આ વખતે તો બહુ તરસાવ્યા! વાદળ છો કે નેતા છો?
ઠાલા ઠાલા હાલ્યા આવ્યા! વાદળ છો કે નેતા છો?
તમે અમારી તરસ ઉપર પણ તરસ ન ખાધી?
આવા અંગારા વરસાવ્યા? વાદળ છો કે નેતા છો?
ખોબો ટાઢક માંગી’તી કાંઇ બીજું નહોતું માગ્યું હો,
એમાં ગર્જીને ધમકાવ્યા? વાદળ છો કે નેતા છો?
એક તમે પણ ના વરસ્યા ને ઉપરથી વીજળીનાં ફાંફાં,
શું કામ ખેતર ખેડાવ્યા? વાદળ છો કે નેતા છો?
ચોમાસાની આ સંસદમાં ટીંપુયે પણ નહીં વરસીને-
ખુદને છાપામાં ચમકાવ્યા! વાદળ છો કે નેતા છો?
અમે જ ચૂંટી ચૂંટીને વિશ્વાસ તમારી આંખ્યે આંજ્યો,
અમને ધોળે દી’ નવરાવ્યા? વાદળ છો કે નેતા છો?
લાગે છે કે હવે તમે પણ ઘરભેગુ કરતાં શીખી ગ્યા,
કોણે આવા પાઠ ભણાવ્યા? વાદળ છો કે નેતા છો?