તલના લાડુ અને તેમાંથી બનતી ગોળવાળી સાની જેટલી સ્વાદિષ્ટ છે તેટલો તલ અને તેલનો જગતભરનો વિવિધ ઉપયોગ પણ સ્વાદિષ્ટ છે. તલના તેલનું સેવન કરનારાને કેન્સર સામે રક્ષણ મળે છે.
માયાવતીને પગલે ગુજરાતના બે ભાગ કરીને સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય મળે તો અમે કાઠિયાવાડીઓ તલની સાનીને અમારું ‘રાષ્ટ્રીય’ ટોનિક અને શિયાળાના નાસ્તા તરીકે જાહેર કરીએ. નરેન્દ્ર મોદીને તલની સાનીના સ્વાદની જાણ છે? નથી. કારણ કે તે ઘાણી પર બેઠા નથી. મોદી સૌરાષ્ટ્રને જ જાણતા નથી ત્યાં સાનીના સ્વાદને ક્યાંથી જાણે ? જો જાણતા હોત તો તલનો શિયાળુ પાક આવે ત્યારે ઘાણીમાં પીલાયેલા તલ અને ગોળનું કચરિયું ગામેગામ અને શહેરમાં ‘સાની કેન્દ્રો’ ખોલત. તલની સાની અને તલના ગુણો અમાપ છે અને સાનીનો સ્વાદ અવર્ણનીય અને ચોકલેટને ભુલાવી દે તેવો છે.
અમેરિકાથી આવેલી મરિયન નામની ડૉ.. નરમની સહાયીકાને રાજકોટથી બે મિત્રોએ મોકલેલી સાની ખવડાવી તો તે ઉછળી પડી. બોલી ઊઠી કે આ સાની તો અમેરિકામાં કરોડો ડોલરની ખપે તેટલી સ્વાદિષ્ટ છે. દાંત અને પેટને નુકસાન કરનારી ચોકલેટની બાળકોની ટેવને હટાવવા ઘરે ઘરે તલની સાનીનો પ્રચાર જરૂરી છે.
આ તલની સાની શું છે ? અરે તલ શું છે? કાઠિયાવાડનાં ખેતરોમાં શિયાળા અને પછી ઉનાળામાં પાકતા તલની અમે નાના હતા ત્યારે ખૂબ રાહ જોતા. મકરસંક્રાંતિમાં જોકે તલના લાડુ ખાવા મળતા પણ સાનીનો સ્વાદ અનોખો ને અનેરો છે. આપણે તલથી જ શરૂઆત કરીએ. તલને મરાઠીમાં તીલ કહે છે. સંક્રાંતમાં મરાઠી બહેનો તલ-ગોળના લાડુ બનાવીને અમને આપીને બોલતી ‘તીલગુળ ખા, આણી ગોડ ગોડ બોલ’. અથૉત્ આ સંક્રાંતમાં તલના લાડુ ખાઈને પછી આખું વરસ મીઠું મીઠું જ બોલજે. મદ્રાસમાં હું હતો ત્યારે તલના તેલને ‘નલ્લ એન્નાઈ’ કહેતા. તેલુગુમાં નવુવુલાનુને કહે છે. નલ્લ એન્નાઈ એટલે કે પૌષ્ટિક તેલ. તલને મદ્રાસી લોકો પવિત્ર પાક સમજે છે.
ન્યુટ્રિશનના અંગ્રેજ નિષ્ણાત ડૉ.. જે. બ્રેડલી મોરીસે તેના પુસ્તકમાં તલના બહુ ગુણગાન ગાયાં છે. અંગ્રેજો તલને સિસમ સીડ કહે છે. તે મૂળ તો ગ્રીક ભાષાના શબ્દ સુમ સુમ ઉપરથી આવ્યો છે. તલના લાડુ અને તેમાંથી બનતી ગોળવાળી સાની જેટલી સ્વાદિષ્ટ છે તેટલો તલ અને તેલનો જગતભરનો વિવિધ ઉપયોગ પણ સ્વાદિષ્ટ છે. તુર્કીમાં બ્રેડ બનાવે ત્યારે તેની ઉપર ચારેકોર તલનો પાસ દેવાય છે. થાઈલેન્ડમાં એક જમાનામાં ખેતમજુરોને ખેતમજુરીના પૈસાને બદલે તલ અપાતા. ગામડાની સ્કૂલોમાં ઘણા કોળીના કે ખેતમજુરોના દીકરા ગજવું ભરીને તલ લાવી તલનો નાસ્તો કરતા.
મેક્સિકોમાં બનતી ચોકલેટમાં તલ ન નાખ્યા હોય તો તેને ચોકલેટ મનાતી નથી. વિયેતનામમાં તલ મિશ્રિત કૂકીઝ બનાવે છે. આ નાનખટાઈમાં તલનો માવો વપરાય છે. યુરોપ-અમેરિકાના હેમ્બરગર ઉપર પણ તલ ભભરાવાય છે. આરબ લોકો તલને જલજલા કહેતા તે ઉપરથી કદાચ અંગ્રેજીમાં તલને જિંજલી સીડ કહેવાયા હશે. અમેરિકન ખેડૂતો અને ઉદ્યોગપતિઓ આફ્રિકાથી ગુલામોને ખેતી કરવા લાવ્યા તે પોતાની સાથે તલનાં પોટલાંનાં પોટલાં લાવ્યાં ત્યારથી અમેરિકનો તલને વધુ જાણતા થયા. આજે જે ઇરાક તરીકે ઓળખાય છે તે દેશને અસ્સિરિયા તરીકે ઓળખાતો.
ઇરાકના આરબો માનતા કે જ્યારે ખુદાતાલાએ આ ખલક- દુનિયા પેદા કરી ત્યારે સૌપ્રથમ તલમાંથી બનાવેલો આસવ પીધેલો. હિન્દુઓ દરેક પ્રાંતમાં તલને ધાર્મિકવિધિમાં વાપરે છે. તલને અમરતાનું ચિહ્ન ગણાય છે. હવન વખતે કે લગ્નના બંધન બંધાય ત્યારે અગ્નિકુંડમાં તલ-જવનો હોમ થાય છે. ઓરિસ્સામાં ગણેશની પૂજા વખતે તલના લાડુ પ્રસાદી તરીકે ધરાવાય છે. તેને રસ્સી લડ્ડુ કહે છે. શનિના ઉપદ્રવને ટાળવા તલનું તેલ વાપરવાની ભલામણ છે. ૫૫ વર્ષ પહેલાં ચેન્નઇમાં બે વર્ષ રહ્યો ત્યારથી તમિળ લોકો સવારે દાંત ઉપર ટૂથપેસ્ટને બદલે તલનું તેલ અને મીઠું વાપરતા તે શીખ્યા પછી પંચાવન વર્ષથી મારા ઘરમાં હંમેશા દેશી ઘાણીમાં પીલેલા તલના તેલની બોટલો હોય છે.
આ શિયાળો બેઠો ત્યારે કાળા તલના પાકમાંથી બનેલી તલની સાની રાજકોટના જ ‘દિવ્ય ભાસ્કર’ના વાચક સિલ્વાએ મોકલી તે ચાખીને મારા વૈદ્ય મિત્રને ઘરે આવેલા અમેરિકન-યુરોપિયનો વાહ વાહ પોકારી ગયેલા. સાની કે તલ મોકલનારા મિત્રોને કદાચ જાણ નહીં હોય કે ‘ભવિષ્ય ઉત્તર પુરાણ’નાં કથન મુજબ જે વ્યક્તિ તલનું કે તલની બનાવટનું દાન કરે છે તેને ભગવાન કૃષ્ણના આશિષ મળે છે! તથાસ્તુ.
કનિંગહામનો એન્સાઈકલોપીડિયા તો ત્યાં સુધી કહે છે કે સ્ત્રી-પુરુષ તલનું સેવન કરે કે તેની વાનગી (સાની) ખાય તો પુરુષનું પુરુષત્વ વધે છે, વીર્યવાન બને છે અને સ્ત્રીને સંતતિ જલદી પેદા થાય છે. કાઠિયાવાડમાં કોઈ સાવ નકકામી વ્યક્તિ હોય તેને માટે બોલાય છે કે ‘અરે જવા દો એ ભાઈને, એ તલમાં કોઈ તેલ નથી.’ દિલ્હી જઈ ગાજતા અણ્ણા હજારેના તલમાં કોઈ તેલ નથી દેખાતું. મેક્સિકોમાં પાકતા ત્રીજા ભાગના તલ મેકડોનાલ્ડ્ઝનો નાસ્તો બનાવનારી કંપની આયાત કરે છે. મેકડોનાલ્ડ્ઝની રેસ્ટોરાંવાળાને શિયાળા પૂરતી સાનીની વાનગી પીરસવાનું કહેવું જોઈએ.
ઇડલીનો તમારે અસલી સ્વાદ લેવો હોય તો મદ્રાસી કે કન્નડ રેસ્ટોરામાં જવું, ત્યાં ઇડલીમાં ફલેવર વધારવા તલનો માવો વપરાય છે. પુરાણા બેબિલોનમાં સ્ત્રીઓ તલનો હલવો ખાતી તે ખરેખર તો સાની જ હતી. તેમાં ગોળને બદલે ચોખ્ખું મધ વપરાતું. તેનાથી સૌંદર્ય વધે છે અને યૌવન ટકે છે. હૃદયરોગના દર્દીએ તો તલનું તેલ જ વાપરવું જોઈએ. વ્યગ્રતા અને ચિંતા ઘટાડવા તેમજ રાત્રે નિદ્રા લાવવા પગના તળિયે તલનું તેલ ઘસવામાં આવે છે.
ડૉ.. સ્મિથ અને ડૉ.. સેલાર્નો તો ત્યાં સુધી કહે છે કે શિયાળામાં તલનું કે તલના તેલનું સેવન કરનારાને (પણ તેલમાં તળેલા પદાર્થો નહીં) કેન્સર સામે રક્ષણ મળે છે. જર્મનીમાં તેથી તલનો વપરાશ વધ્યો છે. મલેશિયામાં હું હતો ત્યારે મુસ્લિમો તલને સેક્સ ટોનિક તરીકે વાપરતા. અરે સેક્સ-ફેકસને જવા દો, આ લેખ વાંચી સાનીનો મોટો બુકડો ભરી ચાવી ચાવીને ખાઓ. દાંતને કસરત મળશે.