ધી ગુજરાત બિઝનેસ એસોસીએશન કેનેડામાં ગુજરાતના સ્થાપના દિનના 50 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે ટોરન્ટોમાં ઉજવણી કરશે. આ ઉજવણીમાં ગુજરાતી ફિલ્મસ્ટાર અને આર્ટિસ્ટો હાજરી આપશે.
કેનેડાના ટોરેન્ટ કૉંગ્રેસ સેન્ટરમાં મે 8 અને 9, 2010ના રોજ બે દિવસ ઉજવણી કરાશે. કેનેડાની ગુજરાતી કોમ્યુનિટી ગુજરાતના ટુરિઝમને વેગ આપવા માટે આ ઉજવણી કરશે. આ અંગે ગુજરાત બિઝનેસ એસોસીએશનના પ્રમુખ મુકુંદ પુરોહિતે કહ્યું કે, "ગુજરાતના મેડિકલ ટુરિઝમ અને બિઝનેસ ટુરિઝમ તેમજ રજાઓમાં ગુજરાતની મુલાકાત લે તે માટે અમે નોન ગુજરાતીઓને મોટીવેટ કરીશું."
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ટોરેન્ટોમાં બોલિવૂડના કલાકાર પરેશ રાવલ, આશા પારેખ, ફિલ્મ ડિરેકટર સંજય લીલા ભણસાલી, ગાયક કલાકાર શ્યામલ-સૌમિલ મુન્શી, મનહર ઉદાસ અને ક્રિકેટર ઇરફાન પઠાણ હાજર રહેશે.
પુરોહિતે વધુમાં કહ્યું કે "આઇટી, પાવર અને વોટર પ્યુરિફિકેશન જેવા અન્ય સેકટરોમાં કેનેડાના લોકો ગુજરાતમાં રોકાણ કરે તેના માટે અમે લોકોને આકર્ષીશું." આ એસોસીએશનને અત્યાર સુધીમાં ગુજરાત વિશ્વ પ્રતિભ એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ અને પ્રાઉડ કેનેડિયન ગુજરાતી એવોર્ડ પ્રાપ્ત થયો છે.
*