ફોનની ઘંટડીઓ વાગે એ ખૂણામાં આરતીની ઘંટડી વગાડીએ
પપ્પાના ટી.વી.માં મમ્મીની ચેનલને સેટ કરી સહુને હસાવીએ
ચલો જિંદગીનો ડ્રોઇંગરૂમ સજાવીએ
ભીંત ઉપર દોરીએ મસમોટું મીંડું ને નામ એનું પાડીએ તળાવ
ખાલી તળાવમાં પાણીનો રંગ ભરી ચકલીને કહીએ તું આવ
ચકલી ના આવે તો નળ જેવી ચકલીની નીચે બેસીને પછી નાહીએ...
ચલો જિંદગીનો ડ્રોઇંગરૂમ સજાવીએ
હૈયાની જેમ હોય બારણાઓ ખુલ્લાં : સોફામાં હૂંફનો પ્રબંધ
આવે તો લાભ વળી જાય તેનું શુભ રોજ વહેતી હો એવી સુગંધ
વાટકી સુગંધ દઇ પાડોશી ધેર : નવા પાડોશી સંગ ગીત ગાઇએ
ચલો જિંદગીનો ડ્રોઇંગરૂમ સજાવીએ