એરલાઈન્સ એજન્ટોને કમિશન મળશે તો ગ્રાહકોને પણ ફાયદો
કમિશન નહીં અપાય તો એજન્ટ્સ ટ્રાન્ઝેકશન ફી લઈ શકશે
તાજેતરમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ઉડ્ડયનવિભાગની અગ્રણી સંસ્થા નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય દ્વારા દેશમાં કારોબાર કરતી એરલાઈન્સોને ટિકિટ ઇશ્યૂ કરતાં આઈએટીએ (આઈઐટા) એજન્ટ્સને ટિકિટ પર કમિશન આપવાનો આદેશ કરતાં શહેરના આઈએટા ટ્રાવેલ એજન્ટ્સમાં ખુશાલીનું મોજુ ફરી વળ્યું છે.
આઈએટાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ અને શહેરના આઈએટા એજન્ટ મૂકેશભાઈ પટેલે આ નિર્ણયને આવકારતાં જણાવ્યું કે, ‘ દોઢ વર્ષ અગાઉ જયારે એરલાઈન્સોએ કમિશન આપવાનું બંધ કર્યું હતું. ત્યારે ભારે લડત ઉપાડી હતી પણ પછી એજન્ટ્સે ટિકિટ સાથે ફી લેવાનું શરૂ કર્યું હતું. જોકે કમિશન આપવાના આ આદેશને લીધે ફરી અગાઉની સ્થિતિ સર્જાતાં એજન્ટ્સની સાથોસાથ ગ્રાહકોને પણ લાભ થશે.’ અન્ય ટ્રાવેલ એજન્ટ જશુભાઈ પટેલે આ નિર્ણય આવકારતા જણાવ્યું હતું કે, ‘ એજન્ટ્સને કમિશન મળતાં તે પોતાના કમિશનમાંથી કેટલાક ટકા કે રકમ ગ્રાહકોને આપી શકતા હતા. હાલમાં ટિકિટ પર પાંચસોથી માંડીને હજાર રૂપિયાનો ચાર્જ કરીએ છીએ જેથી ગ્રાહકોને નુકસાન જાય છે. ડીજીસીએ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કમિશન એજન્ટ્સમાં ખુશાલી ફેલાય તે સ્વાભાવિક છે.’
આદેશના કારણે ખાસ હરખાવા જેવું નથી !
કેટલાક એજન્ટ્સના મતે ઉડ્ડયન નિદેશાલયે આપેલા આદેશથી એજન્ટોને ખાસ હરખાવા જેવું નથી કારણ કે હજી કેટલું કમિશન એરલાઈન્સે એજન્ટ્સને આપવાનું એ નક્કી કરાયું નથી. વળી, જો ત્રણ કે પાંચ ટકા કમિશન આપે તો પણ એજન્ટ્સને નુકસાન છે.
શહેરમાં વાર્ષિક રૂ ૩૦૦ કરોડનો કારોબાર
શહેરમાં ૩૫ આઈએટા એજન્ટ્સ છે જે વિવિધ એરલાઈન્સની ટિકિટો ઇશ્યૂ કરે છે. એક અગ્રણી ટ્રાવેલ એજન્ટ્સના અંદાજ પ્રમાણે આ એજન્ટ્સોનો વાર્ષિક ટર્નઓવર રૂ ૩૦૦ કરોડનું છે. ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં એજન્ટ્સનું ટિકિટ પર ૯ ટકા કમિશન મળતું હતું.જે બંધ થયું છે. હાલમાં માત્ર એરઇન્ડિયા, જેટ એરવેઝ અને કિંગફિશર કંપનીઓ જ એજન્ટ્સને માત્ર ૩ ટકા કમિશન આપે છે.












