ્તાનમાં મોકલ્યા છે.
ખાસ પાણીને મીઠું કરવાના ડી-સેલીનેશન પ્લાન્ટ એ ભાવનગરની આ સંસ્થાની દેન છે. ત્રણસો જીવવિજ્ઞાનીઓ અહીં ટ્રેઈન થાય છે. ચોથું યોગદાન પર્યાવરણવાદીને ખુશ કરે તેવું છે. અંકલેશ્વરની કેમિકલ ઈન્ડસ્ટ્રી ‘‘ટ્રક મોઢે’’ ઔદ્યોગિક કચરો કાઢે છે તેમાંથી ઉત્તમ રસાયણો મેળવવાની ટેક્નિક સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓએ શોધી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પ્રોપીલીનમાં જે રસાયણ વાપરે છે તે રસાયણ આ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી મેળવાય છે તેમ ડૉ. ગાંધીએ કહ્યું.
દરમિયાન અમારા બુઝર્ગ પત્રકાર-મિત્ર પ્રતાપભાઈ શાહ (સૌરાષ્ટ્ર સમાચાર) આ સમાચારને વધાવશે જ. દરમિયાન આપણે ભારતમાં જુદી જુદી ત્રણ જગ્યાએ ૨૦૧૨માં ન્યુકલીઅર પાર્ક થવાના છે તે જોઈએ. તેમાં નસીબજોગે અમારું ભાવનગર પસંદ થયું તેથી મને અંગતરીતે ખૂબ આનંદ થયો છે. મૂળભૂત રીતે હું ખેડૂત છું અને ખેડૂતોની વીજળીની તંગીની પીડા અને ખેડૂતોની ખુશી સમજી શકું છું.
ગુજરાતમાં માત્ર કાકરાપાર ખાતે જ અણુવીજળીમથક છે. બીજા ચાલુ થર્મલ પાવર સ્ટેશનો સાત છે તેમાંથી મળતી ૩૦૦૦ મેગાવોટ વીજળી ગુજરાત માટે પૂરતી નથી. ૧૪૦૦ મેગાવોટ વીજળીની તંગી છે. જો ભાવનગર માટે અણુવીજળી પાર્ક મંજુર થાય તો અમેરિકન ટેક્નોલોજી વપરાવાની પૂરી શક્યતા છે. કેટલા આનંદની વાત છે કે અમેરિકાની વેસ્ટિંગ હાઉસ નામની જગવિખ્યાત કંપની તેની એ.પી.૧૦૦૦ની ન્યુકલીઅર ટેક્નોલોજી લઈને અમારા કાઠિયાવાડના ગામે આવીને અડદની દાળ ને રોટલો અને રીંગણાનો ઓળો ખાશે.
એવી પણ શક્યતા છે કે જનરલ ઈલેક્ટ્રિક અને હિટાચીની ભાગીદારીમાં બીજા અણુ પ્લાંટ નખાય છે. આ અણુ પ્લાન્ટ માટે કામ કરતી ન્યુકલીઅર પાવર કોપોઁરેશન ઓફ ઈન્ડિયા લિ.ના ચરમેન ડૉ. એસ.કે. જૈનને અને દરિયાના દેવને અમે પ્રાર્થના કરીએ છીએ કે પર્યાવરણવાદીને ગાંઠે નહીં અને ૧૫૦૦ ખેડૂતો જેને મીઠીવીરડીના પ્રદેશની જમીન સંપાદિત કરવા ખસેડવાના છે તેને અઢળક રીતે ખુશ કરે અને એ ખેડૂતોને ખુશ કરવાના પ્રોજેક્ટમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા સાહસિકોની મદદ લે.