આજે ક્રિકેટના પરાજયની ધોની કે દ્રવિડ કે સચિનને કોઈ શરમ જ નથી. આજે દેવાળું ફૂંકવામાં અમેરિકનોને રતિભાર શરમ રહી નથી. આડા સંબંધ બાંધવા કે બેન્કરપ્ટ થવું તેમાં હવે બહુ શરમ રાખવાની જરૂર નથી. ‘જમાના પ્રમાણે જીવો’! બધાં જ બેશરમ છે!
આજકાલ ક્રિકેટમાં, વ્યાપારમાં, રાજકારણમાં અને સામાજિક કે પ્રેમસંબંધોમાં ‘બેશરમી’ અને ‘શરમ’ શબ્દનો બેકામ ઉપયોગ થાય છે, હોલિવૂડમાં ‘શેઈમ’નામની ફિલ્મ ઉતરી છે. ‘શેઈમ’ વિષય ઉપર જ ચાર પુસ્તકો ૨૦૧૧માં પ્રગટ થયાં છે. ઓસ્ટ્રેલિયા સામે સતત પરાજય માટે ચારેકોર અંગ્રેજી અખબારો અને ટી.વી. ચેનલોમાં ધોની માટે શેઈમ... શેઈમના શબ્દો ગાંગરવામાં આવે છે. એટલો બધો ‘શેઈમ’ શબ્દ વપરાય છે કે ધોની એન્ડ કંપનીને શેઈમ શબ્દની શરમ જ લાગતી નથી. રામાલિંગા રાજજુ સત્યમમાં R ૭૦૦૦ કરોડનો ફ્રોડ કરીને જેલમાં ગયો. છુટ્યો ત્યારે બેશરમીથી હસતાં હસતાં જેલ બહાર નીકળેલો. તેને શરમ જ નથી. પ્રેમ સંબંધમાં તો બેહદ બેવફાઈની બેશરમી વધી ગઈ છે.
માત્ર શબ્દકોષમાં જ શેઈમ માટે લજજા, લાજ, શર્મ, ઝિઝક, ઝેંપ, હયા (ઉર્દૂ), લજજાશીલતા, અપ્રતિષ્ઠા, કલંક, બેઈજજતી વગેરે બે ડઝન પર્યાયો ચીતર્યા છે. અમેરિકાની કેલિફોર્નિયા યુનિ.માં મિસ ડાન્સીએ ‘સાયન્સ ઓફ શેઈમ’ ઉપર થિસિસ-મહાનબિંધ લખ્યો છે. તેમાં ભારતીય સામાજિક વલણની વાત પણ વણી છે. ‘આંખની શરમ’ શબ્દો વાપર્યા છે. કોઈ ઉછીના પૈસા માગે તો ના પાડતી વખતે આંખો મીંચીને કે આડું જોઈને ના પાડવાની ભારતીય પ્રણાલિકા હતી. હવે ‘ના’ પાડવામાં શરમ રહી નથી.
આપણા ડૉ.. સિંહની આર્થિક કે રાજકીય નીતિ ઉપર માછલાં ધોવાય છે. તેની ‘શરમ’ને અભરાઈએ મૂકીને તાજેતરમાં ડૉ.. સિંહે કહ્યું કે ‘દેશમાં લાખો બાળકો કુપોષણથી (માલન્યુટ્રિશન) મરે છે તે રાષ્ટ્રની શરમ છે ! વાહ ! રાષ્ટ્રની શરમ એટલે તો કોઈની જ શરમ નહીં. સાત દાયકા પહેલાં કવિ ઝવેરચંદ મેઘાણીએ તો રાજકારણીને નહીં, દેશવાસીને નહીં પણ કવિને જ મહેહં મારતી કવિતા આ કુપોષણ, ગરીબી અને ભૂખમરા માટે લખેલી.
ગામડામાં રજપૂત અને ગરાસિયા વટવાળા હતા. બહાદુરી બતાવવામાં લગરીકે પણ પાછા ન પડે. પરાજય સહન ન કરી શકે. ગામને મોઢું બતાવવાને બદલે પેટમાં તલવાર ભોંકી દે. મહુવામાં પ્રીતમભાઈ લાભવાળા ક્રિકેટ મેચમાં ભાવનગરની ટીમ સામે હારી જાય તો મહિનો મહિનો ઘર બહાર નીકળતા નહીં. આજે ક્રિકેટના પરાજયની ધોની કે દ્રવિડ કે સચિનને કોઈ શરમ જ નથી. આજે દેવાળું ફૂંકવામાં અમેરિકનોને રતભિાર શરમ રહી નથી. સૌરાષ્ટ્રમાં દેવાળું ફૂંકવું એટલે મરવા બરાબર ગણાતું.
અરે, મારા ફૂઆ હરજીવન કાળીદાસ મહેતાની પેઢીમાં કેશિયર હતા. સાંજે પડયે એક દિવસ હિસાબમાં R ૧૦નો કોઈ મેળ મળે નહીં. દીવા પ્રગટયા ત્યાં સુધી ફરી ફરી હિસાબ કર્યો. રૂપિયા દસ મળે નહીં. ચોપડામાં મારી ફૈબાને નામે એક રૂપિયો ઉધાર લખી મહુવાની સંઘેડિયા બજારમાંથી R ૧નું અફીણ પેંડામાં ભેળવીને માઈને લજજાને સાચવીને મરી ગયા.
ગામડામાં ગરાસણી ભાગ્યે જ બહાર નીકળે. એક પ્રસંગ છે. સાંકડા ઘરમાં દરેકને ઘેર પીત્તળ મઢેલો પટારો હોય તેમાં ગોદડાં, પાથરણાં કે ઘરેણાં રખાય. મહેમાન આવ્યા. ગરાસણી પટારામાં વાંકા વળીને પાથરણું કાઢવા ગયાં અને મહેમાનોની હાજરીમાં ‘વાછુટ’ થઈ ગઈ. ગરાસણી માટે આ મરવા જેવું ગણાય. પટારામાં જ જીભ કચરીને મરી ગયાં. આવી આવી શરમ હતી.
અમેરિકા -યુરોપમાં સ્ત્રી-પુરુષના સંબંધમાં કે પોનોગ્રાફી કે સેક્સની ફિલ્મોની શરમ રહી નથી. તેને લગતી ‘શેઈમ’નામની ફિલ્મ જ શરમજનક વાતો સાથે ધૂમ મચાવે છે. ફિલ્મનો હીરો ઓફિસમાં ટૂંકા પગારે ન્યુયોર્કનું મોંઘુ જીવન જીવે છે. બીજા બધા મોજ કરે છે. તે પણ આખરે જિંદગીનો ગમ ભૂલવા વેશ્યામાં સમાણ થાય છે. હાથે કરીને સેલ્ફ એબ્યુઝ કહે છે અને પછી સેક્સ-એડિકટ બને છે. એટલી હદ સુધી તેને વાસનાનું વ્યસન થઈ જાય છે કે સગી બહેન સાથે પણ તે વ્યભિચાર કરે છે... લેખક- દિગ્દર્શક સ્ટિવ મેક્વીન કહે છે કે ૨૦૩૦ સુધીમાં એવો જમાનો આવશે કે મા, બહેન, દીકરી કે કોઈની લાજ-શરમ નહીં રહે. મોજ-માત્ર મોજ જ મંત્ર રહેશે. સમાજ એટલી હદે બેશરમ બની જશે કે...?
ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી ‘માર્ક ઓફ શેઈમ’નામનું પુસ્તક પ્રગટ થયેલું તેમાં લખ્યું છે કે ૩૦૦૦ વર્ષ પહેલાં ગ્રીસમાં તો માનસિક દર્દ હોવું તે ગુનો અને શરમની વાત ગણાતી. જે કવિ કે લેખક કે ચિંતકને માટે કહેવાય કે તેને માનસિક રોગ છે એટલે સમજવું કે તે હવે આપઘાત કરશે જ. ‘માર્ક ઓફ શેઈમ’નું પુસ્તક કેલિફોર્નિયા યુનિ.ના પ્રો. સ્ટિફન હીનશો એ લખ્યું છે. આ સાહેબે ‘ગ્રેટર ગુડ સાયન્સ સેન્ટર’ ખોલ્યું છે અને કહે છે કે આડા સંબંધ બાંધવા કે બેન્કરપ્ટ થવું તેમાં હવે બહુ શરમ રાખવાની જરૂર નથી. ‘જમાના પ્રમાણે જીવો’! શરમ ! કોઈ શરમ? જ્યાં બધાં જ બેશરમ છે!
ડૉ.. સિંહે ભારતમાં અપૂરતા પોષણથી કરોડો બાળકો મરે છે તેવો ખરખરો કરીને મગરનાં આંસુ પાડ્યાં એટલે જંક ફૂડ, છેતરામણી હેઝ ફંડ કંપનીઓ અને બીજી સમાજવિરોધી જાહેરખબરોમાંથી કરોડો નહીં પણ અબજોની શરમજનક કમાણી કરનારા મુંબઈના અંગ્રેજી અખબારે ૧૬મી જાન્યુ.એ ‘શેઈમ’ શબ્દનો ધજાગરો ચઢાવ્યો છે. એ અખબારને કોઈ પૂછનાર છે કે શરમજનક રીતે નફો વધારવા કેટલાક બિચારા ‘થર્ડ ગ્રેડના કર્મચારીને રાતોરાત છુટા કરી શું કામ બેશરમ રીતે ભૂખ માર્યા છે?