જંગલમાં થતા એક છોડમાંથી સિલોસિબિન નામનું રસાયણ મળે છે તે તમને દિવ્યાનુભવ પણ કરાવે છે. સાદી ભાષામાં તેના છોડને મશરૂમ પણ કહે છે, જેને આપણે બિલાડીના ટોપ પણ કહીએ છીએ. તે સાયકેડેલીક ડ્રગ અથૉત્ મગજના રસાયણ બદલતું ઔષધ છે.
યુવરાજસિંહની કે કોઈ પણ દર્દીની કેન્સરની બીમારી તો માત્ર એલોપથી-કીમોથેરપી જ નહીં બીજા અનેક વૈકલ્પિક ઉપચારોથી સારી થઈ શકે છે. ભારતમાં હિમાલય અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગીર-સોરઠનાં જંગલોમાં એવી વનૌષધિ થાય છે કે તે રોગના ઉપચાર સાથે તમને દિવ્યાનુભવ પણ કરાવે છે. યુવરાજની બીમારીનો લેખ લખતી વખતે મને આ વનૌષધિની ચમત્કારી વાત લખવાનો મોકો અને હિંમત મળ્યાં છે.
રસાયણશાસ્ત્રના વિજ્ઞાની મોડે મોડે હવે માને છે કે માનવીના મગજની કેમિસ્ટ્રરી અને દૈવીતત્વ વચ્ચે કશોક ચમત્કારિક સંબંધ છે. હિમાલયથી અમારા ઝાંઝમેર ગામે આવતા બાવા મને ૧૯૩૮માં કહેતા કે તે મગજમાંથી એવાં રસાયણો ઝરાવી શકે છે જે ઝેરનેય પચાવી શકે છે. તે વાતને ભૂલી જઈએ. લંડનના વિજ્ઞાની પત્રકાર એન્ડ´ સુલિવન લંડનના સન-ડે ટાઈમ્સમાં લખે છે કે માનવી ઈશ્વરમાં શ્રદ્ધા રાખે તેમ જ આ પૃથ્વી ઉપર વિપુલ પ્રમાણમાં જે જંગલી ઔષધોનાં વનના વન કુદરતે પાથર્યા છે તેમાંથી તે આરોગ્ય, દીર્ઘજીવન તેમ જ મેધાશક્તિ વધારી શકે છે. એટલું જ નહીં પણ માનવ વધુ મંડ્યો રહે-શ્રદ્ધા સાથે તો જંગલમાં થતા એક છોડમાંથી સિલોસિબિન નામનું રસાયણ મળે છે તે તમને દિવ્યાનુભવ પણ કરાવે છે.
શરૂઆતમાં આ સિલોસિબિન નામનું રસાયણ મેકસીકોમાં થતાં જંગલી છોડમાંથી કઢાયેલું. સાદી ભાષામાં અમુક ‘છોડને’ મશરૂમ પણ કહે છે, જેને આપણે બિલાડીના ટોપ પણ કહીએ છીએ. સિલોસિબિન વિશે વિશેષ અધિકૃત માહિતી માટે મારી પાસેની મોસ્બીઝ મેડિકલ ડિકશનરી જોઈ તો તેમાં સિલોસિબિન (PSIOCYBIN)નો ઉલ્લેખ હતો. તે સાયકેડેલીક ડ્રગ કહેવાય છે. અથૉત્ તેને મગજના રસાયણ બદલતું ઔષધ કહે છે. ‘મેકસીકોમાં થતા વિવિધ પ્રકારના મશરૂમમાંથી તે મળે છે. તે માનવીના મૂડને અને ચેતનાને (કોન્સિયસનેસ) બદલે છે. જગાડે છે.
જોકે તેનો કોઈ સ્વીકાર્ય મેડિકલ ઉપયોગ અમેરિકામાં થતો નથી. તેના ઉપયોગ પર અમેરિકામાં અંકુશ છે. માત્ર સ્પેશિયલ રિસર્ચ માટે જ સિલોસિબિનને મેકસીકોથી લાવી શકાય છે.’ હાર્વર્ડ યુનિ.ના વિજ્ઞાનીઓ મશરૂમ કેન્સર પર અસર કરે કે નહીં તેનું સંશોધન કરે છે. લંડનના પત્રકાર એન્ડ´ સુલિવન આ મશરૂમની વાતને આગળ વધારી કહે છે કે આજકાલ શહેરોમાં કૃત્રિમ મશરૂમ મળે છે પરંતુ જંગલમાં થતા અસલી મશરૂમ હોય તો જ તેનો ઔષધીય કે દિવ્યાનુભવ માટે ઉપયોગ થઈ શકે. એન્ડ´ સુલિવનને પોતાને ‘મેજિક મશરૂમ’ના પ્રયોગથી મિસ્ટિકલ અનુભવ થયેલો. હવે તે તેના કેન્સર માટે વાપરે છે. આ મશરૂમ થકી જ ઈશ્વર પરની શ્રદ્ધા વધારતું બળ તેને મળેલું. આપણા લાડકા યુવરાજે આવા મેજિક મશરૂમનો પ્રયોગ એક્સપર્ટની સલાહ સાથે કરવો જોઈએ.
લંડનના સન-ડે ટાઈમ્સનો ૨૬-૬-૯૧નો અંક મારા હાથમાં આવ્યો. તેમાં એન્ડ´ સુલિવને તેનો અંગત અનુભવ લખ્યો છે. તેમાં સિલોસિબિનની જાદુઈ અસરનું વૃતાંત છે. નવાઈની વાત છે કે અમદાવાદ ખાતે કે.ટી.સી. ઇન્ટરનેશનલ નામની ચિરાગ ગજજરની કંપની આઠેક વર્ષથી મેડિસિનલ મશરૂમનું નિર્માણ કરે છે. જોકે ચિરાગ ગજજર આ બિલાડીના ટોપની એટલે કે મશરૂમની મહત્તા એટલા પૂરતી જાણે છે કે તેમાં ઊંચું પ્રોટીન છે અને વિપુલ પ્રમાણમાં બીજા ન્યુટ્રીઅન્ટ પોષક તત્વો છે. પણ તમને અસલી તેમ જ નિર્મળ-શુદ્ધ મશરૂમ મળવા જોઈએ.
કે.ટી.સી. ઇન્ટરનેશનલની એક બીજી કંપની હંગેરીના શહેર બુડાપેસ્ટમાં પણ છે. આજે જંગલમાં કુદરતી રીતે ઊગતાં ઔષધો પાછળ દુનિયાના રસાયણશાસ્ત્રી પડી ગયા છે. આ લોકોએ તમામ રોગોને જાદુઈ વનૌષધિથી જીતવા છે. દીર્ઘાયુ મેળવવું છે. તમને ચમત્કારિક રીતે જુના રોગમાં ફાયદો કરનારાં જંગલી ઔષધો જંગલોમાં કે દરિયાકાંઠે કે નદીની ભેખડોમાં પણ મળી શકે છે. મને પોતાને ૧૯૫૪માં ઝાંઝમેરના સમુદ્ર કિનારે ઊગતા કેટલાક ‘જંગલી છોડ’માંથી ઔષધીય તત્વ મળેલું તેનાથી ડિપ્રેશન અને આંતરડાનો રોગ સારો થઈ ગયેલો. દરિયાકાંઠે ગોખરુ થાય છે તે પણ એક રાસાયણિક ઔષધી જ છે જે રસાયણચૂર્ણમાં વપરાય છે.
એન્ડ´ સુલિવને ‘ધ લિન્ક બીટ્વીન ધ ડિવાઈન એન્ડ બ્રેઈન કેમિસ્ટ્રરી’ની વાત લખી છે તે બિલકુલ પ્રમાણભૂત છે. આ મગજના રસાયણને જંગલનાં ઔષધો, ગાંજો, ચરસ અને બીજા સિલોસિબિન જેવાં તત્વો બદલે છે. યોગાનુયોગ કેન્સરમાં મેજિક મશરૂમની વાત થાય છે ત્યારે જ ૬-૨-૧૨ના ચેકોસ્લોવેકિયાના પ્રાગ શહેરમાં ‘ગ્લોબલ ઈનિશિયેટિવ ફોર ડ્રગ્ઝ’ની કોન્ફરન્સ મળેલી. કેન્સર અને બીજા માનસિક રોગમાં સિલોસિબિન (મશરૂમ) અને બીજાં જંગલનાં ઔષધો, ગાંજો અને ચરસને વાપરવાની વાત ચર્ચાઈ હતી.
દક્ષિણ અમેરિકામાં બોલિવિયા અને પેરુ દેશમાં જેમાંથી કોકેન મળે છે તે કોકાની વનસ્પતિનાં પાંદડા લોકો નશા માટે ચાવે છે. તેનાથી કેન્સર કે બીજા રોગની પીડાને કે ચિંતાને ભુલાય છે. આ કોકા ચાવવાની વાતને જગતભરમાં કાનૂની બનાવવાની ચર્ચા પ્રાગમાં થઈ હતી. લંડનના ગાર્ડિયન (તા. ૬-૨-૧૨)માં મેડમ આમન્ડા ફિલ્ડિંગ લખે છે કે ઓછામાં ઓછું કેન્સરના દર્દી એલોપથી દવા લે તેની આડ અસરરૂપે ભયંકર ડિપ્રેશન આવે છે. તે મેજિક મશરૂમથી (સિલોસિબિનથી) ટાળી શકાય છે. ખરેખર કુદરત કેટલી કૃપાળુ છે કે માનવીના તમામ રોગનું ઔષધ ધરતીમાં જ રોગો સાથે સાથે આપ્યું છે.