‘આંતરાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતી ભાષાનું ઘણું મહત્વ છે. આજે આપણી ગુજરાતી ભાષા વિશ્વની પ્રથમ ૩૦ ભાષામાં સ્થાન પામે છે. જે આપણા માટે ગૌરવની વાત છે. જો કે સામે દુ:ખની વાત છે કે આંતરાષ્ટ્રિય ભાષાઓમાં મજબુત સ્થાન ધરાવતી ગુજરાતી ભાષા આજે આપણા ગુજરાતમાં જ વિસરાય રહી છે. જો આપણે વહેલાસર નહીં જાગીએ તો બીજી અનેક ભાષાની જેમ ગુજરાતી પણ નામશેષ થઇ જશે.’ યુનેસ્કોમાં વર્ષોસુધી શિક્ષણવિદ તરીકે સેવા આપનાર ગુજરાતી ડો. રવિન્દ્ર દવેએ ‘માતૃ ભાષા દિવસ’ની પુર્વ સંઘ્યાએ ગુજરાત સાહિત્ય પરિષદમાં આ મુજબનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજય પોતાની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે એ સમય પણ આવી ગયો છે કે લોકો પોતાની માતૃભાષા પ્રત્યે વધારે સંવેદનશિલ બને.
૨૧મી ફ્રેબુઆરી વિશ્વભરમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. યુનેસ્કો દ્રારા ૧૯૯૯માં આ દિવસને માતૃભાષા દિન તરીકે ધોષિત કરવામાં આવ્યો છે. વિશ્વમા લુપ્ત થઇ રહેલી અસંખ્ય માતૃભાષાને જીવંત રાખવાના આશય સાથે ૨૦૦૦થી દર ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની ઉજવણી શરુ કરવામાં આવી છે. વિશ્વની અનેક ભાષાની જેમ આપણી ગુજરાતી ભાષા ઉપર પણ ખતરાની ઘંટડી વાગી રહી છે. અંગ્રેજીના અતિક્રમણ સામે ગુજરાતી ભાષા આજે નબળી પુરવાર થઇ રહી છે. માતા-પિતાનો અંગ્રેજી માઘ્યમ તરફ ક્રેઝ વધી રહ્યો છે. બે ગુજરાતી લોકો આજે માતૃભાષા ગુજરાતમાં વાત કરવાને બદલે હિન્દી કે અંગ્રેજીનો ઉપયોગ કરે છે. શિક્ષણ પઘ્ધતિમાં ખામી અને ભાષા પ્રત્યેના પ્રેમનાં અભાવે ગુજરાતમાં ગુજરાતી બોલતા લોકોનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે.
માતૃભાષા સામેના સંભવિત ખાતરાના અનુસંધાનમાં આજે ગુજરાત સાહિત્ય પરિષદ, રાજય સરકાર અને રાજયની કેટલીક શાળા સાથે મળીને ૨૧મી ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત સાહિત્ય પરિષદનાં પ્રાંગણમાં ‘માતભાષા : શાળા, શિક્ષણ અને સમાજ’ વિષય ઉપર એક સંગોષ્ઠિનું આયોજન પણ કર્યું છે. આ સંગોષ્ઠિમાં રાજયભરની ૧૫ જેટલી શાળાઓએ ગુજરાતી ભાષાને જિવંત રાખાવા માટે શરુ કરેલી પહેલની માહિતિ પણ આપવામાં આવશે. ઉપરાંત ગુજરાતી ભાષાની વર્તમાન સ્થિતિ અને સંભવિત ખતરા માટેના કેવી રીતે પહોંચી વળવું તેની ચર્ચા પણ થશે. આ પ્રસંગે ડો. રવીન્દ્ર દવેએ પોતાના આંતરાષ્ટ્રિય અનુભવનો નિચોડ આપતા જણાવ્યું હતું કે ફિનલેન્ડ, સ્વીડન, ઇટાલી જેવા નાનકડા દેશ પણ પોતાની માતૃભાષા પ્રત્યે ગૌરવ ધરાવે છે.
ફિનલેન્ડ જોવા પચાસ લાખની વસતી ધરાવતા દેશમાં ધોરણ એકથી પીએચડી સુધી ફિનિસભાષામાં શિક્ષણ મેળવી શકો છો જો કે આપણા દેશમાં આજે પણ બીજી ભાષા ઉપર આધાર રાખવો પડે છે. સેપ્ટનાં ડાયરેકટર ડો. વકીલે જણાવ્યું હતું કે અંગ્રેજી જરુરી છે પરુતું અંગ્રેજીના અતિક્રમણ સામે આપણે માતૃભાષાને પણ ન ભુલવી જોઇએ. માતૃભાષા સંગોષ્ઠિમાં આંતરાષ્ટ્રિય શિક્ષણવિદ ડો. રવીન્દ્ર દવે, શિક્ષણવિદ્ અને સાહિત્યકાર ડો. ગુણવંત શાહ, રાજય શિક્ષણ વિભાગનાં અગ્ર સચિવ ડો. હસમુખ અઢિયા, સાહિત્યકાર ભોળાભાઇ પટેલ અને કુમારપાળ દેસાઇ ઉપસ્થિત રહશે.