લંડનની સમસ્યાનો ઉકેલ ગુજરાતમાં !!
તાજેતરમાં અખબારોમાં એવા અહેવાલ પ્રકાશીત થયા હતાકે, લંડનના બ્રેન્ટ વિસ્તારમાં ભારતીયો અને દક્ષિણ એશિયાવાસીઓની વસ્તી વધારે છે. જેને પાન ખાવાંની ટેવ વધારે છે. જેના કારણે અહીં સફાઇ કરવા માટે વર્ષે દહાડે 20,000 પાઉન્ડ ખર્ચવા પડે છે. એટલે, રૂ. 1,60,0000. ઉપરાંત જો પાનની પીચકારી મારતાં પકડાઇ ગયા તો આવી બન્યું સમજો. તમારે 80 પાઉન્ડનો દંડ ભરવો પડે.
વેમ્બલીના લોકોને લાગે છેકે, રસ્તા પર જ્યાં ત્યાં મારવામાં આવી રહેલી પાનની પિચકારીના કારણે તેમના શહેરની છાપ બગડે છે. તે, આપણી કોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનને તો એમ લાગતું જ નથી. ઉલ્ટું કોર્પોરેશનની કોઇ ઇમારતનો ખૂણો તમને ચોખ્ખો નહીં જોવા મળે ! જો તેનો રૂપિયામાં હિસાબ કરીએ તો રૂ. 5,500 જેવો થવા જાય. લે બોલો...આપણેને તો ખબર જ નહીં કે જાહેર સ્થળોએ પાનની પિચકારી મારવાથી સજા થઇ શકે. આપણને, તો એમ જ કે જેમ ભારતના બંધારણ પ્રમાણે ગમે ત્યાં ફરવાની આઝાદી છે, તેમ ગમે ત્યાં પાનની પિચકારી મારવાની પણ આપણને આઝાદી છે.
સારૂ છે આપણે ત્યાં આટલો ભારે દંડ નથી, અને જો હોય તો પણ ચિંતા નહીં કરવાની. જમાદારને કે પછી મ્યુનિસિપાલ્ટીના અધિકારીને રૂ. 50 કે રૂ. 100ની નોટ પકડાવી દેવાની. તેઓ પણ ખુશ અને તમે પણ ખુશ. થઇ ગયોને ફાયદો. ઉપરાંત મનફાવે ત્યાં પિચકારી મારવાની પણ આઝાદી છે. ચાહે તે ઇમારતના પગથિયાં હોય કે પાર્કિંગનું સ્થળ. સરકારી ઇમારતો કે કોઇ શોપિંગ કોમ્પલેક્સની મૂતરડી.
આ સમાચાર વાંચીને અમારા રઘુભા બાપુ છળી પડ્યાં. કોઇ મોટા રાજકીય નેતાના સલાહકાર હોય એવી અદાથી તેમણે લંડનની આ સમસ્યાનો ઉકેલ અહીં ગુજરાતમાં બેઠાં-બેઠાં આપી દીધો છે. તેમના કહેવા પ્રમાણે આપણાં ગુજરાત ના મોરબીમાંથી હિંદુ, મુસ્લીમ, અને ઇસાઇ દેવી દેવતાઓના ફોટાંવાળી ટાઇલ્સ લંડન મોકલી આપવી જોઇએ. પછી, જ્યાં જ્યાં પાનની પિચકારીની સમસ્યા હોય ત્યાં-ત્યાં લગાવી આપવાની. (અમરા રઘુભા બાપુએ તો 20,000 પાઉન્ડમાં કેટલી ટાઇલ્સ આવે તેનો પણ હિસાબ કરી બતાવ્યો.)
વધુમાં તેમનું સૂચન છેકે, દંડ રૂપે જે કાંઇ રકમ એકઠી થાય તેની પચાસ ટકા રકમ સફાઇ પાછળ ખર્ચવાની અને પચાસ ટકા રકમમાંથી ટાઇલ્સ મંગાવવાની. તેમનો તર્ક એવો છેકે, ગુજરાતીઓ જો બ્રેન્ટ કાઉન્સીલને આટલો લાભ (!!) ખટાવતાં હોય તો તેની પચાસ ટકા રકમ તો ગુજરાતને પાછી મળવી જોઇએ કે નહીં ?
આપણાં બધા ધર્મના દેવી દેવતાઓ પણ બહુ સારાં છે. તેઓ આપણી અને સમાજની રક્ષા કરવાની સાથે-સાથે, આપણાં એપાર્ટમેન્ટ, સરકારી બિલ્ડિંગોની અને જાહેર સ્થળોના ખૂણાંઓની પણ રક્ષા કરે છે. જોકે, આ રક્ષા કોઇ આપત્તિ સામે નહીં, પરંતુ પાનની પિચકારી સામે છે. કેમ વાત સાચી નથી લાગતી ? તો કોઇપણ ઇમારતના પગથિયાં પર કે અન્ય સ્થળો પર ચકાસણી કરી લેવાની છૂટ છે. કોઇ ખાનગી ઇમારત કે કોમ્પલેક્સમાં પાનની પિચકારીની સમસ્યા હોય તો ત્યાં વહિવટ કરનારી સમિતિની સામાન્ય સભા મળે છે અને પછી દરેક ખૂણામાં કે દિવાલો પર રંગરોગાન કરાવવાની સાથે ટાઇલ્સ લગાડવાનું પણ ક્વોટેશન મંગાવવામાં આવે છે.
ભગવાન, અલ્લાહ, કે ઇસુ ખ્રિસ્ત જો ક્યાંય હશે, તો તેઓ ચોક્કસ પસ્તાઇ રહ્યાં હશે. કે જે માનવીને મેં બનાવ્યો તે આજે મને બનાવી રહ્યો છે. કેમ ખરૂં ને ?












