કુમકુમ અને ચોખાની જોજો કુંડળી
બારેય સ્થાનોમાં સદા શુભ-લાભ છે.
એકેય ઊંઘે ના જ દીધો આશરો
રઝળી રહ્યું દરદર, અનાથ ખ્વાબ છે.
મારાંપણાનો ભાવ પંખીમાં નથી,
એથી જ તો હજુયે અખંડ આભ છે.
જો હદ પિછાનો તો જ અનહદ પામશો
મીંડા મહીં અકબંધ છૂપા લાખ છે.
ફોરમ તરત પામી ગઇ જોતા’જ દૂરથી
આ તો અરે આપણા પવનની લાશ છે.
વધઘટ કરો એ ચાંદનો વિશ્વાસ શું?
આકાશમાં ‘ધૂની’ સૂરજની શાખ છે.