આજની પળે, જયારે દેશ, સમાજ અને લોકતંત્ર માટે પ્રભાવી નૈતિક માહોલનો અભાવ વરતાય છે ત્યારે થોડાક દિવસ પછી આવતી ત્રેવીસમી માર્ચનો ફાંસીનો તખતો અને ચપટી મીઠું: બે મોટી ઘટનાઓને તરાશવા જેવી નથી? આ બધાંમાં કેટલાંકના નામો હિન્દુસ્તાની હવામાં ફેલાઈ ગયાંને એંસી વર્ષ વીતી ગયાં! સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, ચંદ્રશેખર આઝાદ, જયદેવ કપૂર, શિવ વર્મા, કિશોરીલાલ, કુન્દનલાલ, પ્રેમદત્ત, માસ્ટર આશારામ.
૨૩મી માર્ચ આવે છે અને આ બધાં સ્થાનો ઇતિહાસનાં પાનાં પરથી રસ્તા પર આવીને આપણા દિલોદિમાગ પર છવાઈ જાય છે. દિલ્હીની એસેમ્બલી, કાકોરીનું રેલવેસ્ટેશન, અલ્હાબાદનો ઉધાન, લખનૌની અદાલત, જલિયાંવાલા બાગની દીવાલો, ફિરોઝપુર, રાવી નદીનો કિનારો, લાહોરનું કારાગાર...અને તેની જુગલબંદીમાં થોડાંક વર્ષોપહેલાંની ઐતિહાસકિ ઘટનાઓ, જેને માંડ એંસી વર્ષ થયાં છે: ઇન્કિલાબ ઝિંદાબાદનો નારો અચાનક ગાજતો-ગરજતો થયો હતો, જેલોની તોતિંગ બેરેકોમાંથી સિંહનાદ સંભળાયો હતો, દીવાલો પર પોસ્ર્ટસ અને એસેમ્બલીમાં ચર્ચાઓ- લખનૌની એ અદાલત-જયાં રોજબરોજ તથાકથિત રાજદ્રોહના એક પછી એક ષડ્યંત્રોની કાર્યવાહી ચાલુ રહેતી. દેશના તરુણોના એ પ્રિય નાયકો બની ગયા હતા.
કોણ હતા તે બધા? સાવ છોકરડા જેવા બલિદાનીઓ! ના, તેઓ સભા ગજવતા નેતાઓ નહોતા. સાવ સામાન્ય ઘરોમાંથી તેઓ અભ્યાસ કરતાં કરતાં બહાર નીકળ્યા ત્યારે તેમની પાસે વારસદારીમાં મળેલા નાણાં પણ નહોતાં. એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમને સંતાવું પડતું. કેટલાકે પોતાનાં ઘરબાર પણ છોડી દીધાં હતાં. ભણતર અધૂરું મૂકયું.
સરકારી અફસર બનવાના મા-બાપનાં સપનાં પર પાણી ફેરવીને જે રસ્તે નીકળ્યા તે સુવિધાથી સાવ બીજા છેડાનો રસ્તો હતો- ખુવારીનો....પણ ખુવારી અને ખુમારીએ તેમને જીવંત બનાવી દીધા, ઇન્કિલાબી બનાવ્યા, ભૂગર્ભવાસના બંદા થયા, પરાક્રમો કર્યાં- સામ્રાજયવાદી સરકારના ‘બહેરા કાને’ અવાજ સંભળાવવા એસેમ્બલીમાં જઈને બા"મ્બ ફેંકયા, પત્રિકાઓ પાથરી અને બડી શાનસે પ્રેક્ષક દીઘાર્માં ઊભા રહીને નારા પોકાર્યા: સામ્રાજયવાદ કા નાશ હો! ઇન્કિલાબ ઝિંદાબાદ! પછી પોલીસે આવીને ધરપકડ કરી. ભાગી જવા માટે તો તેઓ આવ્યા નહોતા.
પકડાઈ ગયા પછી આ ક્રાંતિકારોની જિંદગી સાવ નવા પડાવે આવીને પડકારો ઝીલતી. તેમને ફટકા મારવામાં આવે, ભૂખ્યા રાખવામાં આવે, નવા નવા આરોપો અને એક પછી એક ઉમેરાતી કાનૂની કલમો. ધારાશાસ્ત્રીઓ કાનૂની ચોપડા ઊથલાવીને સાબિત કરવા મથે: ‘આ બધાએ એકઠા થઈને ભારતની નામદાર બ્રિટિશ સરકારને ઊથલાવવાનું, તેની સામે ષડ્યંત્ર કરવાનું અને વિસ્ફોટક સામગ્રી રાખવાનું- ઉપયોગ કરવાનું રાજદ્રોહી વર્તન કર્યું છે...આરોપીઓના ચહેરા પર આ દલીલો સાંભળ્યા પછી પણ હાસ્ય જ પ્રકટ થતું.
તેઓ એકાદ બંગાળી નવલકથાના લેખકની પ્રસ્તાવનાનું એક જ વાકય પેશ કરતા: ‘આ એક એવા દેશની કરુણ છતાં મધુર કહાણી છે, જયાં સ્વાધીનતાને ચાહવાનો અર્થ એક જ છે- ફાંસીનો ગાળિયો યા તોપના ગોળે શહીદ થવું!’ કોણે કહ્યું હતું આવું? તો ન્યાયમૂર્તિના સવાલ પર હસીને તેઓ કહેતા: સાહેબ, ‘વન્દેમાતરમ્!’ નારો સાંભળ્યો છે કયારેય? વન્દેમાતરમ્ બોલનાર પર જાહેરમાં પોલીસ ફટકા મારતી એ દિવસોનું સ્મરણ છે? ફૂટડો તરુણ ખુદીરામ હાથમાં ગીતા અને હોઠ પર વન્દેમાતરમ્ ગાતાં ફાંસીના માચડે ચડી ગયો હતો તેની જાણ છે તમને?
પછી તો તે બધા જ બધા- મુક્તિ માટેના સંગ્રામના રસ્તે છેલ્લા મુકામે- આવીને ઊભા. મોટા ભાગનાને ફાંસી. બીજા કેટલાકને જનમટીપ. કેટલાકને આઠથી દસ વર્ષ... જેને સજા સંભળાવી શકાય તેમ નહોતી તેવો એક યુવક તો જેલની બેરેકમાં જ ત્રેસઠ દિવસના અનશન પછી આંખો મીચી ગયો હતો, નામ તેનું જતીન દાસ! દુનિયાભરના મુકિતસંગ્રામમાં સૌથી વધુ અનશન કરીને મોતને ભેટનારો ખરો સત્યાગ્રહી! આ બધાંમાંથી કેટલાંકના નામો હિન્દુસ્તાની હવામાં ફેલાઈ ગયાંને એંસી વર્ષ વીતી ગયાં! સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, ચંદ્રશેખર આઝાદ, કમલનાથ તિવારી, વિજય સિંહા, જયદેવ કપૂર, શિવ વર્મા, ગયાપ્રસાદ, કિશોરીલાલ, મહાવીરસિંહ, કુન્દનલાલ, પ્રેમદત્ત, માસ્ટર આશારામ...
...અરે થોભો. એક વધુ નામ ઉમેરવાનું રહી ગયું તે ભગવતીચરણ વોરા અને દુર્ગાભાભી! તેમના પિતામહ આપણા ગુજરાતના વડનગરમાં રહેતા હતા. નાગર બ્રાહ્મણ હતા, પછી લાહોર પહોંચ્યા. તેઓ સરદાર ભગતસિંહના પ્રિય સાથી હતા અને નૌજવાન ભારતસભાના ‘થિન્ક ટેક’ પણ ખરા! અભ્યાસી આત્મા. સંગઠનનું કૌશલ્ય. બોલે ઓછું પણ જેટલું કહે એટલું વજનદાર હોય. ગુજરાતી હોવાના નાતે ક્રાંતિમંડળીમાં સહુના ‘ભાઈ’ હતા, અને તેમનાં પત્ની દુર્ગાદેવી વોરા, ‘ભાભીજી!’ તેમની પાસે ક્રાંતિનું તત્ત્વજ્ઞાન હતું.
તે દિવસોમાં બોમ્બ અને હિંસાના રસ્તે આઝાદી માટેની ક્રાંતિનો રસ્તો અપનાવ્યો તે બધાને માટે ‘માથાફરેલા’ શબ્દ પ્રચલિત હતો. એવા મહાનુભાવોને જવાબ આપવા તેમણે લખેલો લેખ ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’માં છપાયો તેનું શીર્ષક હતું: બોમ્બનું તત્ત્વજ્ઞાન!’ એકવીસમી સદીમાં કેવળ સાંપ્રદાયિક ઝનૂન માટે ભાડૂતી જેહાદીઓ પાસેથી મળતા બા"મ્બ કરતા આઝાદી પૂર્વેના બોમ્બ- નાયકોની ફિલસૂફી તદ્દન જુદી હતી.
ભગવતીચરણ લાહોરની નદીના કાંઠે બોમ્બ બનાવતા ઘાયલ થઈને મૃત્યુ પામ્યા. ભગતસિંહ અને સાથીઓને કારાગારમાંથી છુટકારો અપાવવા માટે તેનો પ્રયોગ થવાનો હતો. પછીથી દુર્ગાભાભીએ પ્રિય પતિના બલિદાનની રાખ માથે ચઢાવીને કામ કરતાં રહ્યાં...૨૩મી માર્ચની વસંતનો સૂર્ય ઊગે ત્યારે એક ગીતપંકિત અચૂક યાદ આવે તે- ‘મેરા રંગ દે બસંતી ચોલા...’