Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Column
 

હસીના અને ભારત માટે પડકાર

 
Source: Vidyut Thakar   |   Last Updated 12:23 AM [IST](20/01/2010)
 
 
 
 
 

બે સાર્વભૌમ રાષ્ટ્રોનાં રાષ્ટ્રગીતો એક જ કવિ દ્વારા લખાયાની વિશ્વભરમાં એકમાત્ર ઘટના, ભારત અને બાંગ્લાદેશની છે. ભારતના રાષ્ટ્રગીત ‘જનમન ગણ...’ તથા બાંગ્લાદેશના ‘અમાર સોનાર બાંગ્લાદેશ...’ બંનેના કવિ ગુરુદેવ ટાગોર છે. ભારતની જેમ બાંગ્લાદેશના રાષ્ટ્રવાદની બુનિયાદ બિન-સાંપ્રદાયિકતા પર શેખ મુજીબુર રહેમાને ખડી કરી હતી.

આ જ કારણે બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતીવાળું રાષ્ટ્ર હોવા છતાં તેના રાષ્ટ્રઘ્વજ પર ઇસ્લામનું કોઈ ધાર્મિક ચિહ્ન નથી. જગતભરના મુસ્લિમ રાષ્ટ્રોના રાષ્ટ્રઘ્વજો પર અંકિત રહેતા ચાંદ-તારાનું નિશાન બાંગ્લાદેશના રાષ્ટ્રઘ્વજ પર નથી. લીલા રંગના આ ઘ્વજના મઘ્યમાં સૂર્યના પ્રતીકરૂપ લાલ ગોળાકાર માત્ર છે.

૧૯૭૧માં શેખ મુજીબુરના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું ત્યારે એવી આશા જન્મી હતી કે મહંમદઅલી ઝીણાના બે રાષ્ટ્રના સિદ્ધાંત તથા ઇસ્લામિક કટ્ટરતાનું, કમસે કમ બાંગ્લાદેશમાં ઊંડી ખાઈમાં દફન થઈ જશે, પરંતુ આ આશા માત્ર ચાર વર્ષમાં ઠગારી સાબિત થઈ.

ઓગસ્ટ ૧૯૭૫માં બાંગ્લાદેશના સર્જક બંગબંધુ શેખ મુજીબુર તથા તેમના પરિવારના ૧૮ સભ્યોની સામૂહિક હત્યાની ઘટના થકી ઇતિહાસના કાંટા પાછળ ફરવા માંડ્યા. મુજીબુરની હત્યા પછીના ત્રણ દાયકા દરમિયાન જે શાસનો આવતાં રહ્યા, પછી તે જનરલ ઝિયા-ઉલ-રહેમાન કે જનરલ ઇરશાદના લશ્કરી શાસનો હોય કે બેગમ ખાલિદાના નેતૃત્વ હેઠળના નાગરિક પ્રશાસન હોય આ બધાં જ શાસનો પર પાકિસ્તાન તથા ઇસ્લામપરસ્ત જમાતે ઇસ્લામીનો મોટો પ્રભાવ ચાલુ રહ્યો.

આ અસર હેઠળ આ શાસનો સતત ભારતવિરોધી ગતિવિધિઓમાં કાર્યરત રહ્યાં અને પરિણામે આસામના ઉલ્ફા કે નાગાલેન્ડ સહિત સંખ્યાબંધ ભારતવિરોધી વિદ્રોહી જૂથોનું બાંગ્લાદેશ આશ્રયસ્થાન બનતું રહ્યું. ઉપરાંત કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ પણ ત્યાં પોતાનો ઓ સ્થાપી દઈ ભારતવિરોધી કાર્યવાહીઓ કરે રાખતું હતું.

ગયા વર્ષના ડિસેમ્બરની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ચૂંટાઈ આવેલાં બેગમ હસીનાએ ૧૯૯૦ના દાયકામાં તેઓ પ્રથમ વાર સત્તા પર આવ્યાં ત્યારે જે ન કરી શક્યા હતા તે કામગીરી હવે પૂર્ણ સંકલ્પબદ્ધતા સાથે આરંભી દીધી છે. બિનસાંપ્રદાયિક રાજનીતિના વિરોધી એવા ઇસ્લામપરસ્તો તથા ભારતવિરોધી પરિબળો સામે શરૂ થયેલી તેમની સરકારની કામગીરીનાં પરિણામો દેખાવા લાગ્યાં છે.

છેલ્લાં ૩૫ વર્ષોથી રાષ્ટ્રપિતા મુજીબુરના હત્યારાઓ ઇસ્લામપરસ્તોની મીઠી નજરને કારણે ફાંસીનો ફંદો ટાળતા રહ્યા હતા. વડાંપ્રધાન હસીનાના આગમન પછી હવે તેમને ફાંસીએ લટકાવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. દરમિયાન બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીઓને પરિણામે હવે ભારત બાંગ્લાદેશના બંદર ચિતાગોંગનો ઉપયોગ કરી શકશે.

ભારતે પણ બાંગ્લાદેશને એક અબજ ડોલરની શાખ આપી છે. આ સહાયનો ઉપયોગ કરી બાંગ્લાદેશ પોતાનો રેલવ્યવહાર, બંદરો તથા રસ્તાઓ ઉપરાંત અન્ય માળખાકીય સવલતો વધારી શકશે. આ ઉપરાંત ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે બાંગ્લાદેશનો ઉપયોગ નહીં થવા દેવામાં આવે તેવી જે ખાતરીઓ હસીનાએ આપી છે તે સંરક્ષણની દ્રષ્ટિએ ભારે ઉપયોગી સાબિત થાય તેમ છે.

બેગમ હસીના કે અવામી લીગને સંબંધ છે ત્યાં સુધી ભારત પ્રત્યેની તેમની શુભેચ્છા હંમેશાં શંકાથી પર રહી છે, પરંતુ બાંગ્લાદેશની જે આંતરિક પરિસ્થિતિ છે તે ભારત અને હસીના શેખ બંને માટે પડકારરૂપ છે. બેગમ ખાલિદા ઝિયાના નેતૃત્વ હેઠળનો જે મુખ્ય વિપક્ષ, બાંગ્લાદેશ નેશનલ પાર્ટી છે તેનો ગઈ ચૂંટણીમાં પરાજય તો થયો છે, પરંતુ તેના પ્રભાવનો ઇન્કાર થઈ શકે તેમ નથી.

જમાતે ઇસ્લામી સહિત જે પરિબળો બેગમ ખાલિદાને સાથ આપી રહ્યાં છે, તેમાં લશ્કર તથા નોકરશાહી પર પ્રભાવ ધરાવતા પાકિસ્તાનપરસ્ત તત્વો છે. ૧૯૭૧ના બાંગ્લાદેશના સ્વાધીનતાના સંઘર્ષમાં આ તત્વોનો પરાજય થયો હોવા છતાં હજુ તેમની ગણનાપાત્ર પકડ ચાલુ રહી છે.

આ તત્વો ભારતવિરોધી ધૂણી સતત જલાવે રાખે છે અને ભારત સાથેના સંબંધો સુધારવાના બેગમ હસીનાના પ્રયાસોમાં સતત આડખીલીરૂપ થતા રહેવાના છે. ભૂતકાળમાં આ તત્વોએ બેગમ હસીનાની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતને લાગેવળગે છે ત્યાં સુધી બેગમ હસીનાથી વધારે ભરોસાપાત્ર બાંગ્લાદેશમાં કોઈ છે નહીં.

ખાસ કરીને પડોશમાં માઓવાદી નેતા પ્રચંડ જે ભારતવિરોધી આગ ઓકી રહ્યા છે ત્યારે હસીનાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. ઉપરાંત છેલ્લા દોઢ દાયકા દરમિયાન બાંગ્લાદેશમાં ચીનનો જે પ્રભાવ વધી રહ્યો છે તે ભારત માટે વધારાની ચિંતા છે. હસીનાની ભારતયાત્રાને અંતે થયેલી સમજૂતીઓને પરિણામે વિકાસની ગતિ તેજ બનાવવા ઉપરાંત બંને દેશો વચ્ચેની સીમાસમસ્યા તથા બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરી જેવી સમસ્યાઓનો ઉકેલ પણ શોધવો પડવાનો છે.

બેગમ હસીનાના સત્તાઆગમનના પહેલાંના ત્રણ દાયકાઓની કટૂતાનો જે ઇતિહાસ રહેલો છે તેને ભૂંસી નવો મૈત્રીનો ઇતિહાસ બેગમ હસીનાના સાથ-સહયોગ વગર રચી શકાય તેમ નથી તે વાસ્તવિકતાથી ભારત અજાણ નથી અને આ કારણે જ બાંગ્લાદેશના વડાંપ્રધાનની તાજેતરની ભારતયાત્રા મહત્વની બની રહી છે.



 
 

 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.