Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

રવિવારે ગુજરાતીઓને રસોડે રજા, રેસ્ટોરાં ઝિંદાબાદ!

 
Source: Aaspas, Kanti Bhatt   |   Last Updated 12:34 AM [IST](23/12/2011)
 
 
 
 
 
એક જમાનામાં રેસ્ટોરાં કે હોટલનું જમણ તહેવારોમાં જ થતું. તેને બદલે આજે રેસ્ટોરાં ગુજરાતીઓની પેટપૂજાનું નહીં પણ જીભના ચટકાનું યાત્રાધામ બની ગયું છે. ૨૦૧૫માં તો ગુજરાતણોના ફલેટમાં રસોડાં જ નહીં હોય, બધાં રેસ્ટોરાંમાં કે સાઉથ ઇન્ડિયન ઉડીપીમાં જ જમી લેતી હશે કે જમણ મગાવી લેશે.

દિલ્હીથી માંડીને મુંબઈ, પૂણે, અમદાવાદ અને વડોદરામાં ૨૧મી સદીની આ મંદીમાં પણ મધ્યમવર્ગ અને ધનિકવર્ગ એક સાથે ક્યાં મજા લે છે? તમે જો રવિવાર, ૧૮મી ડિસેમ્બરના રોજ કે કોઈ પણ રવિવારે મુંબઈના મલાડ વિસ્તાર કે દિલ્હીના ગુરગાંવ કે અમદાવાદના વસ્ત્રાપુર કે થલતેજ રોડ, કે એલિસબ્રિજમાં રાત્રે ૮ વાગ્યે જોશો તો અનુક્રમે ‘વુડલેન્ડ,’ ‘સ્વીકાર,’ ‘બાલાજી,’ ‘વૈશાલી,’ ફૂડકોર્ટ કે અમિલાષા, એપલ રેસ્ટોરાં કે બાલાજી ઢોંસા સેન્ટર કે એલિસબ્રિજની અન્ય રેસ્ટોરાં તરફ ગુજરાતણો તેમના પતિ અને બાળકોની નેતાગીરી લઈને ઇડલી, વડા, ઢોસા, ઉત્તપ્પા કે પાંઉ-ઉસળ કે રાખધૂળ ખાવા હરખે હરખે જતી હશે.

રવિવારે મોટરો લઈ લઈને રસોડાં બંધ રાખી ગુજરાતણો સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં રાતનું ભોજન લેવા પોણો પોણો કલાક વેઈટિંગમાં પણ ઊભી રહે છે.એક જમાનામાં રેસ્ટોરાં કે હોટલ કે લોજનું જમણ તો વાર-તહેવારે થતું. તેને બદલે આજે રેસ્ટોરાં ગુજરાતીઓનું પેટપૂજાનું નહીં પણ જીભના ચટકાનું યાત્રાધામ બની ગયું છે.

આ રેસ્ટોરાં-કલ્ચર છેલ્લાં ૧૫ વર્ષથી એટલી હદ સુધી ગયું છે કે ૨૦૧૫માં તો ગુજરાતણોના ફલેટમાં રસોડાં જ નહીં હોય, બધાં રેસ્ટોરાંમાં કે સાઉથ ઇન્ડિયન ઉડીપીમાં જ જમી લેતી હશે કે જમણ મગાવી લેશે. કાઠિયાવાડમાં તો ભાવનગર કે રાજકોટમાં લોકો ચા પીવા અને પછી સાથે બ્રેડ બિસ્કિટ ખાવા ‘હોટલ’માં જતા. લક્ષ્મી હિન્દુ એટલે કે ફલાણા હિન્દુ હોટલ એવાં નામ અમે સાંભળતાં. પછી મોડેમોડે રેસ્ટોરાં શબ્દ શીખી ગયા.

ફ્રેન્ચ ભાષાનો આ મૂળ શબ્દ છે. જેનો સ્પેલિંગ રેસ્ટોરન્ટ જેવો થાય છે. તે ફ્રેન્ચનો રેસ્ટોરાં શબ્દ છે.જર્મનીમાં નિરાંતે માત્ર પીણું પીવાની અને થોડુંક કટકબટક કરવાની જગાને સ્ટેમટિશ કહે છે. ફ્રેન્ચ ભાષાનો આ શબ્દ જામખંભાળિયા સુધી પહોંચી ગયો છે. ‘રેસ્ટોરાં’ શબ્દ ક્યાંથી આવ્યો? ૧૭૬૫ની સાલમાં પેરિસમાં એ. બોલીનજર નામના માણસે તાકાત અને પુરુષાતન આપનારો સૂપ તૈયાર કર્યો. તેનું નામ તેણે ‘રેસ્ટોરેટિવ’ સૂપ આપ્યું. આ સૂપ લોકોને એટલો ભાવી ગયો કે જે દુકાને આવો સૂપ મળે તેનું નામ ‘રેસ્ટોરાં’ પડી ગયું. બસ પછી ઇંગ્લેન્ડ, હોલાન્ડ, ડેન્માર્ક, નોર્વે અને અંગ્રેજો ભારત આવ્યા ત્યારે કલકત્તામાં રેસ્ટોરાં આવી ગયાં.

ફ્રાંસમાં રાજકીય ક્રાંતિ પછી ઘણા પૈસાવાળા ગરીબ બન્યા અને તેમના રસોઈયા બેકાર બન્યા. આ રસોઈયા ધનિકોને સસ્તામાં મળે તેવા નાસ્તવાળી રેંકડી શેરીમાં ચલાવીને ગરીબ-ધનિકોનાં ધનિક પેટને ભરવા માંડ્યાં. ત્યારથી એટલે કે છેલ્લે ૧૭૯૨ આસપાસ ક્રાંતિ પછીના ગાળામાં લોકોને શેરીમાં ઊભા ઊભા ખાવાની કે ઘરબહાર ‘હોટલ’માં ખાવાની આદત પડી છે. તે આજે જગતના દરેક દેશોમાં અને કચ્છ, કાઠિયાવાડ ,ગુજરાતનાં ગામડે ગામડે પહોંચી છે.

મહુવામાં ૧૯૩૯ની સાલમાં અમે બપોરે ભૂખ્યા થઈએ ત્યારે ૩-૪ વાગ્યે ‘મીઠો કુંભાર’ તેની રેંકડીમાં પૂરીપકોડી, ભેળપૂરી ને ચેવડો લઈને નીકળતો ત્યારે એક પૈસાની પૂરીપકોડી ખાઈ લેતા પણ ફૈબાથી છુપે છુપે ખાતા. કારણ કે શેરીનું, રેંકડીનું કે હોટલનું ખાવું તે બ્રાહ્નણ માટે અશુદ્ધ ગણાતું. મુંબઈ આવ્યા પછી ચર્ચગેટ સ્ટેશન પાસેની પુરોહિત હોટલમાં ૬૦ વર્ષ પહેલાં ચા-પીવા જતા કે આખી થાળી જમવા જતા ત્યાં બે રૂપિયાનું ભાણું વસૂલ કરવા પેન્ટના કમરના બટન ઢીલાં કરતા.

આજે મુંબઈ કે અમદાવાદમાં શેરીએ શેરીએ પાંઉભાજી ખાવી તે શરમ નહીં પણ બહેનો માટે તો એક ‘ઊભી ક્લબ’ જેવો દેખાવ થઈ જાય છે.એક રિવાજ તમે જોયો હશે કે જગતના મહત્વના કરારો કે છોકરીનાં સગપણો જમણની થાળી ઉપર કે ચા-કોફી પીતાં પીતાં થાય છે.

આરબો કોફી કે કાવો પીતાં પીતાં કોઈને પતાવી દેવાના પ્લાન ઘડતા હોય છે. ગામડાની પંચાયતના ચોરામાં હુક્કાના ગડગડાટ કે અફીણાના કસુંબા સાથે અને પછી ચાના ઘૂંટડા સાથે ગામના ઝઘડા પતાવાતા હતા કે પાડોશના રજપૂતને પાંસરો કરવાના પ્લાન ઘડાતા. કોઈ ખેડૂતોને બોયકોટ ઉર્ફે દાણાપાણી હરામ કરવાના હોય તે ‘ચાનો કોપ’ પીતાં પીતાં થતું. અરે, એક વખત હું સ્મશાન ઉપર લેખ લખવા ગયો ત્યાં પોક મૂક્યા પછી મરનારને દાહ આપીને બધા ટેસથી ચાની ચૂસકીઓ ભરતા જોયેલા.

પત્રકારો સાથે ઈન્ટરવ્યુ હવે રેસ્ટોરાં કે ફાઈવસ્ટાર હોટલની રૂમમાં લેવાય છે. અંગ્રેજ લેખકો થાર્કરે, ઇટાલીના સંગીતકાર રોઝીની, હિન્દી ભાષાના નવલકથાકાર કમલેશ્વર એ બધા કોફી હાઉસની કોફી પીતાં પીતાં પોતાનું સર્જન કવિતા-વાર્તા કરતા. જગવિખ્યાત ડી. બિયર્સની હીરાની કંપનીના વારસદારો મને તાજ હોટલની રેસ્ટોરાંમાં બોલાવીને હીરાઉદ્યોગની માહિતી આપેલી.

ઇટાલીમાં કોફીહાઉસને ‘બોતેષી’ કહે છે. એ બોતેષીમાં માત્ર કોફી આપતી હતી. આજે અમદાવાદ-મુંબઈમાં‘ સ્ટારબકસ’ની રેસ્ટોરાંઓ ખૂલી છે પણ હજી ગુજરાતીઓને તેનું વળગણ થયું નથી પણ હંગેરીમાં તો કોફીકલ્ચર છે. કાઠિયાવાડમાં જેમ ચા-કલ્ચર છે અને શરૂમાં એક કપમાંથી બે જણ ચા પીતા પણ પછી કપ સાથે બે રકાબી આપતાં. એક કપમાંથી ત્રણ જણ ચા પીએ છે. હંગેરીમાં અડધો કપ કોફી આપવી તે અપમાન ગણાય છે. મોટું ટબલર ભરીને જ કોફી અપાય છે.

કપ નહીં પણ ટબલર કે ગ્લાસમાં કોફી હોય છે. તે દૂધ વગરની કડવી કોફી હોય છે. રકાબીમાં રેડીને ચા પીનારા જગતમાં કોઈ હોય તો માત્ર ગુજરાતી જ છે. પંજાબીઓ લસ્સી અગર દૂધ ગ્લાસમાં પીવે છે. મથુરાના ચોબા લોટામાંથી સીધી ભાંગી પીએ છે. દક્ષિણ ભારતની રેસ્ટોરાં કે રેંકડીમાં કોફી અપાતી ત્યારે એક ટબલરમાંથી બીજા ટબલરમાં કોફીને ઉછાળી ઉછાળીને પછી પીરસાતી. સૌરાષ્ટ્ર -ગુજરાતમાં રેસ્ટોરાંમાં ટેબલ પર બેઠા ભેગી જ ચા પીરસાવી જોઈએ.

આસપાસ, કાંતિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.