મહુવા નજીક દાઠા ગામના સોની ભીમજીદાદા ખભે એરણ લઈ ગામડામાં ફરે અને સોનાના ઘરેણાં રિપેર કરી આપતા કે નજર સામે બંગડી-વીંટી ઘડી આપતા. આજે મુંબઈમાં તેમના પૌત્રો-પ્રપૌત્રોઐ ત્રિભુવન ભીમજી ઝવેરીનું નામ પ્રખ્યાત કર્યું છે તે સોનાનાં ઘરેણાંના રિપેરમાંથી પેદા થયું છે.
કેન્યાના મોમ્બાસા શહેરની શેરીમાં ગુજરાતી મોચીને પ્લેટફોર્મ પર જૂતા રિપેર કરવા મફત દુકાન કરવા દેવાય છે. જૂતા વેચનારી ફેન્સી-કંપની ઘણી છે પણ જૂતાને રિપેર કરવા આજે મુંબઈના પરાની શેરીઓમાં મોચી બંધુઓ ફૂટપાથ પર રિપેર-મેન્ટેનન્સ કરે છે.
એ રીતે એક સિંગર મશીન લોનથી ખરીદીને જૂના-નવા કપડાં, સાડી, બ્લાઉઝ કે પેન્ટને રિપેર કરનારા દરજીબંધુઓ મુંબઈમાં ઠેરઠેર છે. આ નીચલી પાયરીથી માંડીને ઊચે જઈએ તો વિમાનોની જાળવણીનો અને રિપેરનો જગતભરનો ઉદ્યોગ ૫૫.૨ અબજ ડોલરનો એટલે કે રૂ.૨૭૬૦૦૦ કરોડનો અધધ છે.
‘ધ શોક ઓફ ધ વર્લ્ડ’નામનું દુર્લભ પુસ્તક અનોખું છે. આ રિપેર-મેન્ટેનન્સ ઉદ્યોગનો સાચો અંદાજ ભાગ્યે જ કોઈ દેશના અર્થશાસ્ત્રી આપી શકે છે માત્ર એવિયેશન (હવાઈ જહાજ) ઇન્ડસ્ટ્રીનો અમેરિકા પૂરતો અંદાજ ઉપર લખ્યો છે. ઉપરોક્ત પુસ્તક આખું ટેક્નોલોજીના ઇતિહાસનું પુસ્તક છે તેનો ગુજરાત સરકાર અભ્યાસ કરાવે તો જગતભરના અબજોના અબજો ડોલરના મેન્ટેનન્સ ઉદ્યોગનો એક જબ્બર ૧૦૦૦૦ એકરનો ઝોન ગુજરાતમાં ઊભો કરી વિમાન,મોટર,કમ્પ્યૂટર વગેરેના રિપેરનો મલ્ટિમિલિયન ડોલરના ઉદ્યોગનું આઉટસોર્સિંગ થઈ શકે.
એક દાખલો આપું. ગ્રીસના તનણા ગામે હેલેનિક એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી નામની કંપનીનું જંગી વિમાનોની જાળવણીનું કારખાનું છે. તેમાં ગરીબ દેશોના હજારો કારીગરો કમાય છે. તે કંપનીનો ઊથલો ૨૩.૬૧ કરોડ યુરોનો છે એટલે કે એક જ કંપનીના રિપેરનું ટર્નઓવર વર્ષે R ૫૦૦ કરોડ છે. બોઇંગ, એરબસ, લોકહીડ વગેરે ઇન્ટરનેશનલ વિમાન કંપનીના વિમાનો ત્યાં રિપેર-જાળવણી માટે આવે છે. અહીં વિમાનોની નવી ડિઝાઇનો પણ થાય છે. આખા પ્લેનનું ઓવરહોલીગ (નવીનીકરણ)થાય છે. આપણો દેશ બ્રિટન પછી વિમાન ઉદ્યોગમાં બીજે નંબરે હતો, ભારતમાં શું કામ જગતભરના વિમાનો જાળવણી માટે ન આવે?
અમેરિકા તેના લડાયક વિમાન સી-૧૩૦ની ટેક્નોલોજી ખાનગી રાખે છે પણ લોકહીડ કંપનીના બનેલા મિલિટરી સી-૧૩૦ વિમાનો ગ્રીસમાં રિપેર થવા આવે છે. ધારો કે કોઈ ગુજરાતી ઉદ્યોગપતિ ગુજરાત સરકારને ગળે મેન્ટેનન્સ ઉદ્યોગના પોટેન્શ્યલની વાત ઉતારે તો? આ ઉદ્યોગ કમાઉ છે. કેટલો કમાઉ? અમેરિકાનાં એકલા એરોપ્લેનનો મેન્ટેનન્સ ઉદ્યોગ ૫૫.૨ અબજ ડોલરનો છે તો પછી જગતભરનો બીજી બીજી મશીનરી, ઘરઘરાઉ ડુમેસ્ટિક એપ્લાયન્સીસનો ઊથલો કેટલો હશે? ૫૫૦ અબજ ડોલર? ૧૦૦૦૦ અબજ ડોલર?
તમારું ભેજું કામ ન કરે તેવી ચીજોના રિપેર માટે જર્મની, હોલેન્ડ ને બીજા દેશોમાં રિપેરની ચેઈન-શોપ છે. હીયરિંગ એઈડ (બહેરાને સાંભળવાના યંત્ર) રેઝર રિપેર (ઇલેકિટ્રક) લેમ્પ રિપેર સેલફોન રિપેર, વેકયુમ કલીનર રિપેર, ગાર્ડન ઇકિવપમેન્ટ રિપેર વગેરેનો અંદાજ ‘ક્વોલિટી ડાઇજેસ્ટ’નામના મેગેઝિનમાંથી તમને મળે. ‘કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ રિપેર એન્ડ મેન્ટેનન્સ ઇન્ડસ્ટ્રી રિપોર્ટ-૨૦૦૯ રૂ.૨૫૦૦૦માં ખરીદો તો ટીવી સેટ, સીડી સ્ટીરિયોફોનિક રિપેર, વીડિયો રિપેર વગેરેના જંગી ઉદ્યોગની ભાળ મળે.
સિંગાપોર, ચીન, ભારત અને મલેશિયા મોડે મોડે મેન્ટેનન્સ ઉદ્યોગનું મહત્ત્વ સમજયા છે. સિંગાપોરમાં એરફ્રાન્સ, ડેલ્ટા જોરેવેયઝ અને લુફથાન્સા કંપનીનાં વિમાનો રિપેર થવા આવે છે, અરે અબુધાબીમાં ‘એરક્રાફટ ટેક્નોલોજી કંપની’ રિપેરમાંથી કરોડોની કમાણી કરે છે.