‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત ૨૫ લાખ બાળકો ૧ કરોડ પુસ્તકો વાંચશે
અમદાવાદમાં માતૃભાષા ગૌરવદિવસની થયેલી ઉજવણી
ગુજરાત સાહિત્ય પરિષદના પ્રાંગણમાં રવિવારે ‘વિશ્વ માતૃભાષાદિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. મંચ પરથી રાજ્ય સરકારના ‘વાંચે ગુજરાત’ અભિયાનની ઘોષણા થઈ હતી. તે અનુસાર સ્વર્ણિમ ગુજરાતના ભાગરૂપે આખું વર્ષ અભિયાન ચલાવાશે, જેમાં શાળાઓનાં ૨૫ લાખ બાળકો ૧ કરોડ પુસ્તકો વાંચશે.
૨૧ ફેબ્રુઆરીએ ‘માતૃભાષા ગૌરવદિવસ’ નિમિત્તે યોજાયેલી સંગોષ્ઠિમાં સંબોધન કરતાં કટારલેખક ડો. ગુણવંત શાહે કહ્યું કે ગુજરાત તેની સુવર્ણજયંતી ઊજવવા જઈ રહ્યું છે, પરંતુ જો ગુજરાતી ભાષાનું સંવર્ધન અને સંગોપન યોગ્ય રીતે નહીં થાય તો સ્વર્ણિમ ગુજરાત પિત્તળનું ગુજરાત બની જશે. તેમણે ઉમેર્યું કે અંગ્રેજીનો વિરોધ કરે તે મૂર્ખ છે તો માતૃભાષાનો વિરોધ કરનાર મહામૂર્ખ છે.
એરિસ્ટોટલ, પ્લેટો કે સોક્રેટિસ કે ઇસુ પણ અંગ્રેજીમાં નહોતા બોલ્યા. હા ઇંગ્લિશનો વિરોધ ક્યારેય ન હોઈ શકે, પરંતુ માતૃભાષાનો અલગ જ દરજ્જો છે. તે એ ભાષા છે જેમાં માણસનો માહ્યલો પ્રગટ થાય છે. માહ્યલાને વફાદાર રહીને પ્રગટ થવાની ભાષા એટલે માતૃભાષા. અંગ્રેજીમાં માણસ પ્રોડકિટવ તો રહી શકે, પરંતુ તે ક્રિએટિવ રહે નહીં.
ભાષાવિદ્ ભોળાભાઈ પટેલે કહ્યું કે, ભાષાનો મુદ્દો માત્ર ઇમોશનલ નથી. યુનિવર્સિટીની જેમ પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓ માટે પણ ગ્રંથ નિર્માણ બોર્ડ હોવું જોઈએ તેવું તેમણે કહ્યું હતું. શિક્ષણવિભાગના સચિવ હસમુખ અઢિયાએ પણ આ સંગોષ્ઠિમાં કહ્યું કે સરકાર ભાષાપ્રચાર માટે પ્રયત્નશીલ છે, પરંતુ સામાજિક જાગતિની કક્ષાએ પણ આ વાત થવી જોઈએ. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત અનુસાર ગુજરાતમાં ‘વાંચે ગુજરાત’ અભિયાન ટૂંક સમયમાં શરૂ થશે.
ગુણવંત શાહે ૧ લાખનું દાન આપ્યું:
ગુજરાત સાહિત્ય પરિષદને માતૃભાષા સંવર્ધનની પ્રવૃત્તિ માટે ડો. ગુણવંત શાહે અંગત રીતે રૂ.૧ લાખનું દાન આપ્યું છે. આજે તે રકમનો ચેક રઘુવીર ચૌધરી અને રાજેન્દ્ર પટેલે સ્વીકાર્યો હતો.