આ માણસે તેના સાહિત્યના સર્જનથી કોઈ જ નવી દુનિયા પેદા કરી નથી કે કોઈ-ક્રાંતિ કરી નથી . માત્ર છેલ્લાં ૨૪ વર્ષથી માત્ર તેના ઉપરના મોત માટે કરોડો રૂપિયાનું ઇનામ ધરાવે છે તેને મારી નાખીને ઇનામ લેવા જતાં કુલ્લે પાંચ જણે જાન ખોયો છે.
સલમાન અહમદ રશદી નામના અદકપાંસળી અને બુદ્ધિની વિલાયતી વેશ્યાગીરી કરનારા માણસને માટે હિન્દુસ્તાનનાં અંગ્રેજી છાપાંઓ અઠવાડિયા અઠવાડિયાથી તેની કટારોના કાગળ અને શાહી બગાડે છે. જે ધર્મ હજી થોડાક સેંકડો વર્ષ પહેલાં પેદા થયો ત્યાં જ તેના દોઢ અબજથી વધુ બંદા પેદા થાય તે ઇસ્લામ ધર્મને બદનામ કરતો અને જે હિન્દુસ્તાન દેશમાં પેદા થયો છે તેના હિન્દુ ધર્મની સતત ઠેકડી ઉડાડતા માણસને જયપુરના સાહિત્યકારોએ તે માણસની ફાળકે ચઢવાની ટ્રીકમાં ફસાઈને સાહિત્યની વાતને ગાજતી કરવાને બદલે સલમાન અહમદ રશદીને ગાજતો કર્યો છે.
બાળાસાહેબ ઠાકરેથી આ માણસ એટલો ડરી ગયેલો કે ફાઈવસ્ટાર હોટેલમાંથી ચૂપચાપ તે પાછલે બારણેથી ભાગી ગયેલો. તેણે ‘સૈતાનિક વર્સીસ’નામની અંગ્રેજી નવલકથા લખી તેમાં ઇસ્લામની વગોવણી કરી અને તેના માથા સાટે આયાતોલ્લાહ ખોમૌનીએ R ૧૫ કરોડનું ઈનામ નોતર્યું હતું. આપણા હિન્દુસ્તાનના હિન્દુ-મુસ્લિમ કરતાં ખૌમેની અને પછી તેના ચેલાઓ ડાહ્યા નીકળ્યા કે તેમને લાગ્યું કે હવે આ માણસ જીવતો તો ભલે જીવતો. હિન્દુસ્તાનને ઈ માણસ ગૂમડે ઘસીને પણ કામ આવતો નથી.
તેનું ગાંડી માથે બેડા જેવું માનસ છે. તેના ૧૯ જુનના જન્મદિવસની જન્મપત્રિકા પ્રમાણે આ માણસમાં ડયુઆલિટી છે. તેને બે મોઢાં છે. પૂંઠે લોટકો છે. ચાર ચાર લગ્નો કર્યા છે અને જેને પરણે તેનો ચારે કોરથી લાભ લઈને તેને થૂં કરી નાંખે છે. વિકિપીડિયાના અડધો ડઝન લેખકોએ ભેગા મળીને સલમાન અહમદ રશદીનું ચરિત્ર લખ્યું છે. ‘રશદી કેઈમ ફ્રોમ એ મુસ્લિમ ફેમિલી બટ સેયઝ ધેટ હી વોઝ નેબર રિલિજિયસ... આ માણસ કહે છે કે તે મુસ્લિમ કુટુંબમાં પેદા થયો છે પણ તે કદી જ ધાર્મિક નહોતો.’
અરે બાપા! તું ધાર્મિક હો કે ન હો અમને શું લેવાદેવા છે? વિકિપીડિયાએ આટલું લખીને પછી લખ્યું છે કે સલમાન રશદીને લાગ્યું કે તેને મારી નાખવાનો જે ફતવો નીકળ્યો છે તેનાથી ડરી જઈ તેણે વિચાર્યું કે જો તે એક નિવેદન બહાર પાડશે કે મેં ઇસ્લામ ધર્મને પાછો રિન્યુ કર્યો છે તો કદાચ તેના જીવન ઉપર ઘાત ઓછી થશે. તેણે તેની નવી નવલકથામાં ઇસ્લામ પરના હુમલા બંધ કર્યા છે અને હવે તે જગતભરમાં ધર્મ વિષે સાચી સમજ પેદા કરવાનું કામ જ કરશે...’ પણ આ નિવેદન વિષે મોડેથી કહ્યું કે ‘આઈ વોઝ જસ્ટ પ્રિટેન્ડિંગ’! બોલો શું કહેશો?
મોહમ્મદ માંકડ સાચું કહે છે કે સલમાન રશદીને અને વી.એસ.નાઈપોલને વિતંડાવાદ જગાવીને પોતાનું મહત્વ વધારવામાં મઝા પડે છે. આવી જ વાત ચેતન ભગત પણ કહે છે. તેમણે કહ્યું છે કે રશદીને હિન્દુસ્તાનમાં આવવા દેવા સામે નાહકના એક ઇસ્લામી તડાએ વાંધો ઉઠાવીને તેને અજુગતું મહત્વ આપ્યું છે... વગેરે વગેરે પણ વાચક કહેશે આ રશદી કોણ છે? એણે એવું શું લખ્યું છે કે સમાજમાં ક્રાંતિ આવી છે? તેણે એવું શું કાંઈ લખ્યું છે કે ઇસ્લામી સ્ત્રીઓમાં એક આઝાદીનો જુવાળ ફેલાઈ ગયો છે?
આ માણસે તેના સાહિત્યના સર્જનથી કોઈ જ નવી દુનિયા પેદા કરી નથી પણ કોઈ-ક્રાંતિ કરી નથી . માત્ર છેલ્લાં ૨૪ વર્ષથી માત્ર તેના ઉપરના મોત માટે કરોડો રૂપિયાનું ઇનામ ધરાવે છે તેને મારી નાખીને ઇનામ લેવા જતાં કુલ્લે પાંચ જણે જાન ખોયો છે. બ્રિટિશ સરકાર ઇસ્લામ પ્રત્યે દાઢમાં વેર રાખે છે. રશદીને સૌથી વધુ મહત્વ બ્રિટિશ સરકાર અને અંગ્રેજ લેખકોએ આપ્યું છે. જુન ૨૦૦૭માં રાણીના જન્મદિવસે તેને ‘સર’નો ઈલકાબ આપેલો. ચાલો ટૂંકમાં તેનું ચરિત્ર જોઈએ.
મુંબઈમાં ૧૯-૬-૧૯૪૭ના રોજ પિતા અનિસ અહમદ અને માતા નગીનાની કુખે જન્મેલો રશદી ત્રણ દીકરીઓ વચ્ચે લાડકો દીકરો હતો. માતા નગીના જે પછી તેને નેગિન કહેવડાવતી તે ભટ ફેમિલીમાંથી આવેલી. તાત્પર્ય કે વટલેલા બ્રાહ્નણ કુટુંબમાં તેનું મોસાળ હતું. પિતાની આવક સારી હતી તેથી લાડમાં ઉછેરીને લંડન ભણવા મોકલેલો. લગભગ લિટલ પ્રિન્સ તરીકે ઉછરેલો. ‘બ્રેઈન જુઈસ’ના ઉપનામથી લખનારા લેખકે કહ્યું છે કે ‘એકના એક દીકરાના લાડે તેને બગાડયો હતો.
રશદીએ પોતે જ કહેલું કે ‘હિઝ ફેમિલીઝ સ્ટેપ્સ સ્પોઈલ્ડ હિમ’. ૧૪ની ઉમરે તે ઇંગ્લેન્ડની ૨ગ્બી સ્કૂલમાં દાખલ થયો. મુંબઈમાં હતો ત્યારે તે અંગ્રેજોથી પ્રભાવિત હતો. તેની ઉર્દૂ ભાષાને બદલે ભારતીય ટોનમાં અંગ્રેજી ભાષા બોલાય છે તેવું અંગ્રેજી બોલતો. પ્રભાવ પાડવા વર્ણસંકરીયો અંગ્રેજ બની વિલાયત ઢબથી અને લહેકાથી અંગ્રેજી બોલીને પોતે સવાયો અંગ્રેજ છે તેમ મનમાં ડંફાશ મારતો.
પરંતુ ઇંગ્લેન્ડમાં અંગ્રેજ છોકરા તેની ઠેકડી ઉડાડતા તેથી અહ્મ ઘવાયો. તે પછી જ તે અંગ્રેજોનો ટીકાકાર બન્યો. દરેક જીવનને તબક્કે કોઈ ધર્મ નહીં, સમાજ નહીં, માબાપ નહીં, તેનું વતન નહીં પણ તે પોતે જ મહત્વનો છે તેમ માનતો. તેણે બચપણથી તેને માટે સારું કામ કર્યું કે તે ખૂબ વાંચતો અને જે ખૂબ વાંચે તે લખતો થાય જ. જ્યારે તેણે સતત અંગ્રેજ છોકરાઓને મોઢે તેની ઠેકડી સાંભળી ત્યારે તેણે નાનકડી આત્મકથા જેવી નવલકથા લખી. નામ હતું ‘ધ ટર્મિનલ રિપોર્ટ’. ઇંગ્લેન્ડથી પાછા ફરીને તે પાકિસ્તાન ગયો કારણ કે પછીથી તેનું કુટુંબ મુંબઈથી પાકિસ્તાન આવેલું. અહીં તે ‘આઉટ સાઈડર’ જ હતો.
કરાચીમાં ન ફાવતાં તે પાછો લંડન જઈને ૧૯૬૮માં એમ.એ. થયો. તેણે કમાણી કરવા વિલાયતી ચીજોના ભાડુતી વખાણ કરવા એડવરટાઈઝીંગ કોપી રાઈટરથી માંડી બીજી ઘણી નોકરી કરી. કેલરીસાલુઆર્ડ નામની અંગ્રેજ બાઈને પરણ્યો એટલે તેને બ્રિટિશ નાગરિકતા મળ્યા પછી તેને છોડી દીધી. તેણે જોયું કે તે ધર્મની ઠેકડી ઉડાડે છે તે ચીજ ખપે છે.
તેણે ૧૯૭૬માં ‘ગ્રીમસ’નામની સાયન્સ વાર્તા લખી તે ખપી નહીં પછી તેને ઇલમ હાથ લાગ્યો. ધર્મને વખોડો ને મશહુર થાઓ. મિડનાઈટ ચિલ્ડ્રન, શેઈમ, જગુઆર સ્માઈલ અને પછી સૈતાનિક વર્સીસ એમ મનનું ઝેર ઓકતો ગયો અને તગડો થતો ગયો. આપણા લોકોએ જ ઘરના છોકરા ઘંટી ચાટેને પાડોશીને આટો એ ન્યાયે તેને તગડો કર્યો છે. તેને વખોડવા વધુ શાહી અને જગા બગાડતો નથી.