નવા સ્વિડિશ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના અભ્યાસ પ્રમાણે જંક ફૂડ અને કોલાનાં પીણાં કેન્સરનો પાયો ચણે છે.
જ્યારે જ્યારે કોલાના પીણાં વિરુદ્ધમાં લેખ લખું અને ચારેકોર પેપ્સી અને કોકાકોલાની આક્રમક જાહેરખબરો જ નહીં પણ લોકોને ઠેરઠેર આ પીણાં પીતાં જોઉં છું ત્યારે મને લાગે છે કે હું નાહકનો જંક ફૂડ અને કોલાનાં પીણાંની વિરુદ્ધમાં બળતરા ઠાલવું છું. પણ ત્યારે મને કવિ દુષ્યંતકુમારની પંક્તિ યાદ આવે છે.
વળી હું કાંઈ એકલો જ અનોખો નથી કે કેમિકલ, ફર્ટિલાઈઝરની વિરુદ્ધ કે જંક ફૂડની વિરુદ્ધ લખું છું યુરોપ - અમેરિકામાં હજારો લોકો હવે વૈકલ્પિક વિચારધારા દ્વારા ઓર્ગેનિક ખેતી એટલે કે દેશી ખાતરવાળી ખેતીની ફેવરમાં અને જંક ફૂડની વિરુદ્ધમાં મારા કરતાં ય જબ્બર ઊહાપોહ કરે છે. કારણ કે જંક ફૂડ અને કોલાનાં પીણાંવાળાની પ્રચારની આક્રમકતા એટલી જાલીમ છે કે થોડુંક તો તમારે રૂક જાઓ કહેવું પડે. મારી બળતરા કે દાઝ સાથે સાથે હંગામો ખડા કરનારા કોણ છે? વાંચો.
(૧) ‘ધ ન્યુસ્ટેટસમેન’ નામના સાપ્તાહિકમાં ડૉ.એલાઈસ માઈલ્સ લખે છે કે ‘આજે આપણા ખાદ્ય પદાર્થોનું કોપોઁરેટાઈઝેશન થઈ ગયું છે. અથૉત્ તમારે શું ખાવું તે કંપનીઓ નક્કી કરીને તમારી તબિયત બગાડી પોતાનો નફો વધારે છે. રિસર્ચ થકી જાણવા મળ્યું છે કે તમારું બાળક ૨૪ મહિનાનું થાય ત્યાં જ તે પેપ્સી, કોકાકોલા અને મેકડોનાલ્ડઝના હેમ્બર્ગર્સ નામ જાણતું થઈ જાય છે.’
‘એ બાળક મોટું થયા પછી પ્રાથમિક સ્કૂલે જાય ત્યાં પણ આ કોલાનાં પીણાંવાળાની માર્કેટિંગની કળાનું બોમ્બાર્ડમેન્ટ જોરદાર હોય છે. આજે યુરોપ, અમેરિકાની સ્કૂલોના બિલ્ડિંગમાં બાળકના હાથવેંતમાં આવે તે રીતે કોલાનાં પીણાં, પીઝા હટ્સ, ટેકોબેલ વગેરેની હાટડીઓ ખૂલી ગઈ છે. રિસેસ પડે એટલે બાળકની સામે જ આ ચીજો મળે છે.
(૨) મારી ભેર તાણનારી, લેખિકા નાઓમી કોલમેન ‘ડેઈલી મેઈલ’ નામના દૈનિકમાં કટાર લખે છે તેનું મથાળું છે ‘કેન્સર - ફૂડ્ઝ ટુ એવોઈડ’. (તા. ૨૧-૧૧-૧૧) નીચેના તૈયાર નાસ્તા અને પેકેટોના જે ખાદ્યો છે તેની સાથે હવે કેન્સર જોડાયેલું છે. જે બટાકાની કતરી તેમ જ કરકરા લાગે તેવા ખારા બિસ્કિટ અને કેમિકલ્સથી ભરેલી બ્રેડ છે તે બધામાં અને બ્રેકફાસ્ટમાં જે સિરિયલ્સ ખવાય છે તેમાં એક્રિલેમાઈડ નામનું હાનિકારક રસાયણ છે. આ નાસ્તાઓ થકી પુરુષની વીર્યની ફળદ્રુપતા ઓછી થાય છે અને... ઈટ ટ્રીગર્સ કેન્સર, અથૉત્ તે નાસ્તા લાંબો વખત ખાવાથી કેન્સરનાં બી વવાય છે.
(૩) તાજા સ્વિડિશ અભ્યાસ પ્રમાણે એક્રિલેમાઈડ નામનું રસાયણ આપોઆપ બટાકાની કાતરી તળાય ત્યારે પેદા થાય છે. કાંઈ પણ ચીજ તળાય એટલે આ હાનિકારક રસાયણ પેદા થાય છે. તેમ નવો સ્વિડિશ અભ્યાસ કહે છે. (૨૧-૧૧-૧૧)
(૪) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે એક્રિલેમાઈડ સૂક્ષ્મ પ્રમાણમાં હોય તો ઠીક છે પણ નક્કી ધોરણ કરતાં ૫૦૦ ગણુ એક્રિલેમાઈડ જંક ફૂડમાં હોય છે. લોકોને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગળું ફાડીને કહે છે કે થૂલા સહિતના ઘઉંના આટાની રોટલી કે બ્રેડ ખાઓ અને ફ્રૂટ-ભાજી વધુ ખાઓ. અણ્ણા હજારે દારૂ પીનારાને પીટવાનું કહે છે પણ ખરેખર તો લંડનની સેન્ટ જયોર્જ હોસ્પિટલના ચીફ આહારશાસ્ત્રી ડૉ.. કેથેરીન કહે છે કે રોજે રોજ દારૂ પીનારા પોતે જ પોતાને પીટી રહ્યા છે. તેમનાં જીભ-ગળાનાં, આંતરડાંના કે લીવરના કેન્સરનાં મૂળ નાંખી રહ્યા છે. અમેરિકન અભ્યાસ પ્રમાણે ચૌદ વર્ષમાં બે લાખ સ્ત્રીઓ જે દારૂને રવાડે ચઢી હતી તેમાંથી ૩૦ ટકાને સ્તનનાં કેન્સર થયેલાં.
(૫) અમેરિકાને પગલે પગલે ભારતમાં મેકડોનાલ્ડ્ઝ, બર્ગરકિંગ અને વેન્ડિઝના ફાસ્ટ ફૂડની દુકાનો વધી છે. અમેરિકામાં મેકડોનાલ્ડ્ઝની ૩૩,૦૦૦, બર્ગરકિંગની ૧૨,૦૦૦ અને વેન્ડિઝની ૬૫૦૦ દુકાનો આક્રમક રીતે બાળકોને આકર્ષે છે. રોઈટરનો રિપોર્ટ (૮-૧૧-૧૦) કહે છે કે ફાસ્ટ ફૂડ ઇન્ડ્સ્ટ્રી એટલે કે કોલાનાં પીણાં અને બટાકાની કતરી વગેરે વેચનારા ઉદ્યોગોએ ટેલિવિઝનની જાહેરખબરોમાં ૪.૨ અબજ ડોલર એટલે કે R ૨૩,૧૦૦ કરોડ ખચ્ર્યા હતા. સ્કૂલનો સરેરાશ ૨થી ૫ વર્ષનો બાળક રોજે રોજ ટીવી પર ૨થી ૩ જાહેરખબરો તો જુએ છે. ૬થી ૧૧ વર્ષનો ૪ વખત અને તેનાથી મોટા પાંચ વખત ટી.વી.માં જંક ફૂડની જાહેરાતો જુએ છે.
(૬) ફાસ્ટ ફૂડે એવો ઉપાડો લીધો છે કે અમેરિકાના અનુભવ પરથી ભારતે ચેતવાનું છે કારણ કે કોકાકોલા અને પેપ્સીના ધુરંધરો આજકાલ ભારતમાં તેની આક્રમક જાહેરખબરો અને પેઈડ-ઈન્ટરવ્યુ દ્વારા પોતાની ઢોલકી વગાડે છે. અમેરિકાનાં ૮૪ ટકા મા-બાપ પોતે જ તેમનાં બાળકોને ખુશ રાખવા સપ્તાહમાં એક વખત તો ફાસ્ટ ફૂડની રેસ્ટોરામાં લઈ જાય છે. ૬૬ ટકાએ કહ્યું કે સપ્તાહમાં એક વખત અમે બાળકોને મેકડોનાલ્ડઝમાં લઈ જતાં હતાં.
(૭) લંડનનું ‘ન્યુ સ્ટેટસમેન’ લખે છે કે બ્રિટનમાં અને અમેરિકામાં ૫૦ ટકા મિડલ સ્કૂલો અને ૭૫ ટકા હાઈસ્કૂલોના મેનેજમેન્ટ સાથે સોફટ ડ્રિંકસ (કોકાકોલા- પેપ્સી વગેરે) વાળાના કોન્ટ્રાકટ છે કે તે લાખ્ખો ડોલરની સહાયના બદલામાં સ્કૂલોમાં તેના જંક ફૂડ વેચશે.
(૮)છેલ્લે કોલાના પીણાંવાળા તેમ જ મેકડોનાલ્ડ્ઝ વગેરેનું એક નવું આક્રમણ ભારતમાં આવશે. કઈ રીતે? મેકડોનાલ્ડ્ઝ, પેપ્સીવાળા અને કેલોગના નાસ્તાવાળાની અને રિગ્લેની ચ્યુઈંગ ગમ બનાવનારાની સેલ્સમેનશિપની અને એડવરટાઈઝિંગની ટ્રીકો જાણવા જેવી છે. અમેરિકાના ૪૩૦૦૦ સ્કૂલોનાં બાળકોને તેમનાં પાઠ્યપુસ્તકો અને નોટબુકોને પૂંઠા ચઢાવવાના સુંદર કવરપેજ ઉપર મેકડોનાલ્ડ, પેપ્સી અને કેલોગની રંગીન જાહેરખબરો છાપેલી હોય છે. આવું ભારતમાં થશે જ.