મેડિકલ સેન્ટરના રેસિડેન્ટ તબીબો હડતાલ પર
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી જતા અફડા તફડી સર્જાઇ હતી. સિક્યુરીટી ગાર્ડે તબીબને માર મારવાની સાથે કેટલીક માગણીઓ નહીં સંતોષવામાં આવતા અંદાજે ૧૨૮ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોને હડતાલ સમેટી લેવા માટે ટ્રસ્ટીઓએ બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરેન્દ્રનગરમાં આવેલી સી.યુ.શાહ મેડિકલ સેન્ટર છેલ્લા ઘણા સમયથી એક યા બીજી રીતે ચર્ચામાં રહી છે ત્યારે બુધવારે હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. મંગળવારની રાતે રેસિડેન્ટ તબીબ ઉમંગભાઇ સાથે વાહન પાર્ક કરવા બાબતે સિક્યુરીટીના જવાને બોલાચાલી કરી હતી.
દરમિયાન ઉશ્કેરાયેલા સિક્યુરીટીના જવાને તબીબને માર માર્યો હતો. જેમાં તબીબને નાક પર ફ્રેકચર થઇ જતાં અન્ય તબીબોમાં પણ રોષ ફેલાયો હતો. મોડી રાત સુધી આ મામલે હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. બાદમાં બુધવારે સવારે સિક્યુરીટી બદલાવવાની સાથે સંસ્થા તરફથી તબીબોને જે સ્ટાઇપેન્ડની રકમ ચૂકવવામાં આવે છે તે ખૂબ જ ઓછી છે. આથી સ્ટાઇપેન્ડની રકમ વધારવાની સાથે સંસ્થાની મેસમાં જ જમવાની બાબતનો વિરોધ કર્યો હતો.
આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવા છતા પ્રશ્ન હલ કરવામાં ન આવતા રોષે ભરાયેલા રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં તબીબો હડતાલ પર ઉતરી જતા દર્દીઓને સારવાર આપવામાં મુશ્કેલી પડી હતી. હડતાલ સમેટી લેવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા તબીબોને સમજાવવા માટે પ્રયાસો ક્યા હતા. પરંતુ તબીબો પોતાની માગણી પર અડગ રહેતા હોસ્પિટલમાં અફડા તફડીનો માહોલ છવાયો હતો.












