Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Deepak Soliya
 

ચીનને ગુરુ બનાવીએ

 
Source: Deepak Soliya   |   Last Updated 12:24 AM [IST](25/01/2010)
 
 
 
 
 

પ્રજાને કોમ-પ્રાંત-આતંકવાદ રોજેરોજ નથી અડતા, ખાંડ-કઠોળના ભાવ રોજ અડે છે, નડે છે. આ ભાવ આપણે ત્યાં ફાટીને ધુમાડે જાય છે, ચીનમાં નથી જતા, નેવર, કારણ કે જીવનજરૂરી ચીજોના ભાવ અંકુશમાં રાખવા બાબતે ચીન અતિ ચુસ્ત અને જિદ્દી છે. માટે આ મામલે રિપબ્લિક ઓફ ઇન્ડિયાએ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાને ગુરુ બનાવવા જેવું છે.

કાલે ‘રિપબ્લિક ડે.’ દુનિયા ભારતને ‘રિપબ્લિક ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખે છે અને ચીનને ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના’ તરીકે. નામમાં ફરક છે પીપલ (પ્રજા)નો. આ ફરક ફક્ત નામ પૂરતો નથી. પ્રજા ચીનમાં મહત્વની છે. ભારતમાં નથી. એની સાદી સાબિતી છે ખાંડ-કઠોળ. પ્રજાની આ પ્રાથમિક જરૂરિયાત છે.

પ્રજાને કોમ-પ્રાંત-આતંકવાદ રોજેરોજ નથી અડતા, ખાંડ-કઠોળના ભાવ રોજ અડે છે, નડે છે. આ ભાવ આપણે ત્યાં ફાટીને ધુમાડે જાય છે, ચીનમાં નથી જતા, નેવર, કારણ કે જીવનજરૂરી ચીજોના ભાવ અંકુશમાં રાખવા બાબતે અને ભેળસેળ બાબતે ચીન અતિ ચુસ્ત અને જિદ્દી છે.

હા, ચીન દોંગું, ખડુસ, લુચ્ચું છે પણ પ્રજાના વપરાશની ચીજોના ભાવો અંકુશમાં રાખવા બાબતે ભારતે ચીનને ગુરુ બનાવવા જેવું છે. એને સામ્યવાદની અસર ગણો કે જે ગણો તે, ચીન એક વાતે અત્યંત મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં જીવનજરૂરી ચીજોના ભાવ અંકુશમાં રહે એટલો પૂરતો બફર-રિઝર્વ સ્ટોક સરકાર પાસે હર હાલમાં હોવો ને હોવો જ જોઈએ. એક દાખલો જોઈએ.

૨૦૦૭-૦૮માં આખી દુનિયામાં ખાધ તેલ-અનાજ-કોટન-રબર બધામાં ભડકો થયો, કારણ કે ચીન આ બધી કોમોડિટીની ખાસ્સી ખરીદી કરી રહ્યું હતું. તો શું ચીન ખાલી થઈ ગયેલું? ના, ચીન તો કોમોડિટીનો રિઝર્વ સ્ટોક (અનામત જથ્થો) નક્કી કરેલા સ્તરથી નીચે ન જાય એ માટે પ્રોકયુરમેન્ટની ગણતરીથી આયાત કરી રહ્યું હતું.

કોમોડિટીની તાત્કાલિક જરૂર ન હોવા છતાં ભાવ થોડો મોંઘો પડવા છતાં ચીને ‘લેવલ’ જાળવવા ખરીદી કરી. અનામત જથ્થાના ઊચા લેવલને કારણે ચીન આજે જગતભરમાં કોમોડિટીના પ્રાઇસ લીડર તરીકે રાજ કરે છે. એ ધારે તે કોમોડિટીના ભાવ ઊચા-નીચા કરી શકે છે. ભારત આ મામલે એક લાચાર દેશ છે. ખાંડની વાત કરીએ.

૨૦૦૭-૦૮માં ૨૬૩ લાખ ટન ખાંડ બની. દેશની જરૂરિયાત છે વર્ષે ૨૪૦ લાખ ટનની. જરાક વધુ ખાંડ બની એટલે આપણે નિકાસ કરી નાખી. બીજા વર્ષે ભારતમાં ફક્ત ૧૪૭ લાખ ટન જ ખાંડ બની. અંદાજ તો ઊચો હતો, પણ પાક નબળો રહ્યો અને રિયાલિટી વિશે (વાસ્તવમાં ખેડૂતોએ કેટલી શેરડી ઉગાડી છે એ વિશે) સરકાર અંધારામાં હતી. છેવટે ખાંડની આયાત કરવી પડી, ઊચા ભાવે. ઓછું ભણેલી ગૃહિણી પણ સમજી શકે આગલા વર્ષની ખાંડ થોડી સંઘરી રાખવા જેવી હતી.

આવું જ અનાજનું છે. પાંચેક વર્ષ પહેલાં ઘઉનું ઉત્પાદન ચિક્કાર થયું, પણ નિકાસ પૂરતી ન થવાથી ઘઉ ખુલ્લામાં પડયા પડયા સડયા. બીજા વર્ષે ઘઉની આયાત કરવી પડી, ઊચા ભાવે. ચીન એ વાતે જડ છે કે દેશમાં હંમેશાં મિનિમમ ૧૭૦૦ લાખ ટન અનાજનો જથ્થો તો અનામત હોવો જ જોઈએ. લેવલ તો જાળવવાનું જ. લેવલની મસ્તી નહીં. આપણે ત્યાં અનાજનો જથ્થો ૫૦૦-૬૦૦ લાખ ટને પહોંચે ત્યાં તો સરકાર નિકાસ માટે કૂદાકૂદ કરી મૂકે, કારણ કે એનાથી વધુ અનાજ સંઘરવાની આપણે ત્યાં વ્યવસ્થા જ નથી.

આ છે પહેલો લોચો : સંગ્રહની પૂરતી વ્યવસ્થા નથી. લોચા નં.૨- ભાવના અંકુશના મામલે કૃષિ, પુરવઠા, નાણાં, ઉધોગ અને વાણિજય મંત્રાલય તાલમેલ અને એકસૂત્રતા નથી. પરિણામે કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી જેવી સિરયુએશન્સ ઊભી થાય છે. લોચા નં.૩- કેન્દ્ર અને રાજય વરચે સંઘર્ષ. જેમ કે ખાંડના ભાવ કાબૂમાં લાવવા કેન્દ્રીય પ્રધાન શરદ પવારે બે મહિના પહેલાં રો સુગરની આયાત તો કરાવી, પણ યુપી એ ખાંડ સ્વીકારવા તૈયાર નથી.

એ ‘કાચી ખાંડ’નું પ્રોસેસિંગ યુપીમાં થવાનું હતું, પણ યુપીનાં મુખ્યમંત્રી માયાવતી એ વાતે અડગ છે કે મારા રાજયમાં આયાતી ખાંડ પ્રવેશવી જ ન જોઈએ, કારણ કે ખાંડ બહારથી આવે તો મારા રાજયના ખેડૂતોની કમાણી ઘટે. માયાવતીના ઇન્કાર પછી પવારે હવે બીજા રાજયો પર નજર દોડાવી છે.

પણ આ બધામાં આયાત થયેલી પેલી રો સુગર બબ્બે મહિનાથી કંડલા બંદરે પડી રહી છે એનું શું? લોચા નં. ૪- કોમોડિટીના વાયદા. ગયા વર્ષે રબરનો ભાવ આસમાને (કિલોના ૧૪૦ રૂપિયે) પહોંચ્યોં એટલે સરકારે રબરના વાયદા પર પ્રતિબંધ મૂક્યો. ભાવ છેવટે ડાડમરો થઈને અડધો (૭૦ રૂપિયા) થયો. હેતુ સર્યા પછી રબરના વાયદા પરનો પ્રતિબંધ ઉઠાવાયો એટલે ૨૦૦૯માં ફરી પાછો ભાવ ૧૪૦ને આંબી ગયો.

આ દાખલો અપવાદરૂપ ગણીએ તોપણ ભાવની વધઘટ પર વાયદાઓનો પૂરેપૂરો નહીં તોય થોડો ઘણો પ્રભાવ તો પડે જ છે. લોચા નં.૫- કોઈક છીંકે ને આપણને શરદી થાય. ગયા ગુરુવારે પાકિસ્તાને ખાંડની અછતને પહોંચી વળવા ડ્યુટી ફ્રી ખાંડની આયાતની જાહેરાત કરી એની થોડી જ મિનિટોમાં વિશ્વબજારમાં ખાંડના ઉછળેલા ભાવને પગલે મુંબઈની વાશી ખાતેની ખાંડબજારમાં ખાંડનો ભાવ કિવન્ટલે ૧૦૦ રૂપિયા ઉછળ્યો.

આપણે આટલા લાચાર? પાકિસ્તાન જેવો ટચૂકડો દેશ એક ટચૂકડી જાહેરાત કરે એમાં ભારતમાં સ્થાનિક સ્તરે ખાંડના ભાવ વધે? આ કેવું? માટે આ મામલે રિપબ્લિક ઓફ ઇન્ડિયાએ ‘પીપલ્સ’ રિપબ્લિક ઓફ ચાઇનાને ગુરુ બનાવવા જેવું છે. પ્રજાની રોજિંદી જરૂરિયાતની ચીજોના ભાવ બાબતે ચીન કશું જ ચલાવી નથી લેતું. ભારત ઘણું ચલાવી લે છે. આવું થોડું ચાલે?( દીપક સોલિયા લેખક જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ છે.)



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.