સંખ્યાબંધ ગુજરાતી સમૃદ્ધ યુવાનો પોતાની અલગ મોટરકારમાં મોડે સુધી ડિસ્કો ક્લબમાં જાય છે. ત્યાં મેન્ડ્રેકસ કે ગાંજા કે ચરસ કે હેરોઈનને રવાડે ચઢે છે. આ મેન્ડ્રેકસની ૮૦ લાખ ટીકડી ભારતમાં ઘૂસાડવાનું પાપ ઇકબાલ મીરચીનું છે.
માર્ટિન લ્યુથર કિંગ નામના ગુલામી સામે લડનારા સ્વાતંત્ર્યવીરે કહેલું કે જે જે પત્રકારો અમુક ઇવીલને પોતાના હેતુ માટે સ્વીકારીને તે ઇવીલડુઅરને પ્રકાશમાં લાવે છે તે પત્રકારો પણ એ પાપીઓનાં પાપના ભાગીદાર બને છે. તે વખતે લાગે છે કે ઈશ્વર સ્વર્ગમાં છે પણ તેની નજર તળે પૃથ્વીમાં બહુ જ ખોટું થઈ રહ્યું છે અને તેમાં ખોટું કરનારાને જનતાના રક્ષકો જ રક્ષે છે. આજકાલ તમે ટી. વી.માં અને અખબારોમાં જુઓ છો કે અઝહરુદ્દીન, અબુ સાલેમ, દાઉદ ઇબ્રાહીમ અને ખાસ તો ઇકબાલ મીરચીને અવારનવાર ચમકાવે છે.
શું કામ ચમકાવે છે ? ‘સીધી બાત’માંથી ‘તીખી બાત’માં ઉતરી પડેલા સેલિબ્રિટી પત્રકાર પ્રભુ ચાવલા, આપ કી અદાલતવાળા રજત શર્મા અને પોશ ગાર્ડનમાં ચાલતાં ચાલતાં ચાસણીથી બોળેલા મીઠા સવાલો કરનારા શેખર ગુપ્તાએ તમામ ભ્રષ્ટ રાજકારણીઓને ડાયાબિટીસ થઈ જાય તેવા મીઠા મીઠા સવાલો પૂછીને પછી તુરંત મૂરખની જેમ ‘તીખા’ સવાલ પૂછી પોતે જ હસવા માંડીને સવાલની ગંભીરતા ઓછી કરે છે.
આજકાલ સૌથી મોટું પાપ કર્યું હોય તો ભારતની યુવા પ્રજાને સૌપ્રથમ મેન્ડ્રેકસની દવાનો નશો કરાવનારા દાણચોર અને દાઉદ ઇબ્રાહીમનો ડ્રગ્ઝનો દાણચોરીનો પોર્ટફોલિયો સંભાળનાર ઇકબાલ મીરચીને સ્ટાર ટીવીએ ચમકાવીને પાપ કર્યું છે. ઇકબાલ મીરચીનો સ્વીટી સ્વીટી ઇન્ટરવ્યુ એક મહિલા પત્રકાર જે તેના ભૂતકાળનાં પાપ વિષે અજ્ઞાન છે તેણે લીધો છે. આ ઇન્ટરવ્યુ ગોઠવીને ઇકબાલ મીરચીએ પોતાની ભારતમાં આવવાની તમન્નાને વાચા આપી છે.
ઇકબાલ મીરચી શું કામ મોડે મોડે પંદર વર્ષ પછી જાતે હાઈકોર્ટને શરણ થઈને સીધો આર્થરરોડ જેલમાં જવા માગે છે ? તમે આર્થર રોડના એક માફિયા મેમ્બર નામે અબુ સાલેમને લકઝરીથી રહેતો જુઓ છો. તેની પાસે ડઝનેકથી વધુ નવા નવા ટી શર્ટ હોય છે. જેલમાં મહેલ જેવી ફેસિલિટી ભોગવે છે. આવી જ સગવડો ભોગવીને પછી પાળેલા અમુક પોલીસની મદદથી ઇકબાલ મીરચી જેલમાં મહેલ બનાવી આઠથી દસ મહિના પછી છુટી જવા માગે છે.
શું કામ ? તે ભારત આવવા માગે છે ? ભારતમાં પોપર્ટીના ભાવોમાં ૧૫ વર્ષમાં જબરી તેજી આવતાં મુંબઈમાં જુહૂમાં તેમજ અનેક જગ્યાએ (ભોપાળ) સહિત દાઉદ ઇબ્રાહીમની અને ઇકબાલ મીરચીની પ્રોપર્ટી સીલ થયેલી પડી છે. તેના ઉપરના કેસ કઢાવીને આ R ૫૦ કરોડથી R ૭૫ કરોડની પ્રોપર્ટી ઇકબાલ મીરચીને ભોગવવી છે અને જેલમાં બેઠા કે જેલ બહાર દાઉદની દાદાગીરીનો પણ પોર્ટફોલિયો સંભાળવો છે.
આ લેખ લખવાનો મૂળ હેતુ ગુજરાતી મા-બાપને ચેતવવાનો છે. સંખ્યાબંધ ગુજરાતી સમૃદ્ધ યુવાનો પોતાની અલગ મોટરકારમાં મોડે સુધી ડિસ્કો ક્લબમાં જાય છે. ત્યાં મેન્ડ્રેકસ કે ગાંજા કે ચરસ કે હેરોઈનને રવાડે ચઢે છે. આ મેન્ડ્રેકસની ૮૦ લાખ ટીકડી ભારતમાં ઘૂસાડવાનું પાપ ઇકબાલ મીરચીનું છે. આ મેન્ડ્રેકસ ઉર્ફે મેથા કવાલોન નામની ઘાતક ડ્રગ જે માણસની નર્વસ સિસ્ટમને અસ્તવ્યસ્ત કરે છે. તેનું મૂળ જાણીએ. અમેરિકન ડોક્ટરો વોલ્સ અને ટાયરનેનએ આ મેથા કવાલોન પેટન્ટ કરેલું.
તેના સેવનથી સ્વર્ગમાં રમમાણ કરતા હોવાનો ભ્રમ (યુફોરિયા) થાય છે. સેક્સ માટેની તીવ્ર ઇચ્છા થાય છે. મેન્ડ્રેકસ ગળ્યા પછી આંગળા અને પગનાં ટેરવાં ઠૂંઠવાઈ જાય છે. જરાક મોટો ડોઝ લેવાઈ જાય તો શ્વાસમાં તકલીફ થતાં વાણીનો ઉચ્ચાર બરાબર થતો નથી. પ્રકાશ સહન થતો નથી. મેથા કવાલેનનું ડ્રગ પછી તો કફ સીરપમાં જોરદાર રીતે વપરાતાં ગુજરાતમાં ઘણા ગંજોડી કફ સીરપની બાટલીની બાટલી ગટગટાવી જવા માંડ્યા.
બોલિવૂડમાં ઘણા ફિલ્મસ્ટારો આ ડ્રગ લેતા થયા અને ફિરોઝ ખાનનો પુત્ર પણ આ ડ્રગનું સેવન કરતો હોવાનો આક્ષેપ આવ્યો. તે જેલમાં પણ ગયેલો. દરેક દેશમાં મેન્ડ્રેકસ પર પ્રતિબંધ છે પણ ભારતમાં માસીબાનું રાજ હોઈ આ નશીલી ડ્રગ ભારતમાં અને મુંબઈમાં છુટથી મળે છે. થેંકસ ટુ ઇકબાલ મીરચી. ડ્રગ્ઝની દાણચોરી અને બીજા હવાલાના ધંધામાં અબજપતિ થયેલો ઇકબાલ મીરચી મૂળ કચ્છનો છે અને નાની દાણચોરીમાંથી ડ્રગ્ઝનો દાણચોર બન્યા પછી લંડનમાં ભાગેડુ થઈ રહે છે.
ફિલ્મી દુનિયાના એક મોભીની દીકરીને પરણ્યો છે. તેની પત્નીને નામે પણ ઘણી પ્રોપર્ટી છે. તે તમામ ઉપર સીલ છે. તે છોડાવીને હવે ઇકબાલ મીરચીને ભારતમાં રહેવું છે. યાદ રહે કે આપણી સરકારી એજન્સીઓ તેને આ કામમાં મદદ કરશે જ. અરે! સી.બી.આઈ.માં માત્ર અગિયાર મહિના ડિરેક્ટર રહેલા જોગિન્દરસિંઘ જેને આપણા પૂર્વ વડા પ્રધાન આઈ.બી. ગુજરાલે આ પદેથી કાઢી મૂકેલા. તે બદનામ થયેલા જોગિન્દરસિંઘ પણ સ્ટાર ટીવી ઉપર સામે ચાલીને ઇકબાલ મીરચીને ભારત આવવા દેવાની દલાલી કરે છે!
ટીવી કે અખબારમાં ઇન્ટરવ્યુ આપીને પોતે દૂધે ધોયેલા છે તેવું જાહેર કરીને ટીવીના પત્રકારોને ઉલ્લુ બનાવીને આ અન્ડરવર્લ્ડના માફિયા પોતાનું કામ કઢાવે છે. ૨૦૦૫માં લંડનના ઓબ્ઝર્વર નામના અખબાર ટોની થોમ્પસનને પણ પોતાને બંગલે બોલાવી તેને સ્વીટી સ્વીટી ઇન્ટરવ્યુ આપીને ભારત આવવાની પેરવી મીરચીએ કરેલી. મીરચીનું નામ મુંબઈ ખાતેના સિરિયલ ધડાકા સાથે જોડાયેલું હતું. તે વિષે પૂછતાં મીરચીએ કહ્યું કે મારું નામ એટલા માટે લેવાય છે કે હું મુસ્લિમ છું. અને હું ભારત જાઉં તો મારી જાન સલામત નથી એટલે મારે લંડનનો આશરો લેવો પડ્યો છે !
પણ હવે પંદર વર્ષ પછી તે મુસ્લિમ છે તે વાતનો તેને કોઈ ખતરો દેખાતો નથી ! લંડનમાં ઇકબાલના છ બેડરૂમના લકઝરી એપાર્ટમેન્ટ અને બે સુપર લકઝરી મોટરકારો છે પણ હવે ૬૨ની ઉંમરે મુંબઈ તેને ગળે વળગ્યું છે. ટીવી ચેનલને મૂરખ બનાવી તે હવે ભારતમાં તેની સંપત્તિ ભોગવવા સાથે દાઉદનો બિઝનેસ સંભાળવા માગે છે. દાઉદે જ તેને આ ઇન્ટરવ્યુની ટ્રીક શીખવી છે.