Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Deepak Soliya
 

સ્કૂટર જયારે માત્ર સ્કૂટર નહોતું

 
Source: Dipak Soliya   |   Last Updated 12:45 AM [IST](19/01/2010)
 
 
 
 
 
વાત નાની હોવા છતાં મોટી છે. બજાજ કંપની હવે ચેતક સ્કૂટર નહીં બનાવે. કંપનીના સૂત્રધાર રાજીવ બજાજે કહ્યું, ‘આખી દુનિયામાં સૌથી વધુ મોટરસાઇકલ બનાવતી કંપની બનવાની અમારી ઇચ્છા છે. એ માટે બલિદાન તો આપવું રહ્યું.’ એમ તો ’૮૦ના દાયકામાં સમૃદ્ધિના નવા પ્રતીક તરીકે છવાઈ ગયેલી મારુતિ-૮૦૦ કાર પણ હવે મહાનગરોમાં ન વેચવાનું નક્કી થયું છે.

ચેતક ગયું, મારુતિ-૮૦૦ જઈ રહી છે. સાથ કે સભી દિયે ધૂઆં પહન પહન ગયે... એક પછી એક દીવા ઠરી ઠરીને, ધુમ્રસેર બની બનીને વિલીન થઈ રહ્યા છે. સામે નવા નવા દીવા પ્રગટતા જાય છે. સંસાર આગળ વધતો જાય છે. એમાં કોઈ નવાઈ નથી, કશું ખોટું નથી. પણ મામલો દિલનો છે.

રાજીવના પપ્પા રાહુલ બજાજે જાહેરમાં કહ્યું કે બજાજ-ચેતકના અંતની જાહેરાતથી એમને દુ:ખ થયું છે. થાય, થાય. ઉદ્યોગપતિ પણ છેવટે ઇન્સાન છે. જે સ્કૂટરના જોરે પોતે બજાજ જૂથને આટલે આગળ સુધી લઈ આવ્યા એનું ઉત્પાદન દીકરો બંધ કરે ત્યારે બાપના દિલની બે-ચાર નાજુક રગો તૂટી શકે.

રાહુલ બજાજ તો ખેર, બજાજ ઓટોના સ્થાપક છે, પરંતુ આપણે કોણ છીએ? ફકત બજાજ સ્કૂટરના વપરાશકાર. છતાં, એ સ્કૂટરની વિદાય આપણા હૃદયને પણ થોડી સ્પર્શી શકે. ગમે તેમ તોપણ ’૭૦, ’૮૦, ’૯૦ના દાયકામાં આપણે કે આપણાં માતા-પિતા આ સ્કૂટર પર હોંશેહોંશે ફરતાં. છોકરું આગળ હેન્ડલ પકડીને ઊભું રહેતું.

મમ્મી કે પત્ની/ પ્રેમિકા કે બહેન પાછળની સીટ પર બેસતાં અને એમના માટે પાછળના સ્પેરવ્હીલનો ટેકો એટલો પૂરતો હતો કે સ્કૂટર ચલાવનાર પુરુષના ખભા કે સાથળનો ટેકો લેવાની એમને જરૂર નહોતી પડતી. આગલી-પાછલી સીટ વચ્ચે એક અંતર હતું, જાણે આમન્યા હતી.

એ સારી કન્ડિશનમાં હોય ત્યારે એના અવાજને આપણે ‘ઘૂઘરી જેવો અવાજ’ કહેતા. એકાદ કીકથી એ ચાલુ ન થાય તો આપણે એને આપણી તરફ નમાવતાં. એ વિધિ એટલી સર્વવ્યાપી હતી કે લોકો મજાકમાં કહેતા:‘ભારતનું અવકાશયાન પણ જો સ્ટાર્ટ ન થતું હોય તો એને નમાવીને છોડો, તરત છૂટશે.’

માન્યું કે એ સ્કૂટર સર્વગુણસંપન્ન નહોતું. ધુમાડો ઘણો છૂટતો, કદ થોડું વધારે હોવાથી નોર્મલ-ભરાવદાર-ભારતીય નારી જેવું એ દેખાતું, રેતાળ રસ્તા પર કે જરાક ચીકણી સપાટી પર તરત લસરી જતું... બધી વાત સાચી, પણ એક જમાનો હતો એનો. ભારતીય મઘ્યમવર્ગ માટે ‘હમારા બજાજ’ સુખ-સગવડ-સમૃદ્ધિનું એક પ્રતીક હતું.

કંપની એની એડમાં દાવો કરતી: ‘બુલંદ ભારત કી બુલંદ તસવીર, હમારા બજાજ.’ આખા ભારતની તસવીર, ધડકન, પ્રતીક હોવાનો દાવો કોઈ પ્રોડકટ દ્વારા થાય ત્યારે એ બકવાસ લાગી શકે, એના પ્રત્યે ચીડ ચઢી શકે પણ બજાજનો દાવો ભાગ્યે જ ખૂંચતો, કારણ કે બજાજ સ્કૂટરનું સમાજમાં ખરેખર એક આગવું સ્થાન હતું.

છોકરો પોતાના પૈસે સ્કૂટર વસાવે ત્યારે ઓળખીતાઓને લાગતું- ‘હં...હવે છોકરો લાઇફમાં સેટ થઈ ગયો.’ મા-બાપને થતું-ગંગા નાહ્યા. ઉદારીકરણ-મોલ-ઇન્ટરનેટ-મોબાઇલ અગાઉના બે દાયકામાં જેમ અમિતાભ બચ્ચન ભારતીય પ્રજાના દુ:ખ-અસંતોષના પ્રતીક હતા તેમ બજાજ સ્કૂટર જનતાના સુખ-સંતોષનું એક પ્રતીક હતું.

એની ડિમાન્ડ એટલી બધી હતી કે સ્કૂટર નોંધાવ્યા પછી વારો આવવામાં બે-ત્રણ વર્ષ નીકળી જતાં. લોકો શાંતિથી રાહ જોતાં. એ જમાનો જ એવો હતો, થોડો ધીમો-ઠરેલ-શાંત. બજાજ સ્કૂટર પણ એવું જ. એને ઝાઝી સ્પીડે ભગાવી ન શકાય. બાઇકની જેમ ડાબે-જમણે નમાવતાં-નમાવતાં ઝયુઇંગ-ઝયુઇંગ ભગાવવાનું તો છોડો, સીધી લીટીમાં ચલાવતી વખતે પણ પચાસની સ્પીડ પકડો ત્યાં તો એ લફલફવા લાગે.

આવું આ સ્કૂટર છેવટે બાઇક-એક્ટિવા-કાઇનેટિક-સ્કૂટી સામેની હરીફાઈમાં ધીમું પડવા લાગ્યું. ૧૯૯૯ના વર્ષમાં બજાજ જૂથના કુલ વેચાણમાં સ્કૂટરનો હિસ્સો ૬૫.૨૩ ટકા હતો જે ઘટતો ઘટતો ડિસે. ’૦૯ના અંતે તો છેક ૦.૩૧ ટકા પર પહોંચી ગયો. માટે એની યાત્રા અટકી. ફાઇન. છતાં, એટલું કહેવું પડે કે આ સ્કૂટર કંઈ પેલા પેજર કે ફલોપીની જેમ આવીને તરત ફલોપ-જૂનું-નકામું ન થયું.

બાકી આજે તો મોબાઇલનાં મોડલ બે-ચાર મહિનામાં અને હીરોઇનો બે-ચાર વર્ષમાં ફેંકાઈ જાય છે. એ હિસાબે બજાજ સ્કૂટર ઘણું દોડ્યું... ઘણું દોડ્યું... રાણા પ્રતાપના ચેતકની જેમ. પ્રતાપના ચેતકની જેમ બજાજનું ચેતક પણ લોકોને યાદ રહેશે. સામાન્ય રીતે કોઈ ‘નાનો મહાનુભાવ’ મૃત્યુ પામે ત્યારે પણ એવું કહેવાનો રિવાજ છે કે ‘એમની વિદાય સાથે એક યુગનો અંત આવ્યો છે.’

આ વાકય બજાજ સ્કૂટરને લાગુ પડે છે. એની વિદાય સાથે આખા ભારતનો નહીં તો કમસે કમ ભારતના ‘એક વાહનયુગ’નો તો ચોક્કસ અંત આવ્યો છે. યુગાંતની આ ક્ષણે, માત્ર રાહુલ બજાજનું જ નહીં, આપણું દિલ પણ થોડું ઉદાસ થઈ શકે. દિલ આખીર દિલ હૈ, અને એ સ્કૂટર પણ ફકત સ્કૂટર નહોતું.

આવા એ સ્કૂટરને અંજલિ આપવી હોય તો શું કહી શકાય? કદાચ એ જ કે દોસ્ત, તું હંમેશાં યાદ રહેશે... તારા-અમારા સંગાથનો એ યુગ... એક એક ઘર સાથે એકથી વધુ દાયકાનો સાથ નિભાવવાની તારી વફાદારી... પરિવારના સભ્ય જેવું તારું એક આગવું સ્થાન... તારી કમનીય કાયા... તારી ઠરેલ ગતિ... ઘૂઘરી જેવો અવાજ... આંગણામાં તારી હાજરીનો દબદબો... સમાજમાં તારો રુતબો... બધું યાદ રહેશે... સલામ દોસ્ત...શાબાશ... વેલ ડન!
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.