માનવીની વાસનાથી ભડકેલી ભૂખ સંતોષવા તેને આયુર્વેદની શિલાજિત અને બીજા વાજીકરણ ઔષધોથી સંતોષ નથી. પશ્ચિમનો સેક્સભૂખ્યો માણસ એફ્રોડિઝિયાકસ એટલે કે કામદીપક ઔષધો માટે ચીન ઉપર નજર નાખે છે. ચીનના લોકોને ૧૦૦ વર્ષ જીવવું છે એટલે કે લાંબે સુધી મૈથુનસુખ પણ ભોગવવું હોય છે. એટલે વાઘની ઇન્દ્રિયથી માંડીને હરણના શિંગ, હરણની ઇન્દ્રિયો, સૂકેલી ગરોળી, વાંદરાના મગજનું સત્વ, ચકલીની જીભ, સસલાના વાળ એ તમામને કામવાસના વધારવાના ઔષધમાં વાપરે છે. તમને સાંભળીને ચીતરી ચઢશે કે વાઘની જનનેન્દ્રિય બહુ દુર્લભ છે એટલે સસ્તી રીતે કામોત્તેજના માટે થાઇલેન્ડથી કૂતરાની ઇન્દ્રિય કાપીને ચીન અને તાઇવાન નિકાસ થાય છે.
એવી રીતે નરમૃગની ઇન્દ્રિય અને વૃષણ દરેક રૂ.૩૦૦૦માં વેચાય છે. ચીનમાં પછી જે દવા બને છે તેના નામ પણ ચોટડુંક હોય છે. દા.ત. ‘ચાઇનીઝ ડ્રેગન ટોનિક,’ ‘ઇસ્ટ સુપમેન પીલ્સ’ આવી દવાઓ સેક્સને પાવરફુલ બનાવે છે, તેવો પોકળ દાવો થાય છે (જુઓ ‘ટાઇમ’ મેગેઝિન ૧૯-૩-૦૧). એટલી હદ સુધી ‘ટાઇમ’ મેગેઝિન લખે છે કે ‘ડ્રેગન ટ્રોનિક’ દવાથી નવ નવ રાત સુધી અવિરત સેક્સ કરી શકાય છે! ન્યૂ યોર્ક ટાઇમ્સના કહેવા પ્રમાણે ચાઇનીઝ મેડિસિન શોપમાં જઈને એક અમેરિકન સ્ત્રીએ (૫૦ની ઉંમરે) કહ્યું, મને ચીની સેક્સ ટોનિક આપો. મારે એક નવું બાળક જોઈએ છે! વૃદ્ધાઓની સેક્સભૂખ ભડકી છે. મૃગશિંગમાંથી બનતી દવાની ૨૯ દિવસની ટ્રીટમેન્ટના R સાડાપાંચ લાખ થાય છે, પણ તે મોંઘી દવાની ટ્રીટમેન્ટ કામાતુર સ્ત્રી કરાવે છે. રીંછનો લાળરસ, રીંછનાં મૂત્રપિંડ, હરણની પૂંઠમાંથી મળતી કસ્તુરી અને વાઘના હાડકાં સેક્સ ટોનિક રૂપે અમેરિકામાં ખૂબ વપરાય છે. વાઘના લગભગ મોટા ભાગનાં અંગોને ચીનાઓ વાજીકરણની દવારૂપે વાપરે છે. ‘ટાઇગર વાઇન’ પણ વેચાય છે તે વાઇન પુરુષની કામશક્તિ વધારે છે, તેમ દ્રઢપણે મનાય છે.
એક વાઘના શરીરમાંથી ૨૪ રતલ હાડકાં મળે છે. તેમાં કુદરતી ફોસ્ફરસ, કેિલ્શયમ ને લોહતત્વ હોય છે તે ખરેખર પોષક (ન્યુટિ્રસીયસ) છે. વાઘનાં વૃષણમાંથી ક્ષયની દવા બને છે. તાઇવાનમાં વેચાતો ટાઇગર સૂપનો એક ગ્લાસ ૩૨૦ ડો.લરમાં મળે છે, સેકસુઅલ પાવર વધારવા. આજે ચીન, કોરિયા, હોંગકોંગ, સિંગાપોર અને અમેરિકાના ચાયના ટાઉનમાં અને યુરોપમાં પણ વાઘનાં અંગોમાંથી બનેલી દવાઓ ખૂબ ખપે છે. વાઘના મગજમાંથી બનતી દવા ચીની છોકરીઓ ખીલ માટે વાપરે છે. આ બધી દવા માટે વાઘ જરૂરી હતા એટલે ચીનમાં ટાઇગર-ફાર્મ ઊભા થયેલા. જગતભરમાં વિરોધ થયા પછી ટાઇગર ફાર્મ ૧૯૯૩થી બંધ થયા છે. છતાં છૂપે છૂપે દવા માટે જ ભારતમાંથી વાઘ આયાત થાય છે. આજે મંચુરિયાના પ્રદેશમાં વાઘના ફાર્મ છે. ચીન બીજા દેશોના વાઘનાં હાડકાં મિકસ કરે છે. મઘ્ય પ્રદેશમાં એક જમાનામાં વાઘનાં નખ અને દાંતના માદળિયાં બનતા તેને આદિવાસી ચમત્કારી માનતા. વાઘની ચરબીમાંથી સંધિવા માટેની દવા બને છે પેશાબની પથરી વાઘની ચરબીથી ઓગળી જાય છે તે સાચું છે. વાઘની મૂછનો ઉપયોગ પ્રેયસીને આકર્ષવા માટે પણ થતો.
વાઘના મૂત્રપિંડમાંથી બનાવેલું તેલ નપુંસકતા નિવારવા બાહ્ય ઉપચાર તરીકે વપરાય છે. કઠણાઈની વાતની છે કે ચીની સરકારે વાઘનાં અંગોમાંથી બનતી દવાને માન્યતા આપી છે. ઇન્ડોનેશિયાના સુમાત્રા પ્રદેશમાં વાઘની વસતિ ઘણી છે. ૧૯૯૮થી ૨૦૦૨ સુધીમાં ૫૦ જેટલા સુમાત્રન ટાઇગરને મારીને તેના અંગો નિકાસ થતા હતા. નવનીત-સમર્પણમાં વાઘનો લેખ છપાયો ત્યારે ૧૯૭૦માં ૮૫૦૦ વાઘ જગતભરમાં હતા તે આજે ત્રીજા ભાગના રહ્યા છે. આજની ૨૧મી સદીની વાસનાની ભૂખડ કેટલીક સ્ત્રી કરતાં વાઘણ સેક્સમાં વધુ સંયમી હોય છે. એક વાઘ સાથે ‘ મોસમ’માં સેક્સ કરાવ્યા પછી બીજા વાઘને ‘પ્રેમ’ કરવા ફરકવા દેતી નથી.