કોકેન, ગાંજો, ચરસ અને હેરોઈન જેવા ડ્રગ્ઝનો જગતભરમાં ૪૦૦ અબજ ડોલર એટલે R ૨૦,૦૦૦ અબજનો વેપાર તમાકુ અને શસ્ત્રના વેપાર પછી ત્રીજા નંબરે આવે છે.
પાકિસ્તાનની જાગૃત મહિલા પત્રકાર આમના નાસીર જમાલ લાહોરથી લખે છે કે પાકિસ્તાનને ભારત બરબાદ નહીં કરે, શિયા-સુન્નીના ઝઘડા પરેશાન નહીં કરે પણ પાકિસ્તાનનો વિનાશ અફીણ, હેરોઈન અને ગાંજા-ચરસનું વ્યસન કરશે. પાકિસ્તાન નેશનલ ડ્રગ એબ્યુઝ સર્વે કહે છે કે ૨૬ વર્ષની ઉમરના જુવાનો પહેલાં ડ્રગ્સના વ્યસની હતા પણ હવે તો સ્કૂલોમાં છોકરીઓ પણ ગાંજો, ચરસ અને કોકેન લેતી થઈ છે.
લાહોરની કોલેજની છોકરીઓ ગર્લ્સ રૂમમાં ગાંજાની સિગારેટ પીતી દેખાય છે. ઘણી છોકરીઓ કોકેનની ગોળીઓ લેતી હતી. લાહોર-ઇસ્લામાબાદના એલીટ કલાસ એટલે કે જલદીથી પૈસાદાર થઈ ગયા છે તેવા ઊંચા સમાજની છોકરીઓ પોતાની કારમાં ગરીબ બહેનપણીને લઈને કોકેનની મજા લે છે.
અરે સાહેબ ! પાકિસ્તાનને જવા દો. આપણા પંજાબમાં જ અને ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી ગંજેરીઓની સંખ્યા વધતી જાય છે. કોલંબિયા, પેરુ અને બીજા દેશો આજે ડ્રગ્ઝના વ્યસનીઓથી તેના અર્થતંત્રને ખાડે જતું જોઈ રહ્યાં છે. ભારતના પંજાબની હરિયાળી ક્રાંતિ આજે ૧૯૭૫ પછી ૨૦૧૧માં ડ્રગ્ઝના મોટી સંખ્યાના વ્યસનીઓની કઠણાઈ લાવી છે. આકાંક્ષા મિત્તલ નામની પત્રકાર કહે છે કે પંજાબના ૭૦ ટકા જુવાનો ડ્રગ્ઝના વ્યસની છે.
દિલ્હી અને મુંબઈ-પૂણેના ગંજેરીઓને સંતોષવા પાકિસ્તાનથી R ૨૦૦૦ કરોડનાં ડ્રગ્ઝ આવે છે તેવો આકાંક્ષા મિત્તલનો અંદાજ છે. પંજાબી પિતાઓ ગ્રીન રિવોલ્યુશન અને બીજા વેપારમાં રાતોરાત અબજપતિ થયા છે તેથી યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ, ઇન્ડિયન એક્સપ્રેસ અને તહેલકાનો અંદાજ છે કે પંજાબનો એક એક યુવાન માત્ર એક વખતનો કોકેનનો ડોઝ સૂંઘવા R ૨૫ ખર્ચે છે. જલંધર, પતિયાલા, ભટિંડા અને અમૃતસરમાં યુવાનોમાં જબરી બેકારી છે. તેની પીડા ભૂલવા ગાંજો પીએ છે,પછી હેરોઈનને રવાડે ચઢે છે. અરે માનશો? કંઈ ન મળે તો પેટ્રોલ ચોરીને પીએ છે. ગુજરાતનાં મા-બાપ સાવધાન! હજી ગુજરાતમાં આ પાપ જોરદાર રીતે આવ્યું નથી પણ છુપે છુપે મુંબઈની કોલેજો, સ્કૂલો અને ખાસ તો મુંબઈના કમાટીપુરાની છોકરીઓ ડ્રગ્ઝ લેતી થઈ છે. તેના જુવાન ઘરાકોને ડ્રગ્ઝને રવાડે ચઢાવે છે.
નેશનલ સર્વે કહે છે કે ૪૬૪૮ સ્ત્રી-પુરુષનો સર્વે કરાયો તો ભારતમાં ૩૭૧ સ્ત્રીઓ નશીલા પદાર્શ લેતી હતી. અઢી લાખ જેટલી વ્યક્તિ અફીણ, ગાંજા અને ચરસ, સવા છ કરોડ જેટલાં સ્ત્રી-પુરુષ આલ્કોહોલ અને ૯૦ લાખ હેરોઈન લેતાં હતાં. બોલિવૂડના સ્ટારો ફિલ્મની R ૧૦૦૦ કરોડની કમાણી ડ્રગ્ઝમાં ખર્ચે છે.
એક જમાનામાં દરબારો-ક્ષત્રિયો અફીણનો ગામના ચોરામાં જ ખુલ્લેઆમ અમલ કરતા હતા. ભાવનગર રાજ્યમાં અમે ૭૦ વર્ષ પહેલાં જોયેલું કે અફીણના બંધાણી માટે લાઈસન્સવાળી દુકાનો છેક મહુવા સુધી હતી. હું પોતે મહુવાની સંઘેડિયા બજાર મારી ફૈબાની દવા માટે અફીણ લેવા જતો હતો. આજે અફીણ અને હેરોઈન દવા નહીં નશા માટે જ વપરાય છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પેરુ, બોલિવિયા અને બ્રાઝીલમાં પાકતા અફીણ કે કોકોમાંથી મળતાં હેરોઈન કે અફીણનું ટ્રાન્ઝીટ પોઈન્ટ ભારત છે.
ખુદ શરદ પવાર જ્યારે ૧૯૯૩માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે લંડનના પત્રકાર ક્રિસ્ટોફરને કહેલું કે નાકોર્ટિકસના વેપારને ડામવો મુશ્કેલ છે. શરદ પવારના શબ્દોમાં ‘આ મુંબઈ શહેરમાં ડ્રગ્ઝની ગેંગો ઊભી થઈ છે. તેને નશીલા પદાર્થમાંથી મળતા નફાની ૧૦ ટકા રકમ બાજુએ રાખીને તે રકમ અમારી સરકારની એન્ફોર્સમેન્ટ એજન્સીને આપે છે. પવારનો અંદાજ હતો કે (૧૯૯૩માં !) ૪૫ અબજ રૂપિયાનો નફો નશીલા પદાર્થના વેપારમાંથી થાય છે!
શરદ પવાર ૧૯ વર્ષ પહેલાં નિર્દોષભાવે સત્ય ઉચ્ચારી ગયેલા. તેઓ દિલ્હીના રાજકારણમાં ગયા પછી હવે ડ્રગ ગેંગનો નફો R ૪૫૦ અબજનો થયો છે. અરે ! ભારતની એન્ફોર્સમેન્ટ એજન્સી જ નહીં યુરોપની ઘણી સરકારો તે સમયે ડ્રગ માફિયાને રક્ષતી હતી. આજેય બ્રિટિશ સરકાર ઇકબાલ મીર્ચી નામના ડ્રગ લોર્ડને રક્ષે છે જ. ઇકબાલ મીર્ચીની મસાલેદાર કથા વિસ્તારથી જાણવા જેવી છે, તે પછી કોઈ વાર.
અમેરિકાએ ડ્રગ્ઝના વેપારને નાથવા ૪૦ વર્ષમાં ૨.૫ ટ્રિલિયન ડોલર એટલે કે R ૧૨,૫૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ ખચ્ર્યા છે. જે સમાજસેવકો ડ્રગ્ઝ વિરુદ્ધ પ્રચાર કરે તેને ખતમ કરે છે. આજ સુધી ડ્રગ્ઝ ગેંગએ ૪૨,૦૦૦ સમાજસેવકોને ખતમ કર્યા છે. કોલંબિયાના પ્રમુખ જુઆન મેન્યુઅલ કહે છે કે અમારા દેશનું અર્થતંત્ર કથળેલું છે. અમને કોકેનનો પાક સારું કમાવી આપે છે તો શું કામ અમેરિકા-યુરોપ અમારા આ વેપારમાં આડા આવે છે ? અફઘાનિસ્તાન આવેલા અમેરિકન-અંગ્રેજ સૈનિકોમાંથી ૨૦ ટકા ગંજેરી છે.
અમેરિકા ગંજેરીઓને નાથી શક્યું નથી એટલે હવે ઊલટાના ડોક્ટરો ચિઠ્ઠી લખી આપે તો વ્યસનીને મુકત રીતે ગાંજો કે ચરસ કે નશીલા પદાર્થ મળે છે. આ નશીલા પદાર્થનું મહાભારત લાંબુ છે, પણ યુવા-વાચકોને કેટલીક માહિતી આપવાની લાલચ રોકી શકતો નથી.
(૧) કોકાના છોડ કે વૃક્ષમાંથી ચોકલેટનો કાચો પદાર્થ મળે છે તે રીતે જ કોકેનનો કાચો પદાર્થ તે છોડમાંથી જ મળે છે. આ કોકાનું વાવેતર જ કઠણાઈ પેદા કરે છે. (૨) ૨૦૧૦માં ૧,૪૯,૧૦૦ હેકટર જમીનમાં કોકાનું ઉત્પાદન થતું હતું. એટલે હોંગકોંગથી દોઢા વિસ્તારમાં ! (૩) જગતભરમાં ૨૦૦૯માં ૪૪,૦૦૦ કિલો જેટલું પ્યોર કોકેન વ્યસનીઓ ખાઇ-પી ગયેલા (૪) ડ્રગ્ઝની ગ્લોબલ બજારના જુદા જુદા આંકડા છે તેમાં છેલ્લો ૨૦૧૧નો અંદાજ છે કે આજે ૮૫ અબજ ડોલરની બજાર છે. આમાંથી ૮૪ અબજ ડોલર દાણચોરો ભ્રષ્ટ પોલીસ અને ભ્રષ્ટ સરકારને મળે છે. બાકીના એક અબજ ડોલર કોકાના ખેડૂતોને મળે છે. બ્રિટિશ પત્રકાર ટ્રેસ મેકવે કહે છે કે બ્રિટનના ડોક્ટરો અને વકીલો તેમજ ૧૫ ટકા નર્સો વ્યસની છે.