કિંગફિશરનો માલિક ‘ફોબ્ર્સ’ મેગેઝિનના અંદાજ પ્રમાણે ૧.૪ અબજ ડોલરનો માલિક છે. એટલે કે ચોપડા ઉપર R ૭૦૦૦ કરોડનો માલિક ગણાય છે. ‘ચોપડા બહાર’ તો તેને ગણ્યા ગણાય ને વીણ્યા વીણાય નહીં એટલા ડોલર કે પાઉન્ડનો ધણી છે.
એગ્નિસ નામના ફિલસૂફે કહેલું કે ‘ટુ બી બ્રેવ ઇન મિસ ફોરચ્યુન ઇઝ ટુ બી વધીઁ ઓફ મેન હૂડ.’ સૌરાષ્ટ્રમાં કોઈ ભડ માણસ હોય અને કંઈક પરાક્રમ કરે તો કહેવાતું કે ‘ભાયડોને બે બાચકા.’ છેલ્લા ચાર દિવસથી તમે આર્થિક દૈનિકો કે ચાલુ અખબારોના પ્રથમ પાને કિંગફિશરના માલિક વિજય વિટ્ઠલ માલ્યાની એરલાઈન મુસીબતમાં છે તેવુ વાંચો છો. પણ આ માણસ ખરેખર ભાયડો છે અને તે ભારતીય નાગરિક રહીને ઇંગ્લેન્ડનો પણ નોનરેસિડન્ટ ઇન્ડિયન નાગરિક બન્યો છે. તે સરકાર અને જનતા પાસેથી મુશ્કેલીમાંથી મલાઈ તારવશે. તેની ‘જન્મકુંડળી’ જોશો તો ખાતરી થશે.
બેંગલોર અને ચેન્નઈનાં અખબારો તો વિજય માલ્યાને વહાલા થવા જાણે તેમની એરલાઈનને ઉગારવા અને પછી માલ્યા પાસેથી કરોડોની જાહેરખબર કમાવા તેની દલાલી કરે છે જ. એક દૈનિક તો કહે છે કે ‘કિંગફિશર ઇઝ ટુ બિગ ટુ ફેલ’. વિજય માલ્યા એટલા વિરાટ છે કે ફેલ જાય જ નહીં. એમના બાપના સોગંદ! વીર સંઘવીએ તો વિજય માલ્યાને મેન ઓફ સ્ટીલ-પોલાદી પુરુષ કહ્યો છે. દક્ષિણ કોંકણી કુટુંબના ગૌડ સાસ્વત બ્રાહ્નણની જ્ઞાતિના પિતા વિટ્ઠલ માલ્યા અને માતા લલિતા રામૈયાને પેટે ૧૮-૧૨-૧૯૫૫ના વિજય માલ્યા સિલ્વર સ્પૂન નહીં પણ પ્લેટિનમ સ્પૂન સાથે જન્મેલો પરાક્રમી પુત્ર છે.
યુવાનીમાં તે કલકત્તા-બેંગલોરમાં પ્લેબોય કહેવાતો. ‘ઝાઝાં ઢોરડાં ઝાઝાં ખોરડાં અને ઝાઝાં છોરડાંએ બધા મુસીબત લાવનારાં છે.’ આ કાઠિયાવાડી કહેવતને વિજય માલ્યા ખોટી પાડે છે. તેને ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં તમે પ્રીતિ ઝીન્ટા અને બીજી બોલિવૂડ કે હોલિવૂડની નટીઓ વચ્ચે બીયર પીતો પણ જોશો. એનાં ‘ખોરડાં’ કેટલા છે તે બાંધી મુઠ્ઠી છે પણ હું કણૉટક ફર્યો છું એટલે ખબર છે કે તે પહેલાં સમીરા નામની રૂપકડી એરહોસ્ટેસને પરણ્યો. એ પછી રેખાને પરણ્યો. એ બન્નેનાં ચાર ચાર છોરડાંને તે સંભાળે છે.
તેમાં સમીરા થકી તેને લયલા નામની દીકરી જન્મી છે તે તો બાપ કરતાં બેટો સવાયો નહીં પણ બાપ કરતાં બેટી સવાઈ તેવી નવી કહેવત ઉજાગર કરે તેવી છે. બોસ્ટનની બેન્ટલી યુનિવર્સિટીમાં ભણતી ભણતી તે ન્યુયોર્ક, બેંગલોર અને યુરોપમાં અનેક ધંધા કરે છે. બેંગલોરમાં લયલાએ બાપની મદદ વગર ‘કાહવા’ રેસ્ટોરાં કરી છે. ત્યાં ઘરાક સાથે કાવો-કડક કોફી પીએ છે.
ન્યુયોર્કમાં માલ્યાના દીકરીને પરચૂરણ દુકાન છે. મધ્યમ કે ધનિક વર્ગને સોનાનાં ઘરેણાં કે લગડી કફિાયત ભાવે આપતા જયેશ સોનીને મેં પૂછ્યું કે ‘ઇન્ફોસિસ’ના નારાયણમૂર્તિને જાણો છો? તો કહે ‘એ વળી કોણ?’ પણ જો તેને પૂછો કે માલ્યાને જાણો છો? તો કહેશે કે મુંબઈની દારૂની દુકાન પાસે ઊભા રહો તો સાંજે માલ્યાનું કિંગફિશર બ્રાન્ડનું બીયર ખરીદવા લાઈન લાગે છે. લંડન કે કલકત્તા કે બીજાં ક્રિકેટ સ્ટેડિયમોમાં કિંગફિશરનાં ડબલાંના ડબલાં ઠલવાતાં હોય છે.
આ કિંગફિશરનો માલિક ‘ફોબ્ર્સ’ મેગેઝિનના અંદાજ પ્રમાણે ૧.૪ અબજ ડોલરનો માલિક છે. એટલે કે ચોપડા ઉપર R ૭૦૦૦ કરોડનો માલિક ગણાય છે. ‘ચોપડા બહાર’ તો તેને ગણ્યા ગણાય ને વીણ્યા વીણાય નહીં એટલા ડોલર કે પાઉન્ડનો ધણી છે. એના ધંધાના તારલા ગણવા છે?
માત્ર ૨૬ની ઉંમરે તેણે પિતા પાસેથી યુનાઈટેડ બ્રુઅરીઝની દારૂ-બીયર બનાવતી કંપનીના ચેરમેન બનીને સંભાળી. પછી જાણે યુનાઈટેડ બ્રુઅરીઝને વિજય માલ્યાએ કાનખજૂરા જેટલા પગ આપ્યા. ૧૯૯૮માં પિતા પાસેથી યુનાઈટેડ બ્રુઅરીઝ સંભાળ્યા પછી પંદર વર્ષમાં આ દારૂનો વેપલો ૧૯૯૯માં જ ૧૧.૨ અબજ ડોલરનો કર્યો. આ કંપનીને નિતનવા કાનખજૂરાના પગ ઉગાડ્યા. લાઈફ સાયન્સ, એન્જિનિયરિંગ, એગ્રિકલ્ચરલ-કેમિકલ્સ, ઈન્ફરમેશન ટેક્નોલોજી, એવિયેશન (એરલાઈન્સ) અને જલસા કરવાની હોટેલ ઇન્ડસ્ટ્રી વગેરે.
૨૦૦૬માં માલ્યાએ પોતાની જ કિંગફિશર એરલાઈન ઊભી કરી અને માત્ર પાંચ વર્ષમાં તે ભારતભરમાં ગાજવા માંડી છે. નેગેટિવ હોય કે પોઝિટિવ હોય બન્ને તાલમાં તે ગાજે છે. કેલિફોર્નિયામાં માલ્યાએ મરિન પ્રાંતમાં મરિન સ્કોપ નામનું અખબાર કાઢ્યું છે અને ભારત કે બ્રિટન કે અમેરિકામાં અખબારો જ નહીં મોટા ભાગના પત્રકારો તેના પાળેલા છે. તેને ભેટ-સોગાદો કે મફત મુસાફરી કે જાહેરખબરના ભીખના ભાખરા નીર્યા કરે છે.
તાજેતરમાં આ ગરીબ દેશના લોકોને બહેકાવવા અને ધનિકોને તાનમાં લાવવા એફ-વનની મોટર રેસ થઈ તેમાં માલ્યા ઠેર ઠેર ફિલ્મસ્ટારો શિલ્પા શેટ્ટી અને દીપિકા પદૂકોણે સાથે દેખાતા હતા. નેધરલેન્ડમાંથી તેણે એફ-વનની ટીમ ખરીદીને હવે તેનું નામ ‘ફોર્સ ઇન્ડિયા એફ-વન’ રાખ્યું છે. કલકત્તાની લા’ માર્ટિનિયરી સ્કૂલમાં ભણતો જાય અને ઝેવિયર્સ કોલેજની ડિગ્રી લેતો જાય તે સાથેસાથે યુવાન વયે યુનાઈટેડ અમિરાત અને ભારત તેમ જ જગતભરના ધંધા વારસામાં મેળવીને સંભાળતો જાય અને જ્યાં જ્યાં સુંદરીઓ હોય તેને રીઝવીને રમાડતો જાય.
રાજકારણમાં પણ ‘તટસ્થ’ રહીને રાજસભામાં ચૂંટાઈ પાલૉમેન્ટમાં ગાજતો જાય. મોટર સ્પોર્ટ્સમાં એટલો ગાજ્યો કે તે આજે વિશ્વ મોટર સ્પોર્ટ્સ કાઉન્સીલનો ભારતનો પ્રતિનિધિ છે. ઈસ્ટ બંગાલ અને મોહન બાગન ફૂટબોલ ક્લબમાં તે સ્પોન્સરર છે. ઇટાલીની એક ફૂટબોલ ટીમ તે ખરીદે છે. આઈપીએલના ક્રિકેટમાં તે રોયલ ચેલેન્જર્સ ટીમનો માલિક છે. તેનો મેકડોવેલ બ્રાન્ડનો દારૂ અને કિંગફિશર દારૂનો વેપલો સતત વધારે છે અને તમારે, બેન્કને, સરકારને અને શેરહોલ્ડરોને પૈસે જલસા કરતો કરતો આ બધી કંપનીઓના નામે R ૧૪,૨૩૧ કરોડનું જંગી દેવું કરતો જાય છે. વાહ, ખરો ભાયડૉ. પણ હજી તો આ કાનખજૂરાના ઘણા પગને ગણવાના બાકી છે.
ખાસ તો લંડનમાં તેણે ટીપુ સુલતાનની તલવાર માટે R ૧૬ લાખની ઓફર કરી, તેમજ મહાત્મા ગાંધીની નાની નાની ચીજો ખરીદવા. R ૯ કરોડની ઓફર કરી તે માટે ઉદ્યોગો અને સ્ત્રીસૌંદર્યના સર્વજ્ઞાની શ્રી શ્રી શ્રી વિજય માલ્યાની પીઠ થાબડીને વીરમુ છું. (શ્રીશ્રી રવિશંકર વેપારી થયા હોત તો માલ્યા જ થાત) તેની ચાલુ મુશ્કેલીમાંથી તે ઊંચો આવી જ જશે.