તેલંગાણાના મુદ્દે કોંગ્રેસમાં પડેલી ઊભી તિરાડ કરતાં પણ કેન્દ્રીય નેતાગીરીની વધી રહેલી મૂંઝવણ દેશના અન્ય વિસ્તારોમાંથી નવા રાજય માટેની વધતી જતી માગને કારણે છે. ‘તેલંગાણા ગર્જના રેલી’ પછી કોંગ્રેસ પક્ષની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. છેલ્લા થોડાક સમયથી શાંત બેઠેલા રાજ્યના માઓવાદી પરિબળો પણ આ લડતમાં ઝંપલાવશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જતાં વાર લાગશે નહીં.
૧૯૫૦ના દાયકામાં મહાગુજરાત આંદોલને એક ઝાટકે ગુજરાતના રાજકારણના સમીકરણો બદલી નાંખ્યા હતા. રાજ્યમાં અજય મનાતા કોંગ્રેસ પક્ષ અને ખાસ કરીને તેના સર્વોચ્ચ મનાતા મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વનો જે ભંગાર કરી નાખ્યો હતો તેનું પુનરાવર્તન અત્યારે આંધ્રપ્રદેશમાં ચાલી રહ્યું છે.
કોંગ્રેસ પક્ષને તેલંગાણાના આંદોલને પાયામાંથી હચમચાવી દીધો છે. અલગ તેલંગાણાની માગણી માટે આમરણ ઉપવાસ પર ઊતરેલા ‘તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વડા કે. ચંદ્રશેખર રાવની તબીયત લથડતાં અને તેની ભારે રાજકીય કિંમત કોંગ્રેસ પક્ષે ચૂકવવી પડશે તેવી દહેશત હેઠળ ગૃહમંત્રી ચિદમ્બરે ડિસેમ્બર ૨૦૦૯માં અલગ તેલંગાણાની રચના અગે સૈદ્ધાંતિક સંમતિ આપી દીધી.’
૫૦ના દાયકાના આરંભમાં શ્રીરામાલુએ અલગ આંધ્રની રચના માટે આવા જ આમરણ અનશન કર્યા હતા અને તેમનું મૃત્યુ થતાં વ્યાપક રમખાણો ફાટી નીકળ્યાં હતાં. એ ઇતિહાસનું પુનરાવર્તન થતું રોકવા કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે અલગ તેલંગાણાની જે ખાતરી આપી ત્યારે તેના પડનારા પ્રત્યાઘાતોથી તે સંપૂર્ણ અજાણ હતી.
અલગ તેલંગાણા સામે તટવર્તી આંધ્રના વિસ્તારો તથા રામલુ સીમાનો વ્યાપક વિરોધ ફાટી નીકળતાં કેન્દ્રીય નેતાગીરી મૂંઝવણમાં મુકાઈ ગઈ. પછી તો તેલંગાણાના સમર્થનમાં અને વિરોધમાં રાજીનામાઓનો દોર શરૂ થયો. તેલંગાણાના મુદ્દે પક્ષમાં પડેલી ઊભી તિરાડ કરતાં પણ કેન્દ્રીય નેતાગીરીની વધી રહેલી મૂંઝવણ દેશના અન્ય વિસ્તારોમાંથી નવા રાજય માટેની વધતી જતી માગને કારણે છે.
ગુરખાલેન્ડ, બુદેલખંડ, હરિત પ્રદેશ, વિદર્ભ અને તામિલનાડુના વિભાજન સહિત સંખ્યાબંધ નવા રાજ્યોની માગણી સાથે દ્વિતીય રાજ્ય પુનર્રચના પંચ-સ્ટેટ્સ રિઓર્ગેનિઝેશન કમિશન-નીમવાની માગણી બુલંદ થવા લાગી. હવે કેન્દ્ર સરકારને ખ્યાલ આવવા લાગ્યો કે ઉતાવળે તેલંગાણા રાજ્યની માગણીને સ્વીકારી લઈ પોતે વીંછીનો દાબડો ખોલી કાઢ્યો છે!
આથી ગૃહમંત્રી ચિદમ્બરમે પલટી મારી ડિસેમ્બર ૨૩મીએ જાહેરાત કરી કે બધાની સર્વસંમતિ ઊભી કર્યા પછી તેલંગાણાની રચનાની વિધિ આગળ વધશે! આ જાહેરાત થતાં સરકાર તેલંગાણાની રચનાનું વચન આપી હવે ફરી રહી છે તેવી લાગણી તેલંગાણા વિસ્તારોમાં ફેલાતા કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર સામે વ્યાપક રોષ ફાટી નીકળ્યો.
હવે નવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે. આમરણ ઉપવાસનો આરંભ કરી કે.ચંદ્રશેખર રાવે ઠંડા પડી ચૂકેલા અલગ તેલંગાણા માટેના આંદોલનને સજીવન તો કરી દીધું, પરંતુ હવે દોર તેમના હાથમાં રહ્યો નથી. તેલંગાણાની માગ માટે પ્રો. કે.કોડાનંદમના અઘ્યક્ષપદે એક સર્વદલીય સમિતિની રચના કરવામાં આવી છે.
તેઓ છેલ્લે વડાપ્રધાનને મળ્યા પણ તેનું કંઈ જ પરિણામ આવ્યું નથી. જેના એક સભ્ય તરીકે હવે ચંદ્રશેખર રાવ છે, પરંતુ સૌથી નોંધપાત્ર પાસું તો એ છે કે તેલંગાણા આંદોલનનો ખરો દોર હવે ઝડપભેર ઓસ્માનિયા યુનિવર્સિટીના છાત્રોના હાથમાં સરકતો જાય છે. હૈદરાબાદ ખાતે છાત્રોએ પ્રચંડ રેલીનું આયોજન કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરી બતાવ્યું છે.
હવે જે નવું રાજકીય ચિત્ર ઉદ્ભવી રહ્યું છે તેમાં કેવળ કોંગ્રેસ પક્ષની ખુવારી થઈ નથી, પરંતુ વિપક્ષોની પણ ખુવારી થઈ રહી છે. ચંદ્રાબાબુ નાયડુનો તેલુગુ દેશમ પક્ષ અને ચિરંજીવીનો પ્રજા રાજયમ પક્ષ અલગ તેલંગાણાનો વિરોધ કરી આંધ્રના વિભાજનનો વિરોધ કરી રહ્યા છે. આ બંને વિપક્ષોના તેલંગાણાસ્થિત કાર્યકરો અલગ તેલંગાણાના સમર્થક હોવાથી તેઓની સ્થિતિ કોંગ્રેસ પક્ષ જેવી થઈ રહી છે.
‘તેલંગાણા ગર્જના રેલી પછી તમામ રાજકીય પક્ષો અને તેમાંય ખાસ કરીને કોંગ્રેસ પક્ષની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. છેલ્લા થોડાક સમયથી શાંત બેઠેલા રાજ્યના માઓવાદી પરિબળો પણ આ લડતમાં ઝંપલાવશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જતાં વાર લાગશે નહીં.
દરમિયાન આંધ્રના કોંગ્રેસ પક્ષ સહિત મુખ્ય વિપક્ષ એવા તેલગુ દેશમ કે પ્રજા રાજ્યમ પક્ષ તેલંગાણાની રચના અંગે સર્વસંમતિ પર આવી શકે તેમ નથી. વધારામાં કેન્દ્ર સરકાર પણ તાકીદે આ માગણીને સ્વીકારી લઈ અન્ય નવા રાજ્યોની માગને પ્રોત્સાહન આપી શકે તેમ નથી. વધારામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ જે કાંઈ વલણ લે પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધે તો અલગ તેલંગાણાનો સ્પષ્ટ વિરોધ જાહેર કરી દીધો છે.
જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે તેમાં અલગ તેલંગાણા માટે ભૂતકાળમાં આપેલા વચનોનું પાલન કરી તેની રાજકીય કિંમત ચૂકવવી કે વચનોનું પાલન ન કરીને તેની કિંમત ચૂકવવી તેનો નિર્ણય કોંગ્રેસ પક્ષે કરવો પડવાનો છે. ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીથી માંડી કોંગ્રેસ અત્યાર સુધી અલગ તેલંગાણા માટે આશ્વાસન આપતી રહી હોવાથી જો તે પોતાનું વચન પૂરું નહીં કરે તો કમસે કમ તેલંગાણા વિસ્તારોમાં તો તેણે મોટી કિંમત ચૂકવવી પડવાની છે.
તો સામી બાજુ તેલંગાણાના તમામ રાજકીય પરિબળો અને હવે છાત્રો, અલગ રાજ્ય માટેની માગને જે બુલંદી પર લઈ જઈ રહ્યા છે તેનો પ્રતિકાર કરવો પણ કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર માટે સરળ રહ્યો નથી. તેલંગાણા અંગે કેન્દ્ર સરકાર જ્યારે પણ અને જે કાંઈ નિર્ણય કરે પરંતુ ચંદ્રશેખર રાવના અનશન પછી જે રાજકીય કટોકટીનું સર્જન થયું છે તેમાં અંતે અત્યારની કે. રોસાઈઆની રાજ્ય સરકારનું ભાવિ ભયમાં મુકાઈ જવાનું છે અને રાષ્ટ્રપતિશાસનની લટકતી તલવાર વહેલી મોડી પડ્યા વગર રહેવાની નથી.
લેખક પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષક છે.