રમણિય સાગર કિનારા સાથે આ મંદિરનું મિલન થતું હોવાથી ફક્ત ધાર્મિક લોકોનો જ નહીં ફરવાના આશયથી આવેલા પ્રવાસીઓની પણ અહીં અવરજવર રહે છે. ખાસ કરીને પ્રકૃતિપ્રેમી વ્યક્તિઓ અહીંના માહોલને માણવા આવતા રહે છે.
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા નયનરમ્ય નારાયણ સરોવરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું કોટેશ્વર મંદિર એકાંતપ્રિય વ્યક્તિઓ માટેનું ઉત્તમ ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળ છે. દરિયાકાંઠે આવેલું હોવાથી તેમાં પ્રાકૃતિક સુંદરતાનો ઉમેરો થાય છે અને તેથીજ અનેક પ્રવાસીઓને તે પોતાની તરફ આકર્ષે છે. જો તમે પશ્વિમ કચ્છની મુલાકાતે હોવ તો આ ધાર્મિક સ્થળની મુલાકાત તો લેવી જ રહી. કારણ કે કચ્છની સૂકી ભઠ્ઠ જમીનને જોયા પછી દરિયાને અથડાતા આ મંદિરને જોવાનો લ્હાવો અનેરો છે.
કોટેશ્વર મંદિરને પશ્વિમ ભારતના છેવાડાના ભાગનો અંતિમ પડાવ માનવામાં આવે છે. મહાદેવના આ મંદિર સાથે આપણા દરેક પ્રાચિન મંદિરોની જેમ ઐતિહાસિક કથા જોડાયેલી છે. કહેવાય છે કે રાવણને તેની સખત તપસ્યાના ફળ સ્વરુપે ભગવાન શંકરે વરદાન આપ્યું હતું. આધ્યાત્મિક શક્તિ ધરાવતું તે વરદાન શિવલિંગના કોઇ સ્વરુપમાં હતું. પણ અહંકારી રાવણે શિવલિંગને જમીન પર મૂકી દીધું જે હાલના કોટેશ્વર મંદિરની જમીન પર પડ્યું.
રાવણને તેની આ ભૂલના પરિણામે અસંખ્ય શિવલિંગો સર્જવા પડ્યાં. દરમિયાન મૂળ શિવલિંગને તે ઓળખી ન શક્યો અને એક શિવલિંગ ઉઠાવી ચાલવા લાગ્યો. જે મૂળ શિવલિંગ ત્યાં બાકી રહ્યું ત્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.
રમણિય સાગર કિનારા સાથે આ મંદિરનું મિલન થતું હોવાથી ફક્ત ધાર્મિક લોકોનો જ નહીં ફરવાના આશયથી આવેલા પ્રવાસીઓની પણ અહીં અવરજવર રહે છે. ખાસ કરીને પ્રકૃતિપ્રેમી વ્યક્તિઓ અહીંના માહોલને માણવા આવતા રહે છે. અહીંથી ઉત્તર-પશ્વિમની ક્ષિતિજે આવેલા પાકિસ્તાનના કરાંચીમાં થતા પ્રકાશને પણ નિહાળી શકાય છે.
અહીં આવવા માટે જાહેર પરિવહનની બસો દિવસમાં બે સમયે મળી શકે છે, સવારે અને સાંજે. અલબત અહીં રહેવા ખાવાની સુવિધા નથી. પ્રાવાસીઓને આ સુવિધા મેળવવા માટે નારાયણ સરોવર પહોંચવું પડે છે.