ઈશ્વર કે ભગવાનને પણ એક ચીજ બનાવીને આપણે આપણા સ્વાર્થ માટે વાપરીએ છીએ. ભીડ પડે અને કોઈ ઈશ્વરીય મદદ ન આવે ત્યારે આપણે પણ ક્રિસ્ટોફર હિચન્સ જેવા ‘નાસ્તિક’ બની જઈએ છીએ.
રોબર્ટ ઓપનહેમર જેને અણુ બોમ્બનો પિતામહ ગણવામાં આવે છે તેણે અમેરિકાના લોસ-આલમોસના અણુ કેન્દ્રમાં જગતના પ્રથમ અણુ બોમ્બનો વિસ્ફોટ ૧૬-૭-૧૯૪૫ના રોજ કર્યો ત્યારે તેનાથી બોલી જવાયું કે ભગવાન શ્રી કૃષ્ણે તેનું વિરાટ દર્શન કરાવ્યું હોય તેવી ઈશ્વરીય શક્તિનો આજે પરિચય થયો. આવા મહાન અણુ વિજ્ઞાનીથી માંડીને આપણા અવકાશ વિજ્ઞાની વિક્રમ સારાભાઈ અને પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ કલામ પણ ઈશ્વરમાં માનનારા હતા અને છે ત્યારે ઇંગ્લેન્ડમાં જન્મીને અમેરિકન બનેલો ક્રિસ્ટોફર હિરચન્સ એક એવો અદકપાંસળી બુદ્ધિનો વેપારી નીકળ્યો જેણે ૨૦૦૭માં એક પુસ્તક લખીને જાહેર કર્યું કે જગતમાં ઈશ્વર બિશ્વર જેવું કંઈ નથી.
પુસ્તકનું નામ હતું ‘ગોડ ઇઝ નોટ ગ્રેટ- ધ કેઈસ અગેઈન્સ્ટ રિલિજિયન’. ઓગસ્ટ-૨૦૦૭માં હું શિલ્પા ગાંધીને ઘરે લંડનમાં મહેમાન હતો ત્યારે લંડનના ‘બોર્ડર્સ’ નામના વિશાળ પુસ્તક ભંડારમાં આ નાસ્તિકના પુસ્તક માટે પડાપડી થતી હતી. મને માંડ માંડ મળેલું, પણ કોણ જાણે હું શ્રદ્ધાળુ છું એટલે આ નિરશ્વરવાદી લેખકના પુસ્તક વિશે ચાર ચાર વર્ષથી લખવાની હિંમત ચાલી નહીં.
આ ઈશ્વરમાં નહીં માનનારા ક્રિસ્ટોફર હિચન્સને ગઈ૧૫ ડિસેમ્બરે કેન્સરના રોગે ભરખી લીધો છે અને ૬૨ વર્ષની જુવાન વયે તે રીબાઈ રીબાઈને મર્યો છે અને મરતી વખતે જ તેનાથી જનમ જનમના સંસ્કાર પ્રમાણે ‘ઓહ માય ગોડ’ બોલાઈ ગયેલું. તાશેરો એ વાતનો થયો કે આખું અમેરિકા અને ખાસ કરીને ઇંગ્લેન્ડ તો કેથોલિકસ અને બીજા ધર્મચુસ્તોથી ભરેલા દેશો છે પણ ત્યાં આ ઈશ્વરનાં અસ્તિત્વમાં શંકા કરનારાનું પુસ્તક બેસ્ટ સેલર નીવડ્યું. ન્યુયોર્કમાં ત્રીજા જ અઠવાડિયે દુર્લભ બન્યું અને ૨.૯૫ લાખ નકલો છપાઈ ગઈ. પુસ્તકના ખરીદનારામાં વધુમાં વધુ ધર્મગુરુઓ અને આસ્તિકો જ હતા એ પણ નવાઈ હતી.
આપણે સતત મુશ્કેલીમાં આવીએ અને છુટવાનો ક્યાંય આરોવારો ન દેખાય ત્યારે બોલાઈ જવાય છે કે ‘ઈશ્વર મરી પરવાર્યો છે.’ ‘દુનિયામાં ભગવાન જેવું કંઈ નથી.’ બીજી બાજુ વિરોધાભાસી ઉદ્ગારો પણ સંભળાય છે- ‘રામ રાખે તેને કોણ ચાખે?’ ‘આખરે મારો ઈશ્વર છે ને?’ ‘ભગવાન સૌ સારાં વાનાં કરશે.’ આવી શ્રદ્ધા પણ સતત બતાવાય છે. એમ છતાં એક વાત પુરવાર થઈ છે કે ઈશ્વર કે ભગવાનને પણ એક ચીજ બનાવીને આપણે આપણા સ્વાર્થ માટે વાપરીએ છીએ. ભીડ પડે અને કોઈ ઈશ્વરીય મદદ ન આવે ત્યારે આપણે પણ ક્રિસ્ટોફર હિચન્સ જેવા ‘નાસ્તિક’ બની જઈએ છીએ.
નાસ્તિક બનીને ‘ગોડ ઇઝ નોટ ગ્રેટ’ પુસ્તક લખવાનો ક્રિસ્ટોફરને મોટો ફાયદો એ થયો કે બે દિવસમાં પ્રથમ ૪૦,૦૦૦ નકલો ખપી પછી બીજા પ્રકાશકે ત્રણ લાખથી વધુ નકલો છાપી તેની રોયલ્ટી ક્રિસ્ટોફર હિચન્સને ૧૦ લાખ ડોલર એટલે કે આજના ભાવે R ૫.૫૦ કરોડ મળ્યા. કઠણાઈએ થઈ કે આ નાસ્તિક કેન્સરમાં રીબાઈ રીબાઈને તેને ઘરે નહીં પણ અમેરિકમાં હ્યુસ્ટન શહેરની એન્ડરસન કેન્સર હોસ્પિટલમાં એકલો એકલો રીબાઈને મર્યો. તેની આ કમાણીમાંથી R ૪ કરોડ કેન્સરની ટ્રીટમેન્ટમાં ગયા. બીજા દોઢ કરોડ ડોક્ટરો-દવામાં ગયા.
દૂધના દૂધમાં પાણીના પાણીમાં!ક્રિસ્ટોફર હિચન્સનું નિરશ્વરવાદનું પુસ્તક ધડાધડ ખપવા માંડ્યું ત્યારે ‘વોલસ્ટ્રીટ જર્નલે’ ૨૭-૬-૦૭ના લખવું પડેલું ‘આ પુસ્તક ‘‘સરપ્રાઈઝ હીટ’’ નીવડ્યું છે’. વિચિત્ર વાત એ છે કે જ્યારે પણ ઈશ્વરના અસ્તિત્વ વિશે હુમલો કરનારું કોઈ પણ પુસ્તક પ્રગટ થાય તે હિટ જાય છે. વિચિત્ર રીતે આપણામાંથી ઘણાને ઈશ્વરને ઝટપટ દોષ દેવાની ટેવ પડી છે. પરંતુ ‘ઈશ્વર નથી’એમ કહેનારો પોતાની આ માન્યતાનો ભાર ઝીલી શકતો નથી.
કદાચ ક્રિસ્ટોફરે માનવોની અને ખાસ કરીને તેનાં માતા-પિતાની ક્રૂરતા જોઈને તે ઈશ્વર-બિશ્વર જેવું કંઈ નથી તેમ કહેતો હશે. તેની મા પાદરીની દીકરી હતી પણ ક્રિસ્ટોફરના પિતાને આ માએ છોડીને બીજા પરણેલા સાથે ઘરઘરણું કર્યું તેથી મા પ્રત્યે અને (એમ ઈશ્વર પ્રત્યે) ધૃણા થઈ હશે. તેની પ્રથમ પ્રેમિકા પત્ની પણ બેવફા થઈ હતી. દારૂના નશામાં અને ચેઈનસ્મોકિંગમાં આ નિરીશ્વરવાદી તેની નિરાશા અને ઈશ્વરમાં નહીં માનવાના બોજને ડુબાડતો હતો.
અમેરિકાના બુકસેલર વિવિયન જેગ્નિઝને પૂછ્યું કે આ ઈશ્વરના અસ્તિત્વને પડકારનારું પુસ્તક કેમ ખૂબ ખપ્યું? ત્યારે તેણે ખુલાસો કર્યો કે લોકો જોવા માગતા હતા કે અંદર શું લખ્યું છે? અંધશ્રદ્ધાળુ કરતાં શ્રદ્ધાળુઓએ વધુ ઘરાકી કરાવેલી. આ પહેલાં ‘ધ ગોડ ડિલ્યુમેન’ (ઈશ્વર એક ભ્રમણા છે.) તેવા રિચાર્ડ ડોકિન્સના પુસ્તકની પ્રથમ ધડાકે પાંચ લાખ નકલો વેચાઈ ગઈ હતી. એ સાથે સામ હેરીસ નામના લેખકે પણ ખ્રિસ્તીઓની શ્રદ્ધાની મજાક ઉડાવતું પુસ્તક લખ્યું તેની ૧.૮૫ લાખ નકલો એક દિવસમાં વેચાયેલી.
હકીકતમાં યુરોપ, અમેરિકા અને ભારતમાં કેટલાક હાલીમળેલા ‘ધર્મગુરુઓ’ ધરમનો ધંધો માંડીને બેઠા છે. આ ધરમના વેપાર સામે આપણો ગુસ્સો છે. આપણે તમામ આપણી રીતે અંદરખાનેથી અધ્યાત્મમાં, ઈશ્વરના અસ્તિત્વમાં કે સાચા ધર્મમાં માનીએ જ છીએ. ઉપરાંત બ્રિટનના હાલના વડાપ્રધાન ડેવિડ કેમરોન કહે છે તેમ જો ઈશ્વર ન હોય તોપણ ઈશ્વરને શોધવો જોઈએ. તેમણે સરસ વાત કરી કે ‘હું ઈશ્વરમાં માનતો નથી પણ માનવીની શ્રદ્ધામાં શ્રદ્ધા રાખું છું.
સામાન્ય માનવીને તેના જીવનને સીધે પાટે લઈ જવામાં શ્રદ્ધા ખૂબ કામ લાગે છે. કોઈ જ ધાર્મિક શ્રદ્ધા ન હોવા કરતાં શ્રદ્ધા હોવી વધુ સારી છે. લંડનના ‘ગાર્ડિયનમાં ૧૭-૧૨-૧૧ના રોજ એલેકઝાન્ડર ચાન્સેરે લખ્યું છે કે ‘અમુક ધાર્મિક માન્યતામાં કે શ્રદ્ધામાં નહીં માનનારના મગજ પર એટલો બોજ હોય છે કે અંદરખાનેથી એ લોકો કંઈક ગુનો કરતા હોય તેમ તેમને લાગે છે. ઈશ્વર પર પરમ શ્રદ્ધા રાખનારાને બીમારી ન જ આવે તેવું કશું નથી. ઈશ્વર પરની આસ્થા બીમારીમાંથી પણ ઉગારે છે.
નોંધ : શ્રી શાહબુદ્દીન રાઠોડ થાનગઢમાં જ છે. કદી અમદાવાદ ગયા નથી અને વતનમાં જ જીવનપયઁત રહેશે. થાનગઢ છોડીને જવાના નથી. સરતચૂક માટે માફી- કાન્તિ ભટ્ટ