કોઈ વિધાર્થી કયારેક થાકી-હારી-નાસીપાસ થઈને મેદાન છોડી જાય તો પછી પેવેલિયનમાં ગયા બાદ એને અફસોસ તો થાય જ કે યાર, ખોટું મેદાન છોડયું... માંડ મળેલી બેટિંગ અમસ્તી, કારણ વિના, ફોકટમાં જવા દીધી... બોલો, આવો અફસોસ થાય કે ન થાય? થાય જ. માટે, ભણતરને કારણે જીવતરનું મેદાન ન જ છોડવું. કયારેય નહીં, નેવર!
વિધાર્થીઓની આત્મહત્યા વધી પડી છે. ના, આંકડા અને વિગતોમાં નથી પડવું. આમ પણ આવું એક મોત એક પરિવાર માટે આજીવન ન રુઝાય એવો જખમ બની રહેતું હોય છે, પરંતુ ઝાઝાં મોત છેવટે સુક્કા આંકડા અને લુખ્ખા શબ્દો બની રહે છે. આ બધું ‘થ્રી ઇડિયટ્સ’ના કારણે થઈ રહ્યું છે કે નહીં એની ચર્ચા પણ જવા દઈએ અને શિક્ષણમાં કેવા કેવા સુધારા જરૂરી છે એની વાતો પણ પછી કયારેક.
અત્યારે તો મુદ્દો એ છે કે વાર્ષિક પરીક્ષાની સિઝન ઢૂંકડી છે અને વાર્ષિક પહેલાંની છૂટીછવાઈ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિધાર્થીઓનો મરણાંક હવે વધે નહીં તેનું ઘ્યાન રાખીએ. એ માટે શું થઈ શકે? એક રસ્તો એ છે કે વિધાર્થીઓ સાથે સીધી વાત થઈ શકે. તો ચાલો, એ જ કરીએ. આ લેખ વાંચનાર પ્રત્યેક વ્યકિત આસપાસના વિધાર્થીઓ સાથે (અને પોતે વિધાર્થી હોય તો પોતાની જાત સાથે) આવી કશીક વાત કરી જુએ. કદાચ ફરક પડે.
આ એકઝામ... આપવી તો પડે જ... એમાંથી પસાર તો થવું જ પડે. સમજો કે આ એક એવી વીડિયો ગેમ છે જે તમારી યાદશકિત (બહુ બહુ તો ગ્રહણશકિત-ગ્રાસ્પિંગ પાવર) માપે છે. કેવી મજા! આ બહાને જરા જોઈ તો લઈએ કે આપણી સ્મરણશકિત કેટલી છે. આ શકિત સારી હોય તો સારી વાત છે અને સારી ન હોય તોપણ સારી વાત છે. છેવટે, ઉપરવાળો બહુ ન્યાયી છે.
એ બધાને સમાન શકિત આપે છે. એક શકિત ન આપે તો બીજી શકિત વધુ આપે. તમે જોયું હશે કે ઘણા અંધ લોકો સંગીતમાં સારું ગજું કાઢી શકે છે. એ ઉપરવાળાનો ન્યાય છે. જેમને જોવાની શકિત ન આપી તેમની સાંભળવાની ઇન્દ્રિય એકદમ સતેજ કરી આપી. ભગવાને યાદશકિત ઓછી આપી હોય તો લખી રાખો, એમણે બીજી શકિતઓ તમને વધુ આપી રાખી છે. કઈ છે એ બીજી શકિતઓ? એ તો જિંદગી જેમ જેમ આગળ વધે તેમ તેમ સમજાય.
આ તો નવલકથા જેવું છે. જેમ જેમ આગળ વધો તેમ વાર્તા ખૂલે. આપણે એક જ કામ કરવાનું છે. વાર્તા આખી વાંચવાની. અધવચ્ચે છોડી નહીં દેવાની. આ તોતિંગ નવલકથાનું એક પાનું છે, એકઝામ. વાંચી લો એ પાનું દિલથી. કરો ભરપૂર મહેનત, લડો દિલથી, આપો સારામાં સારી રીતે એકઝામ. ભગવદ્ગીતા પણ એ જ કહે છે, કર્મ કરો. પછી ફળનું તો સમજયા હવે. કારણ કે ફળ આપણા હાથમાં નથી અને ખેલ ઘણાબધા છે. હા, ખેલ ઘણાબધા છે. ભણતર-પરીક્ષા-કરિયર-લગ્ન-બુઢાપો... આ બધા ખેલ, એક પછી એક, સસ્પેન્સ વાર્તાના વળાંકોની જેમ, આવતા જશે. અમુક અંશે આ તો ક્રિકેટ રમવા જેવું છે. કલ્પના કરો કે તમે બેટ્સમેન છો અને મેદાન પર બેટિંગ કરવા ઊતર્યા છો. બોલર છે ખુદ જિંદગી. જીવનનું આ ક્રિકેટ એક વાતે એકદમ વિશિષ્ટ છે.
અહીં ખેલાડી આઉટ થાય કે ફટકાબાજી કરે, એણે સતત બેટિંગ જ કરવાની છે અને જિંદગીએ સતત બોલિંગ જ કરવાની છે. છેવટે ખેલાડીએ કયારે આઉટ થઈને પેવેલિયનમાં પાછા ફરવાનું છે એ ઉપરવાળો અમ્પાયર નક્કી કરે છે. જયારે આપણે જવાનું હશે ત્યારે આપણે આપોઆપ ઢળી પડીશું અને ચાર જણ આવીને લઈ જશે. આવું ન થાય ત્યાં સુધી જાતે મેદાન ન છોડવું. છેવટ સુધી રમવું.
ક્રિકેટ રમનાર પ્રત્યેક છોકરા-છોકરીને ખબર છે કે એમ કંઈ બેટિંગ થોડી છોડી દેવાય? ક્રિકેટમાં સૌથી વધુ મજા બેટિંગની જ છે. ઉપરવાળો જિંદગીભર બેટિંગ કરવાની અમૂલ્ય, દુર્લભ તક આપે છે. પછી એ પરીક્ષાનો બોલ ફેંકે, કરિયરનો બોલ ફેંકે, લગ્નનો બોલ ફેંકે, સંતાનોનો બોલ ફેંકે... આપણે આપણી આવડત અને ક્ષમતા પ્રમાણે બેટ ઘૂમાવતા રહેવાનું.
બસ, રમવાનું... રમવાનું... રમવાનું... મેદાન તો કોઈ હિસાબે ન જ છોડવું. જે લોકો અધવચ્ચે મેદાન છોડી જાય છે એમનું પછી શું થાય છે એ આપણે જાણતા નથી, પણ કલ્પના ચોક્કસ કરી શકીએ. બોલો, તમે કયારેક નાસીપાસ થઈને મેદાન છોડી જાઓ તો પછી પેવેલિયનમાં ગયા બાદ તમને અફસોસ તો થાય જ કે યાર, ખોટું મેદાન છોડયું... માંડ મળેલી બેટિંગ અમસ્તી, કારણ વિના, ફોકટમાં જવા દીધી... શેમ ઓન મી! બોલો, તમને આવો અફસોસ થાય કે ન થાય? થાય જ. માટે, મેદાન ન જ છોડવું. કયારેય નહીં, નેવર!
વિધાર્થી સાથે વાત ચાલી રહી હોવાથી એકદમ સાદી, સહેલી રીતે કહી છે. વાતનો સાર એટલો જ છે કે ખરેખર, જીવન એક ખેલ છે, એને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. માટે, પકડો બેટને બરાબર... પિચ પર એકાદ કાંકરો હોય તો એને સચીનની જેમ બેટથી દૂર કરો... પછી બધું ઘ્યાન આપો એકઝામ નામના બોલ પર... આવવા દો બોલને... એકદમ દિલથી, શકય એટલી સારી રીતે બેટ ઘૂમાવો... ફિર? ફિર કુછ નહીં... સકિસર વાગે, બે રન મળે, એક રન મળે, આઉટ થઈ જવાય... ભલે જે થાય તે કારણ કે આ કંઈ અંતિમ બોલ નથી.આ બોલ પછી નવો બોલ, નવો સ્ટ્રોક, નવી ગિલ્લી, નવો દાવ. બસ, ખેલો-કૂદો-ઝૂમો-નાચો અને ગાઓ પેલા મસ્ત ગીતની માત્ર એક જ લાઇન: દિલ તો બચ્ચા હૈ જી...હો... થોડા કચ્ચા હૈ જી.ટ...ર ટરણરનન, ટ...ર ટરણરનન, ટ...ર.. ટર... નરણ... ન...ન... એન્જોય. એકઝામ્સ માટે ઓલ ધ બેસ્ટ. અને તમે, હું, આપણે સૌ લઈએ અતૂટ પ્રતિજ્ઞા કે સ્કૂલની એકઝામ હોય જીવનની બીજી કોઈ પણ એકઝામ... હમ મૈદાન નહીં છોડેંગે! નહીં છોડેંગે! નહીં છોડેંગે!