યંગબ્લડને નિરુત્સાહિત કરવાનું પાપ ૧૯મી સદીથી ૨૧મી સદીમાં આજેય ચાલુ છે. યુરોપમાં હવે યુવાનોને પોલિટિકલ એક્ટિવિટીમાં સામેલ કરાય છે. ૧૮થી ૨૫ વર્ષના યુવાનોને નવી નવી પોલિટિકલ અને કલ્ચરલ જવાબદારી સોંપાય છે.
સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ જુવાનિયો ગ્રામ પંચાયતનો સરપંચ થવા જાય કે મોટી જવાબદારી લેવા તૈયાર થાય તો ગલઢેરો તુરંત બોલતા ‘અમે કાંઈ છોકરાંઉંથી છાશ્યું પીવાય નહીં.’ એટલે કે છોકરાં માત્ર દૂધ પી શકે, છાશ ખાટી હોય ઉર્ફે ખાટા સંયોગોને જુવાનિયા ઉકેલી ન શકે! ઉપરાંત ટોણો મરાતો ‘દીકરા -દીકરા મોટો થા પછી પરણાવશું.’ અથૉત્ હજી તે જવાબદારી સંભાળી શકે તેવો નથી. યંગબ્લડને આ પ્રકારે નિરુત્સાહિત રાખવાનું પાપ ૧૯મી સદીથી ૨૧મી સદીમાં આજેય ચાલુ છે.
છેલ્લાં એક વરસથી રાહુલ ગાંધી નહેરુદાદા,ઇન્દિરાદાદી અને પિતાનો વારસ લેવા પૂરતો સક્ષમ છે છતાં આપણા રાજકીય વિદ્વાનો અને લેખકો ધોકો ને ધડકી લઈને રાહુલની શક્તિ કરતાં એની અશક્તિ વિશે વધુ ખાતરી રાખે છે અને રાહુલને એકાંતરે ટીપી નાંખે છે. કોઈ પણ યુવાનની અશક્તિ વિષે છાતી ઠોકવી તેને હું મોટું પાપ ગણું છું.
લંડનનું ‘ટેલિગ્રાફ’, ‘ગાર્ડિયન’, ‘ટાઈમ્સ’ અને ન્યુયોર્કનું ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ એ તમામ વિદેશના દૈનિકો પણ એકાંતરે રાહુલ ગાંધીને ભાવિ વડાપ્રધાન તરીકે યોગ્ય ગણી તેની પર્સનાલિટીનાં વખાણ કરે છે પણ આપણા દેશી લેખકો જાણે રાહુલના તલમાં કોઈ તેલ જ જોતા નથી. માત્ર રાહુલ માટે નહીં પણ બિઝનેસમાં કે સામાજિક સમસ્યામાં આજે ૫ણ વડીલો આપણા ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ કે એમ.બી.એ. થયેલાં યુવક-યુવતીને તેના જીવનસાથી શોધવાની પણ જોઈએ તેટલી સ્વતંત્રતા આપતા નથી. તેથી આ દેશ જે ઝડપથી આગળ વધવો જોઈએ તે રીતે વધતો નથી.
ધીરુભાઈ અંબાણીએ અનેક ધંધામાં હાથ નાખ્યા હતા અને પાતાળગંગાનો પ્લોટ મુસીબતમાં આવ્યો ત્યારે હજી કોલેજમાં ભણતા અનિલ અંબાણીએ મામલો સંભાળી લીધેલો. ધીરુભાઈના દેહાંત પછી બંને દીકરાએ યુવાન વયમાં પ્રગતિ સાધી છે. તમારી કામવાળી શાકભાજી લેવા જાય તોય મુકેશનું નામ જાણે છે. કિંગ ફિશરના વિજય માલ્યાએ તો ૨૬ની ઉંમરે પિતાનો અબજોનો કારોબાર સંભાળેલો. આવા સંખ્યાબંધ નામો આપી શકાય પણ રાજકારણ માટે ભૂતકાળમાં બહુ જ આઘેરું જવું પડે. અખબારી જગતમાં તો વૃદ્ધ પિતાએ લોહી-પાણી એક કરીને અખબારો શરૂ કર્યા હોય તે અમદાવાદથી ભોપાલ સુધી તેની યંગ જનરેશને સંભાળ્યાં છે.
રૂપર્ટ મુરડોક હજી જીવતો છે અને થોડો બદનામ થયો પણ તેનો જુવાન પુત્ર જેમ્સ મુરડોકે જુવાનવયે પિતાનું અખબારી સામ્રાજ્ય સંભાળ્યું છે. પિતાનાં બીજાં આર્થિંક લફરાં સંભાળ્યાં છે, સફળતાપૂર્વક. રાજકીય કારોબાર ભારતનાં ૬૧૪ રજવાડાંના તમામ રાજકુંવરો યુવાન વયે સંભાળી લેતા ભાવસિંહજી મહારાજનો કારોબાર અમારા ભાવનગરના જુવાન કુંવર કૃષ્ણકુમારસિંહજીએ સંભાળેલો. અને યાદ રહે કે જો કૃષ્ણકુમારજીને સરપ્રભાશંકર પટ્ટણી જેવા દીવાન મળી જાય તેમ જ ભાવસિંહજી કરતાં સવાયું કુશળ તંત્ર ચલાવે તો જો સોનિયાના નેજા હેઠળ ડૉ..મનમોહનસિંહ જેવા અર્થશાસ્ત્રી મળી જાય તો રાહુલને પણ કોઈ ૨૧મી સદીના ‘પટ્ટણી’ મળી જ જશે. રાહુલ આજે દેશમાં તેનું નામ ગજવવામાં સફળ થયો છે. તે ય ઘણું છે.
રોમન પોલિટિશિયન માર્ક એન્થનીએ જુલિયસ સીઝરના ખૂન પછી ખૂબ જુવાનવયે રોમનો કારોબાર સંભાળેલો. એલેકઝાન્ડર ધ ગ્રેટ મેસેડોનિયાનો અને પિર્શયન કિંગડ્મનો શહેનશાહ હતો. ૧૩ની ટીનેજર વયે એલેકઝાન્ડરના પિતાએ મહાન ફિલસૂફ અને રાજ્યશાસ્ત્રના વિદ્વાન એરિસ્ટોટલ પાસે સિંકદરને તાલીમ લેવડાવેલી. ત્રણ વર્ષમાં જ સોળની વયે તે તમામ રાજકારણની ટ્રીકો જ નહીં પણ સાહિત્ય પણ સિંકદર સર કરી ગયો. ૧૬ની વયે જ રાજા ફિલિપે પુત્ર સિંકદરને મેસેડોનિયાનું રાજતંત્ર સોંપેલું. જુલિયસ સીઝરે પણ રોમના રાજકારણને ચારે કોર કાવતરાંમાં અટવાયેલું જોયું ત્યારે પંદરની વયે રાજકીય કારકિર્દીમાં ઝંપલાવેલું.
‘ઇસ્લામ’ શબ્દથી જ જો તમે ભડકતા ન હો, તો કહું કે ઇસ્લામિક પાર્ટી ઓફ બ્રિટને તેનો મુખ્ય એજન્ડા એ રાખ્યો છે કે ‘આપણા ઇસ્લામીઓએ સેક્યુલર સમાજને પ્રોત્સાહન આપવું હોય તો યંગ બ્લડને જવાબદારી સોંપવી પડશે. (જુઓ ઇન્ટરનેટ પર ઇસ્લામિક પાર્ટી ડોટકોમ). હિટલરે પોતાની સત્તાને પાવરફુલ બનાવવા શરૂમાં જુવાનિયાનો જ સાથ લીધેલો. ૧૦થી ૧૪ વર્ષના જુવાનિયાઓ ‘હિટલર જુગેન્ડ’ના (હિટલર યુથ) સભ્યો હતા એટલું જ નહીં ૧૦થી ૧૪ વર્ષની છોકરીઓ પણ ‘લીગ ઓફ જર્મન ગર્લ્સ’ની હિટલરની સંસ્થાની સભ્ય હતી જે જુંગમાડેલ તરીકે ઓળખાતી.
રાજકીય કટાર લેખક રાશેલ બ્રુકસ લખે છે કે યુરોપમાં હવે યુવાનોને પોલિટિકલ એક્ટિવિટીમાં સામેલ કરાય છે. ૧૮થી ૨૫ વર્ષના યુવાનોને નવી નવી પોલિટિકલ અને કલ્ચરલ જવાબદારી સોંપાય છે. જાન્યુઆરી ૨૦૧૧માં ચીન અને યુરોપના વિદ્વાનોની પરિષદ મળેલી. તેનું નામ હતું ‘એક્સેસ ઓફ યંગ પીપલ ટુ કલ્ચર એન્ડ ક્રિયેટિવિટી.’ આ કલ્ચરમાં રાજકારણ આવી જતું હતું.
ગુજરાતમાં જ્યાં નરેન્દ્ર મોદી સિવાય જાણે આખું યૌવનબળ મરી પરવાયું છે તેમ બીજા કોઈને આપણે જોતાં નથી! અને પાંચ હજાર માઈલ દૂરના રાહુલ ગાંધીના ઉછેર, તેણે જોયેલી કુટુંબની હિંસાઓ, તેણે મેળવેલી દેશ- પરદેશની ડિગ્રી એ તમામને ઉવેખીને આપણા રાજકારણીઓ કે કટાર લેખકો રાહુલને ૪૧ની વયે પણ હજી બાળક જ સમજે છે! અમેરિકાના ઓરેગોન રાજ્યમાં ક્રિશ્વિયન કોમ્યુનિટી પ્લેસમેન્ટ સેન્ટર છે તે યુવાનોને રાજકીય જવાબદારી સોંપવાની તાલીમ આપે છે.
ગુજરાતમાં આવી કોઈ સંસ્થાની ગેરહાજરી કે તેની મોટી હાજરીની ચિંતા કર્યા વગર આપણે માત્ર રાહુલે બિચારાએ શું યે ગધેડી પકડી છે કે વારતહેવારે રાહુલને ઠમઠોરી નાખીએ છીએ. કેટલી બધી વખત ફેલ ગયા છે તો મારા કલમવીર દાદાઓ, જુવાનોને ફેલ જવાની એકાદવાર તો છુટ આપો. દાદાજીઓ તમને તો દાદામહોએ લગ્નમાં લાકડે માંકડુ વળગાડ્યું પણ હવે ૨૧મી સદીમાં અમને તો મનપસંદ જીવનસાથી શોધવાની છૂટ આપો.