Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Manilal M Patel
 

દાંડીકૂચ, મહિલાઓની આગેકૂચ

 
Source: Manilal M Patel   |   Last Updated 12:39 AM [IST](12/03/2010)
 
 
 
 
 
મહિલા અનામતથી સ્ત્રીઓ રાજનીતિ તરફ વધુ લલચાશે અને રાજકીય પક્ષો પણ પોતાના સ્વાર્થ માટે તેમને વધુ લોભાવશે, લલચાવશે, પ્રેરશે કે પ્રોત્સાહિત કરશે. જેમાં બહેનોના શોષણની પ્રક્રિયા વધશે નહીં તેમ કહેવું કપરું છે. રાજકારણમાં પરિવારવાદમાં ભાઈ,પુત્ર,જમાઈની બોલબાલા હતી હવે પત્ની, પુત્રી અને પુત્રવધૂવાદ વધશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતો છે છતાં મોટા પાયે પતિઅનામત જેવી સ્થિતિ આજેય પ્રવર્તે છે.

૧૨માર્ચ-૧૯૩૦ના રોજ આજથી ૮૦ વર્ષ પૂર્વે હવે તો ભગવાન ઉપાડી લે તો સારું એમ લોકો કહેવા લાગે તેવી અને મોક્ષ મેળવવાની તાલાવેલી લાગે એવી ૬૧ વર્ષની જૈફ વયે બ્રિટિશ સરકારે નાખેલા મીઠા પરના વેરા સામે મહાત્મા ગાંધીએ સાબરમતી હરિજન આશ્રમથી ૨૪૧ માઈલની દાંડીકૂચનો ૫૪ ઇંચની લાંબી ૧ ઇંચ જાડી લાકડી અને પોતાની મજબૂત બે પગની ગાડીને સહારે આરંભ કરીને જેનો સૂર્ય કદીએ આથમતો નથી તેવું જેના માટે કહેવાતું તેવા બ્રિટિશ સામ્રાજયના પાયાને લૂણો લગાડ્યો હતો.

ગાંધીએ પસંદ કરેલા ૮૧ દાંડીયાત્રીઓમાં એક પણ મહિલા નહતી તેની સ્પષ્ટતા કરતાં ગાંધીએ કહ્યું હતું કે સ્ત્રીઓને આગળ ધરીને પોલીસના સંકટમાંથી બચવાની વૃત્તિ ન દેખાય એટલે બહેનોને સાથે રાખી નથી. દાંડીની ઐતિહાસિક ધર્મયાત્રાને ૮૦ વર્ષ થયાં તેના ત્રણેક દિવસ પહેલાં ૯મી માર્ચ-૨૦૧૦ના રોજ બહેનોની દિલ્હી આગેકૂચ થાય તેવું મહિલા અનામતનું બિલ ૧૩ વર્ષની વેદનાપૂર્ણ કસુવાવડની યાતનાઓ પછી સુર્વાનુમતે નહીં પણ બહુમતીરૂપી સિજેરિયનથી પસાર થયું!

બહેનોના હિત કરતાં આ મુદ્દે રાજકીય લાભ ખાટવાની તમામ પક્ષોની લાલસાને કારણે ૮મીએ મહિલા દિને બિલ પસાર કરીને ઇતિહાસ રચવાનો હતો તેને બદલે રાજયસભામાં બિલના ફુરચા બોલાવીને અઘ્યક્ષ પર ફેંકીને એક નવા જ પ્રકારનો ઇતિહાસ રચાયો. આજે બહેનોને અનામત કરતાં મોંઘવારી ઘટાડવાની વધુ ચિંતા છે.

ઘરની રાણી તે છે અને ઘર ચલાવવાની જવાબદારી તેની હોવાથી તે સૌથી વધુ પીસાય- પીડાય છે. ગાંધીએ મીઠા જેવી પાયાની સામાન્ય રોજિંદી ચીજ માટે સત્યાગ્રહ કર્યો હતો પણ દુર્ભાગ્યે મોંઘવારી મુદ્દે લાંબા સમય બાદ સંગિઠત થયેલો વિપક્ષ મહિલા અનામતના મુદ્દે વિભાજિત થયો અને મોંઘવારીના મુદ્દેથી પ્રજાનું ઘ્યાન બીજે હટાવવાની રાજનીતિ સફળ રહી. આમ છતાં સત્તા અને વિપક્ષ આતંકવાદ, નકસલવાદ, મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા, બેકારી અને મંદિર-મસ્જિદ જેવા સળગતા પાયાના પ્રશ્નો અંગે વ્યાપક લોકહિતમાં આવું સહયોગી ને સકારાત્મક વલણ અપનાવશે તો લોકશાહી વધુ સુદ્રઢ અને લોકલક્ષી બની શકશે.

ગાંધીના સમયે મહિલા અનામતનો મુદ્દો ન હતો. ગાંધી મહિલા વિકાસ અને સ્ત્રી કેળવણીના પ્રખર હિમાયતી હતા છતાં સ્ત્રી-પુરુષના કાર્યક્ષેત્ર વિશેના ગાંધીના વિચારો મહિલા અનામત માટેની ઢગલાબંધ શુભેરછાઓ વચ્ચે પણ સાવ નજરઅંદાજ કરવા જેવા કે કોરાણે મૂકવા જેવા પણ નથી.

ગાંધીએ ૩-૧૨-૧૯૨૯ના હરિજન બંધુમાં નોંઘ્યું છે કે ‘સ્ત્રી-પુરુષ બંને એકબીજાની અવેજી થવા નહીં પણ પૂરક થવા સર્જાયા છે. તેમનાં કામો દેહના ઘડતર પેઠે જ કુદરતે નક્કી કરી આપ્યાં છે.’ ૨૮-૨-૧૯૩૭ના હરિજન બંધુમાં ગાંધી લખે છે કે ‘સ્ત્રી-પુરુષની નકલ કરીને કે તેની સાથે દોડમાં ઊતરીને જગતના હિતમાં પોતાનો ફાળો નહીં આપી શકે. સ્ત્રીએ તો પુરુષ પૂર્તિરૂપ જ બનવું રહ્યું.

પુરુષ જે ન જ કરી શકે તે એણે કરવાનું છે.’ ૨૫-૨-૪૦ના હરિજનબંધુમાં ગાંધી લખે છે કે ‘સ્ત્રી અને પુરુષનાં કાર્યક્ષેત્ર નોખાં ફંટાય છે.’ માતૃત્વનો ધર્મ મોટા ભાગની સ્ત્રીઓ સદાકાળ સત્કારશે. તે એવા ગુણો માગી લે છે કે તે પુરુષો માટે જરૂરી નથી. સ્ત્રી મૂળે ઘરની રાણી થઈને રહેનારી છે. પુરુષ રોટી કમાનારો છે. સ્ત્રી એની સાચવણી કરીને વહેંચીને પીરસનારી છે.

બરચાનું સંગોપન અને ઉછેર કરવાની કળાએ એનો ખાસ અને સુવાંગ અધિકાર છે. એના હાથના સંગોપન વગર માનવજાત રવડી મરે અને નાશ પામે. સ્ત્રીને કુટુંબ-પરિવાર વચ્ચેથી ઊઠીને બહાર આવવા અને ઘરબારની રક્ષા સારુ ખાંધે બંદૂક ઉપાડવા હાકલ કરવી કે લલચાવી એમાં સ્ત્રી-પુરુષ બંનેનું પતન રહેલું છે.

એમાં પાછાં વળીને જંગલીપણાના જમાનામાં પગલાં ભરવાપણું અને વિનાશની શરૂઆત રહેલાં છે. પુરુષ જે ઘોડે ચડયો તે ઘોડે ચડવા જતાં સ્ત્રી-પુરુષ અને પોતાને બેઉને નીચે પછાડશે. આમ થશે તો તેનું પાપ પુરુષને માથે રહેશે. કારણ કે પોતાના સાથીને તેની સારુ કુદરતે મૂકેલા ખાસ સ્વાભાવિક વ્યવસાયથી ચળાવીને પુરુષને ચાળે ચડાવ્યા સારુ જવાબદાર લેખાશે. ઘરને સુવ્યવસ્થિત રાખવું, ચલાવવું એમાં એટલી ધીરતા રહેલી છે જેટલી એ ઘરબારને બહારના હુમલાથી રક્ષા કરવામાં રહેલી છે.

ગાંધીના વિચારો સાથે આપણે સંમત થઈએ કે ન થઈએ પણ સ્ત્રી-પુરુષ સમાનતાના મુદ્દે ગાંધી જુદા તરી આવે છે. રાજનીતિ અને વ્યવસાયમાં વ્યાપક બનતી મહિલાઓની ભૂમિકા સૌને ગમે તોય એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે તે વાતનો કંઈક અંશે છેદ ઉડાડનારી છે.

શિક્ષણ અને સંસ્કાર ઘડતરમાં માતાની ભૂમિકા મર્યાદિત બનતી જાય છે તેનાં માઠાં પરિણામો સંતાનોની દશા પર કેવાં વિપરીત પડે છે તે રોજેરોજ જોવા મળે છે. આજે આયા અને દૂધની બોટલને સહારે સંતાનોને છોડતી મહિલાઓને માતાના દૂધનું મહત્વ સમજાવવાનું અભિયાન છેડવાના દિવસો આવ્યા છે.

મહિલા અનામતથી સ્ત્રીઓ રાજનીતિ તરફ વધુ લલચાશે અને રાજકીય પક્ષો પણ પોતાના સ્વાર્થ માટે તેમને વધુ પ્રેરશે કે પ્રોત્સાહિત કરશે. જેમાં બહેનોના શોષણની પ્રક્રિયા વધશે નહીં તેમ કહેવું કપરું છે. રાજકારણમાં પરિવારવાદમાં ભાઈ,પુત્ર,જમાઈની બોલબાલા હતી હવે પત્ની, પુત્રી અને પુત્રવધૂવાદ વધશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતો છે છતાં પતિઅનામત જેવી સ્થિતિ પ્રવર્તે છે.( મણિલાલ એમ. પટેલ લેખક વરિષ્ઠ પત્રકાર છે. )
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.