ટુજી સ્પેકટ્રમની વાત હોય કે ગુજરાતનું લોકઆયુક્ત પ્રકરણ : પ્રશાંત ભૂષણ બેઉ મોરચે સક્રિય છે
એમાં કોઈ શક નથી કે ચિદમ્બરમને સારુ (અને એથી કેન્દ્ર સરકારને સારુ)શનિવાર હાશકારાનો બની રહ્યો, કેમ કે સીબીઆઈની ખાસ અદાલતે એમની ટુજી સ્પેકટ્રમ પ્રકરણમાં જેલગત એ.રાજા સાથે ‘પાર્ટનર ઇન ક્રાઈમ’ લેખ્યા નથી. બાકી, રાજ્યોમાં ચાલુ ચૂંટણી જંગે કેન્દ્ર સરકારના ગૃહપ્રધાને ઘેર બેસવાનું આવ્યું હોત તો એનો મનોવૈજ્ઞાનિક માર ખાસો વાગ્યો હોત.
અલબત્ત,‘મેન ઓફ ધ સિરીઝ’લેખે ઉભરેલા સુબ્રમણ્યમ સ્વામી હજુ અપીલમાં જવા ધારે છે. ઉપલી અદાલત શું કહે છે એની આપણે આતુરતાથી રાહ જોઈશું. પણ શ્રેણીપુરુષ સ્વામીને અને આપણ સહુને સ્પેકટ્રમ ચુકાદા થકી અંકે થયેલી બે મોટી વાતનો મહિમા વસવો ઘટે છે. એક તો, નાગરિક ભ્રષ્ટાચારને મુદ્દે તથાકથિત ‘પબ્લિક સર્વન્ટ’ સામે અદાલતમાં જઈ શકે છે. બીજું, સરકારો જ્યારે સ્પેકટ્રમ જેવી મોટી વેચણી અને વહેંચણી કરવાની હોય ત્યારે એ પદ્ધતિ વધુમાં વધુ પારદર્શક હોવી જોઈએ. ધોરણસરનું રાજ ચાલે, સુશાસન કહેતાં‘ગવર્નન્સ’ કાયમ થાય એ દિશામાં આ જરૂર વિરાટ ગુંજાશ ધરાવતાં વામન પગલાં છે.
ટીમ અણ્ણા આજકાલ ક્યાં છે અને શું કરે છે એવા સવાલો કંઈક જિજ્ઞાસાથી અને સવિશેષ તો ટીકાત્મક રીતે આ દિવસોમાં પુછાતા રહ્યા છે. એનો એક ઉત્તર આ પ્રકરણમાંથી મળે છે અને તે એ કે સુબ્રમણ્યમ સ્વામીના મહદ્ પ્રયાસની જોડાજોડ પ્રશાંત ભૂષણ પણ ઠંડી તાકાતથી આની પાછળ લાગેલા હતા. સુશાસન અને કાયદાના શાસન માટેની આ જ લગતે પ્રશાંત ભૂષણને ગુજરાતના લોકઆયુકત મામલામાં સર્વોચ્ચ અદાલત લગી પહોંચેલી રાજ્ય સરકારને એ મોરચે પણ પડકારવા પ્રેર્યા છે. હિસારમાં કંઈક કાચું કપાયાની છાપ આપ્યા પછી, ભ્રષ્ટાચાર બાબતે પક્ષનિરપેક્ષ જદ્દોજહદનું આ આચ્છું ઉદાહરણ છે.
ખરું જોતાં, પ્રજાકીય છેડેથી આપણા એકંદર રાજનીતિવિધાનની દ્રષ્ટિએ અહીં એક વ્યાપક ભૂમિકાએ વિચારવાપણું છે. બે મોટાં સંસ્થા-પ્રતિષ્ઠાનો (એમની મર્યાદાઓ બેલાશક ચર્ચાતીત નથી, તે છતાં) અંશત:પણ શ્રદ્ધાભાજન લેખે ઉભર્યા છે. હાઈકોર્ટમાં ઠેકાણું ન પડ્યું અને સ્વામી સુપ્રીમ કોર્ટમાં ગયા...છેવટે વાત બની. આ બધો સમય મીડિયાએ પડને એવું તો ગાજતું રાખ્યું કે ધીરે ધીરે વિગતો ખૂલતી ગઈ અને છટકબારીઓ બિડાતી ગઈ. આપણે અદાલત અને અખબારી આલમના ઓશિંગણ અવશ્ય છીએ.
પણ સમગ્ર ચર્ચાને જો આપણે શાસન અને આ બે સંસ્થાઓમાં સીમિત કરીને ચાલીશું તો એ ન તો સમ્યક્ આકલન લેખાશે, ન સમગ્ર દર્શન. આજે ભલે એ વિંખાયેલો-વખિરાયેલો લાગે, પણ ર૦૧૧ના વરસભરમાં જંતરમંતર વાયા તહરીરની તરજ ઉપર જે જનમતનું ગઠન અને ઉધ્યુક્તિ જારી રહ્યાં એણે નવો માહોલ બનાવવામાં પાયાનું પ્રદાન કર્યું છે. સિવિલ સોસાયટી કઈ બલાનું નામ છે અને ’લ્યા નાગરિક તારું શું લોકસ સ્ટ‹ન્ડાઈ છે તે પૂછવાની હવે કોઈ હિમ્મત નહીં કરે.
લોકમત અને લોકઆંદોલનના આ ત્રીજા પરિમાણની અસાધારણ ગુંજાશ આપણે ૧૯૭૭માં જનતા પર્વની પ્રતિષ્ઠા રૂપે એ જ રાહે ૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપસિંહનો પથ પ્રશસ્ત કર્યો હતો. બેસતે બે હજાર બારે શરૂ થયેલો રાજ્યોની ચૂંટણીનો દોર, ચાલુ વરસ ઉતરતે ગુજરાતનું નાકું ઘટી ૨૦૧૩માં આગળ ચાલશે, અને ર૦૧૪માં તો લોકસભાની ચૂંટણી છે જ, જો ગઠિત લોકમત સુશાસનના મુદ્દે અને મોરચે મતદાનની હવા બનાવે તો કોઇ કારણ નથી કે આપણે નિ:શાસન અને દુ:શાસનના બોગદાની પેલી મેર ન જઈ શકીએ. ર૦૧૧ના છેક છેલ્લા મહિનાઓમાં અણ્ણાના આંદોલનની ગાડી પાટીએથી ન ઉતરી ગઈ હોત તો આજે રાજ્યોની ચૂંટણીમાં સંખ્યાબંધ ભળતીસળતી વાતોને બદલે ભ્રષ્ટાચાર અને સુશાસન મુખ્ય મુદ્દારૂપે ઉભર્યા હોત. તેમ છતાં વ્યક્તિગત લોકપ્રિયતામાં આજની તારીખે ટોચના રાજકારણીઓ કરતાં અણ્ણા આગળ છે તે તાજું સર્વેક્ષણ દર્શાવે છે તેમ તૂટેલો તાંતણો સંધાય તો બહુ મોડું થયું નથી.
જ્યાં સુધી કેન્દ્ર સરકારનો સવાલ છે, સ્વામીની સર્વોચ્ચ અદાલત સમક્ષની અપીલ જ્યારે પણ દાખલ થાય અને જે પણ પરિણામ આવે, યુપીએ માટે પોતાના ધોવાણને ખાળવામાં ઠીકઠીક મોડું થયા છતાં પ્રધાનમંડળની સહિયારી જવાબદારીનું ચોક્કસ ધોરણ ઊભું કરવાની તક અને તકાજો બેઉ ભીંત પરના અક્ષરની જેમ સાફ છે. એનડીએ કાળથી, જંબો પ્રધામંડળની અનિવાર્યતા વચ્ચે જે તે બાબતે બે-પાંચ પ્રધાનોના કાર્યજૂથ (જી-ઓ-એમ)નો સિલિસિલો ચાલુ થયો તે યુપીએનાં સાત વરસમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને ‘એમ’ નહીં પણ ‘પેલા’ જાણેની ઢબે રણીધણી વગરનો રાબેતો રંગમાં મહાલે છે. બેશક, આ સુશાસનની રીત નથી.
ગમે તેમ પણ, સંસ્થાબાંધણી સાથે અને છતાં જાગરુક નાગરિક સમાજ અને લોકઆંદોલનનો કોઈ અવેજ નથી એ સમજ બે હજાર બાર બેસતે બોણી બરોબર લેખાશે.
મહદ્ લબ્ધિ:
હવે કોઈ નહીં પૂછે કે નાગરિક તારું લોકસ સ્ટ‹ન્ડાઈ શું છે અને સિવિલ સોસાયટી કઈ બલાનું નામ છે
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.