ગરીબ કલ્યાણ મેળા દ્વારા પ્રજાનું ઋણ સ્વીકાર કરવાનો મોકો મળ્યો હોવાનું લીંબડીમાં યોજાયેલા ૫૦માં ગરીબ કલ્યાણ મેળામાં જણાવતા નરેન્દ્ર મોદી
લીંબડીમાં યોજાયેલા ૫૦માં ગરીબ કલ્યાણ મેળામાં કરોડો રૂપિયાની સહાયનું વિતરણ કરી મુખ્યમંત્રી મોદીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વધતી જતી મોંઘવારી મુદ્દે ગરીબો કેન્દ્ર સરકારને ભરખી જશે. તેમજ ઉપસ્થિત જનમેદનીને પોતાની કોઇપણ એક કુટેવ અથવા વ્યસન ત્યજવા સંકલ્પ લેવડાવી સમાજ સેવાનું કાર્ય મુખ્યમંત્રીએ કર્યું હતું.
બે માસ પૂર્વે અમરેલીથી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળો પૈકીનો ૫૦મો ગરીબ કલ્યાણમેળો લીંબડીમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોનું શોષણ કરનારા અને વ્યાજખોરોને આડે હાથે લીધા હતા. રાજયમાં દિવસે-દિવસે વધતી જતી મોંઘવારીમાં કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમજ બીપીએલ કાર્ડ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી કેન્દ્રે નીમેલી સકસેના અને તેન્ડુલકર કમિટીના અહેવાલોનો પણ અમલ ન થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
જયારે ગરીબ માનવીને મતપેટીનું મશીન નહીં પણ આદર્શ માનવી ગણાવી ગરીબ કલ્યાણ મેળા દ્વારા પ્રજાનું ઋણ સ્વીકાર કરવાનો મોકો મળ્યો હોવાનું જણાવ્યું હતું. ઊડી રાજકીય સૂઝબૂઝ અને રાજકીય દાવપેચ ખેલવાના ધૂરંધર ખેલાડી મનાતા ગુજરાતના મુખ્યમંત્રીએ રાજકારણમાં સાવ કાચા હોવાનું જણાવી એક નવો દાવ અજમાવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના લીંબડી, ચૂડા, ચોટીલા, મૂળી, સાયલા તાલુકાના ૩૨,૧૬૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની R ૪૧૧૫.૯૨ લાખની સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
આ મેળામાં મંત્રી આનંદીબેન પટેલ, પ્રભારી મંત્રી રમણલાલ વોરા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા, વર્ષાબેન દોશી, ભરતભાઇ ખોરાણી, આઇ.કે.જાડેજા, સૂરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ, સુધરાઇ પ્રમુખ શંકરભાઇ દલવાડી, જિલ્લાખેતી બેંકના ડિરેકટર કષ્ણસિંહ રાણા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સખીમંડળને R ૧ હજાર કરોડની સહાયની જાહેરાત
રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય થઇ રહેલા સખી મંડળોની પ્રવૃત્તિને મુખ્યમંત્રીએ ભરપુર પ્રસંશા કરી બિરદાવી હતી અને આગામી દિવસોમાં સખી મંડળોના વિકાસ માટે રાજય સરકાર દ્વારા રૂપિયા ૧ હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ચેક અર્પણ
લીંબડીમાં ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીને કન્યા કેળવણી નિધિ માટે ચામુંડા ટ્રસ્ટ, ચોટીલાએ રૂ.૫.૧૧ લાખ, સાયલા કવોરી એસોસિયેસશને રૂ.ર લાખ,સર્વોદય પોલિટેકનિક કોલેજે R ૧ લાખ, સૂરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડે R ૧ લાખ, ફેડરેશન ઓફ સિરામીક એસો. થાન દ્વારા રૂપિયા ૧ લાખ, પાંચાલ સિરામિક એસો વિકાસ ટ્રસ્ટ દ્વારા રૂ.૧ લાખના ચેક મુખ્યમંત્રીને અપાયા હતા.