જો તમે આહાર વિહાર અને નિંદ્રામાં નિયમિત રહો તો ટેન્શન કે વ્યગ્રતા કે એન્કઝાયેટી કી ઐસી તૈસી. એન્કઝાયેટી તો જરૂરી છે. જો ટેન્શન ન હોય તો તમે કંઈ સિદ્ધ કરી શકતા નથી.
૨૧મી સદીમાં માનવે સિદ્ધિ મેળવીને પછી તેને ટકાવી રાખવા માટે વધુ ને વધુ સંઘર્ષ કરવો પડે છે. સિદ્ધિ કે સફળતા મેળવવાનાં પુરુષાર્થમાં જે સ્ટ્રેસ હોય છે, મગજની તાણ હોય છે કે એન્કઝાયેટી હોય છે તે સિદ્ધિ મેળવ્યા પછી પણ અટકતી નથી. બલ્કે ટકી રહેવાની તાણ વધે છે. આવી એન્કઝાયેટી કે સ્ટ્રેસ આવકાર્ય છે. પોઝિટિવ છે. તમને સંઘર્ષનું વળ આપે છે. પરંતુ એન્કઝાયેટી એક ચીજ છે. ચિંતા બીજી ચીજ છે. ચિંતા નેગેટિવ છે.
વળી ૨૧મી સદીમાં તમારા સંઘર્ષ માટે તમારું મન અને શરીર એ બન્નેનાં આરોગ્યને ખૂબ જાળવવું પડે છે. યુવરાજસિંઘ છેલ્લે છેલ્લે ક્રિકેટમાં મોળો પડતો હતો. તેના ચોગ્ગા અને છગ્ગા જોવાનું જ આપણને વ્યસન થઈ ગયેલું. યુવરાજની ઉપર પણ તમારી આ અપેક્ષાનો બોજ હતો. તેમાં વળી દિલીપ વેંગસરકર નામના વરિષ્ઠ ક્રિકેટરે ટમકો મૂક્યો કે ઓસ્ટ્રેલિયાની ભૂતકાળની ટૂરમાં યુવરાજસિંઘ મોળો ઉતરેલો. ‘મોર ઈઝ નિડેડ ફ્રોમ યુવરાજ. હી શુડ બી કન્સીસ્ટંન્ટ.’ આ અંગ્રેજી વાક્ય અને ટોણો માનવી માટે ઘાતક નીવડી શકે છે.
તમે પત્રકારત્વમાં, બિઝનેસમાં, પ્રેમ પ્રકરણમાં, રમતગમતમાં કે કોઈ પણ ક્ષેત્રે ચમકો પછી તમારી પાસે મોર એન્ડ મોર. વધુ ને વધુની અપેક્ષા હોય છે. તમારે કિન્સસ્ટન્ટ થવું પડે છે. તમારી શક્તિનું સાત્યત જાળવવું પડે છે. હું વાહવાહ થાય તેવા લેખો લખું તો સતત એવા જ તડાકેબંધ લેખ લખવા જ પડે છે. આનું ટેન્શન હોય છે. એ ટેન્શન પ્રેરણાદાયી પણ હોય છે. પણ આ ટેન્શન જગતમાં કોને નથી? ઐશ્વર્યા રાયને તેનું સૌંદર્ય ટકાવી રાખવાનું ટેન્શન હોય છે, પણ તે માટે તે સતત સાવધ છે.
હું એક્યાશી વર્ષે પંદર કલાક બૌદ્ધિક કામ કરી મારા લેખનની કવોલિટી જાળવવા મારા ખાનપાન, જીવનશૈલી અને રહેણીકરણી સાદી રાખું છું. સૌથી વધુ ધ્યાન સાદા ખાનપાન ઉપર રાખું છું. આહારમાં ૮૦ ટકા ફળ-શાકભાજી, લીલી ભાજીઓ અને ૨૦ ટકા જ અનાજ લઉં છું. જો તમે આહાર વિહાર અને નિંદ્રામાં નિયમિત રહો તો ટેન્શન કે વ્યગ્રતા કે એન્કઝાયેટી કી ઐસી તૈસી. એન્કઝાયેટી તો જરૂરી છે. જો ટેન્શન ન હોય તો તમે કંઈ સિદ્ધ કરી શકતા નથી.
આજની ફાસ્ટ પેસ સોસાયટીમાં સ્ટ્રેસ તમને ઘેરી વળેલુ છે. પ્રો. મોનકા ગીલબ્ર્ટએ ૩૧-૭-૦૯ના રોજ કહેલુ કે સ્ટ્રેસને ઓછું કરો. સ્ટ્રેસને ઓછું કરો તો શરીરની રોગપ્રતિકાર શક્તિ વધે છે. ૧૫-૩-૦૮ના ‘ડાઉન ટુ અર્થ’ મેગેઝિનમાં ડૉ. મેધા પ્રકાશે કહેલું કે જેને વાઈ ફેફરાંના દર્દ હોય છે તે જો સ્ટ્રેસ વધારે તો વાઈનો હુમલો આવે છે.
જગતભરમાં ૪ કરોડ લોકો આ વાઈ કે એપિલેપ્સીનો શિકાર છે. તેણે સ્ટ્રેસ ઓછું કરવા સાદો, જંકફૂડ વગરનો આહાર અને ખાસ તો યોગ-મનનનો આશરો લેવો જોઈએ. બેંગલોરમાં વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન છે ત્યાં ઘણા ખેલાડીઓ અને વેપારીઓ સ્ટ્રેસને ઓછું કરવા યોગ શીખવા આવે છે. કંઈ નહીં તો સવારે સૂર્ય નમસ્કાર કરો. સવારે બ્રેડબટર કે જંકફૂડના નાસ્તાને બદલે સીઝનલ ફળો, દ્રાક્ષ કે સંતરા કે મોસંબીનો રસ પીઓ.
નરગીસને કેન્સર શું કામ થયેલું? સતત તેની અભિનય ક્ષમતા અને દેહ લાલિત્ય ટકાવી રાખવાની વ્યગ્રતા અને પછી ઉજાગરામાં ખોટો તળેલો, વાસી અને જંકફૂડીયો આહાર. અમેરિકાના સ્પોર્ટ્સ-ટીવી કાસ્ટર તેમ જ એમ્મી નામની સુપર મોડેલ પણ લિમ્ફોમા એટલે કે પ્રથમ ફેફસાંની કેન્સરની ગાંઠ થઈ પછી ત્યાંથી ફેલાઈને તે બ્લડ કેન્સરમાં પરિણમી.
પરંતુ એમ્મીએ તેના લિમ્ફોમાનો બરાબર સામનો કર્યો. માત્ર કીમોથેરપી અને રેડીઓથેરપી જ નહીં પણ તેણે આહારમાં જબરું પરિવર્તન આણ્યું. મેડિટેશન કરીને લીમ્ફોમા ઉર્ફે ફેફસાંની ગાંઠને ટાળી શકી. ૨૧મી સદીના કેન્સરમાં નિષ્ણાતો કહે છે કે યુવરાજની ગાંઠ જીવલેણ નથી. પણ તે માટે તમારે જ તમારા વૈદ બનવાનું છે. તમારી ઈમ્યુન સિસ્ટમ ઉર્ફે રોગપ્રતિકાર શક્તિ વધારવાની છે.
પહેલાં ૫૦ની ઉંમર પછી લિમ્ફોમાનું આક્રમણ થતું પણ આજે ૧૫થી ૩૦ની ઉંમરે લિમ્ફોમાનું આક્રમણ થાય છે. યુવરાજસિંઘ હજી કાચો કુંવારો ૩૦ વર્ષનો જ છે. ચંડીગઢમાં ૧૨-૧૨-૧૯૮૧ના રોજ પરોઢીયે શબનમસિંઘ નામની માતાની કુખે જન્મતા પહેલાં જ તે માતાના ઉદરમાં પાટુ મારતો હતો. તેના પિતા બી. યોગરાજ સિંઘ પણ ક્રિકેટર હતા. આમ ગળથૂથીમાં ક્રિકેટ મળ્યું છે. પછી છગ્ગાબાજ કે ચોગ્ગાબાજ ક્રિકેટરની કીર્તિ તેને આભડી ગઈ.
ખાવાપીવામાં બિલકુલ ધ્યાન ન આપ્યું. વિવિધ ટીવી પ્રોગ્રામો, જાહેરખબરો, મેળાવડા, એવોર્ડો વગેરેમાં આરામ લઈ નહીં શક્યો અને ગાંઠરૂપે ‘મહેમાન’ ટપકી પડ્યો. યુવરાજને ફાસ્ટ દોડીને શોર્ટ લેવાની આદત હતી. પછી તે થાકી જતો. રાત્રે તાવ આવતો. રાત્રે પરસેવો વળે. આ બધા થાક, તાવ અને બીજી બીમારી માટે એલોપથીની દવાની આડઅસરો થઈ. આવી ટ્યૂમરમાં ધ્યાન ન રાખે તો કેન્સર પણ થાય. ટીનેજરો સાવધાન! જંકફૂડથી દૂર રહો. નહીતર... ખુદા ખેર કરે.