રબર બલૂન બેરેજ તાપીને પ્રદૂષિત કરે તેવી દહેશત
હાલમાં પ્રતિદિન પચાસ કરોડ લિટર ગટરનું પાણી તાપીમાં ઠલવાઈ રહ્યું છે, તે બધું મીઠા સરોવરમાં ભળશે
રૂંઢ નજીક તાપીમાં રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે રબર બલૂન કોઝવે બનાવવાની હિલચાલ તેજ થઈ છે, પરંતુ પાલિકા ભૂલી ગઈ છે કે પ્રદૂષણના મુદ્દે આ પ્રોજેક્ટને સાત વર્ષ પહેલાં અભરાઈ પર ચઢાવી દેવામાં આવ્યો હતો. હા, આ પ્રોજેક્ટ શહેર માટે આશીર્વાદને બદલે અભિશાપ પૂરવાર થાય તેવી દહેશત છે. રબર બલૂન બેરેજ આકાર પામે તો તાપીમાં ગટરનું પાણી વધુ માત્રામાં ભળે તેવી શક્યતા છે.
રબર બેરેજનો પ્રાથમિક રીપોર્ટ વર્ષ ૨૦૦૩માં સર્વપ્રથમ ડો. એમ.ડી.દેસાઈ દ્વારા આપવામાં આવ્યો હતો. એસવીએનઆઇટીના પ્રોફેસર ડો. મહેશ દેસાઇએ જણાવ્યું કે વિયરની ડાઉન સ્ટ્રીમમાં અથૉત સમુદ્ર તરફ જતાં નાના મોટા એવા પંદર કરતાં વધારે વરસાદી પાણીના આઉટલેટના કનેકશન તાપી સાથે જોડી દેવામાં આવ્યા છે.
આ વરસાદી આઉટલેટની સાથે સુરત શહેરનાં હજારો ગટરનાં કનેકશન જોડી દેવામાં આવ્યાં છે. ભરીમાતા, સિંગણપોર, હનુમાન ટેકરી, સ્વામીનારાયણ મંદિર, મક્કાઈપુલ, ચોક, અંબિકા નિકેતન વગેરે સત્તર જેટલા તાપીમાં વરસાદી પાણીના આઉટલેટ છે, જેમાંથી ચોવીસ કલાક ગટર અથૉત મળમૂત્રનું પાણી ઠલવાઈ રહ્યું છે.
આ ગટરનાં પાણીને સ્ટોર્મ લાઇનમાંથી અટકાવવામાં ન આવ્યું તો રબરના કોઝવેનો કોઈ ફાયદો રહેશે નહીં. રબરનો કોઝવે નિર્માણ કરી દેવામાં આવે છે અને સ્ટોર્મ લાઇનમાંથી ડ્રેનેજ કનેકશનોને દૂર કરવામાં આવતા નથી તેવા સંજોગોમાં રોજનું પ૦ કરોડ લિટર પાણી મીઠા પાણીના સરોવરમાં ભળી જશે. રબરના કોઝવેને કારણે મીઠા પાણીમાં ગટરનું પચાસ કરોડ લિટર પાણી ભેગું થાય તો તાપીની દશા બેસી જાય તેમ છે. શહેરમાં મચ્છરો અને અન્ય જીવાતના ઉપદ્રવ તથા પ્રદૂષિત વનસ્પતિઓના ઉપદ્રવને વધારે વકરાવીને રબર બેરેજ તેના ફાયદા કરતાં નવી સમસ્યા પેદા કરશે.
બેરેજ પ્રોજેક્ટ ૨૦૦૩માં માળિયે ચડાવી દેવાયો હતો
ડો. દેસાઇએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૩માં રબર બેરેજ પ્રોજેક્ટ મંજુર કરી દેવામાં આવ્યો હતો પરંતુ હજારો ગેરકાયદે ગટરનાં કનેકશનોને વરસાદી લાઇન (સ્ટોર્મ લાઇન) સાથે જોડી દેવામાં આવ્યા હોવાને કારણે આ પ્રોજેક્ટ સાત વર્ષ સુધી માળિયે ચડાવી દેવામાં આવ્યો હતો.રબર બેરેજનું નિર્માણ ત્યારે જ સાર્થક ગણાશે, જ્યારે શહેરમાં વરસાદી પાણીની લાઇનમાં જોડી દેવામાં આવેલાં હજારો ગટરનાં કનેકશન દૂર કરી દેવામાં આવે, અન્યથા રબર બેરેજ શહેર માટે વધુ એક સમસ્યા સર્જશે.












