ગેંગસ્ટર ફઝલુ રહેમાન સામે ચાર્જફ્રેમ
૭.૭.૨૦૧૦ના રોજ ફઝલુ રહેમાનને ફરી વખત કોર્ટ સમક્ષ રજુ કરાશે
સમગ્ર શહેરમાં ચકચાર મચાવનાર ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી અને પિતા સુરેન્દ્ર શેટ્ટીએ શહેરના પ્રફુલ્લ સાડીના ઉત્પાદક શિવનારાયણ અગ્રવાલ પાસેથી નાણા વસૂલવા માટે દુબઇની માફિયા ગેંગ અલબુંદેશનો સંપર્ક કરી સોપારી આપી હતી. આ કેસના મુખ્ય આરોપી ફઝલુ રહેમાનને બુધવારે દિલ્હીની તિહાર જેલમાંથી સુરત લવાયો હતો. પોલીસે ફઝલુ સામે પૂરવણી ચાર્જશીટ રજુ કર્યા બાદ કોર્ટે તેના વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કર્યો હતો.
વિગતો અનુસાર શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૦૨-૦૩માં શહેરના જાણીતા સાડીના ઉત્પાદક શિવનારાયણ અગ્રવાલની ‘પ્રફુલ્લ સાડી’ બ્રાન્ડ માટે જાહેરાત કરી હતી. આ જાહેરાતના રૂપિયા બે કરોડ બાકી હોવાનું જણાવી શિલ્પા શેટ્ટીનાં માતા સુનંદા તેમજ પિતા સુરેન્દ્રએ પોતાના ડ્રાયવર અશરફ મારફત દુબઇસ્થિત માફિયા ટોળકી અલબુંદેશ ગેંગનો સંપર્ક કર્યો હતો.
આ ગેંગના ટપોરી ફઝલુ રહેમાને પ્રફુલ્લ સાડીના માલિક શિવનારાયણ ઉર્ફે પંકજભાઇ દેવકીનંદન અગ્રવાલને ફોન પર વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એક વખત ખંડણી પેટે રૂ. ૩ લાખ વસૂલવામાં પણ આવ્યા હતા. ફઝલુએ વારંવાર ધાક ધમકી આપતાં આખરે તા. ૧.પ.૦૩ના રોજ શિવનારાયણ અગ્રવાલે સુનંદા શેટ્ટી, સુરેન્દ્ર શેટ્ટી, અશરફ અને ફઝલુ રહેમાન વિરુદ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફઝલુ રહેમાનને પોલીસ ગત તા. ૧૯.૩.૦૯ના રોજ ટ્રાન્સફર વોરન્ટથી દિલ્હીની તિહાર જેલમાંથી સુરત લઇ આવી હતી અને તેને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી હતી. હાલમાં તિહાર જેલ ખાતે સજા કાપી રહેલા ફઝલુ રહેમાનને બુધવારે દિલ્હી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરતની ચીફ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. ચીફ કોર્ટમાં પોલીસે ૧૪૫ પાનાની પુરવણી ચાર્જશીટ રજુ કર્યા બાદ કોર્ટે ફઝલુ સામે ચાર્જ ફ્રેમ કર્યો હતો.
કોર્ટે ફઝલુને ગુનો કબૂલ હોવા અંગે પૂછતાં તેણે ઇનકાર કર્યો હતો. આરોપીને પુરવણી ચાર્જશીટની કોપી અંગે પુછવામાં આવતા તેણે પોતાના વકીલ મનોજ પટેલ તેમજ અનશિ ખયાલીને ચાર્જશીટની કોપી આપવા માટે જણાવ્યું હતું.હવે પછી આગામી તા. ૭.૭.૨૦૧૦ના રોજ ફઝલુ રહેમાનને ફરી વખત કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવનાર છે.












