ગુજરાતની હદના માનગઢમાં રાજસ્થાન સરકારનું બાંધકામ
રાજસ્થાને હક્ક-દાવો કરી ગ્રાન્ટનો વિરોધ કર્યો હતો
પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકામાં માનગઢ હિલ ગુજરાતનો ભાગ છે કે રાજસ્થાનનો તે વિવાદ વર્ષોથી વણઉકેલાયેલો છે. આ સમયે માનગઢના વિકાસ માટે સંતરામપુરના ધારાસભ્યએ ૫૦ વર્ષમાં પ્રથમવાર ગ્રાન્ટની ફાળવણી કરતાં વિવાદ ઊભો થયો છે.ગુજરાતી ધારાસભ્યની ગ્રાન્ટ એ વાતની સાબિતી આપે છે કે આ ભાગ ગુજરાતનો જ છે. જો કે સામેની બાજુ આબુ જેવી ભૌગોલિક રચના અને ભાવિ હિલ સ્ટેશનની શકયતા ધરાવતા માનગઢ હિલ ઉપર રાજસ્થાનનું બેરોકટોક બાંધકામ શંકા ઊપજાવે છે. ત્યાં હક્ક-દાવા માટે રાજય સરકારની નિષ્ક્રિયતાને કારણે આ વિસ્તાર રાજસ્થાન હડપ કરી જવાની શકયતા સ્થાનિક લોકો જોઈ રહ્યા છે.
માનગઢમાં છેલ્લાં કેટલાંક વર્ષથી રાજસ્થાન સરકાર દ્વારા થઈ રહેલું બાંધકામ પણ શંકાની પરિઘમાં આવી ગયું છે. સંતરામપુરના ધારાસભ્ય પરંજાદિત્યસિંહ પરમારે વર્ષ ૨૦૦૮-’૦૯માં માનગઢ હિલના વિકાસ માટે ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટમાંથી હિલ ઉપર કોમ્યુનિટી હોલ, રૂમ અને પાણીનો પંપ બનાવવામાં આવ્યો છે.
ઉપરાંત ભવિષ્યમાં ગુજરાતના ભાગ તરફથી રસ્તો બનાવવાની યોજના પણ છે. પરંજાદિત્યસિંહ પરમાર કહે છે કે, ‘તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ચોપડે સર્વે નંબર ૩૬-એ ગુજરાતના નકશામાં બોલે છે. માટે મેં આ વિસ્તાર માટે ગ્રાન્ટ ફાળવી છે.’ સામે બાજુ રાજસ્થાને પોતાનો હક-દાવો કરી આ ગ્રાન્ટનો શરૂઆતમાં વિરોધ કર્યોહતો અને સ્થાનિક લોકો સામે કેસ પણ કર્યોહતો. અનેક દિવસ સુધી બાંધકામ અટકાવ્યું હતું.
પરંજાદિત્યસિંહે આક્ષેપ કર્યોહતો કે માનગઢ હિલ ગુજરાતના નકશામાં બોલે છે, તેમ છતાં સરકાર કોઈ પગલાં લેતી નથી. રાજસ્થાન બાંધકામ કરી રહ્યું છે છતાં સરકાર નિષ્ક્રિય છે.
રાજસ્થાને અમારી જમીન ગેરકાયદે રીતે પચાવી પાડી છે
માનગઢ હિલ સંતરામપુર તાલુકાના ભમરી કુંડા ગામની હદમાં પડે છે. આદિવાસીઓના ગુરુ ગોવિંદસિંહની અહીં સમાધિ આવી છે. આમ રાજસ્થાન, ગુજરાત અને મઘ્ય પ્રદેશના આદિવાસીઓ માટે તે આસ્થાનું પ્રતીક છે. ભમરી કુંડા ગામના અગ્રણી ઊર્મિલાબહેન બરજોડ કહે છે, ‘આ જમીન અમારી છે. રાજસ્થાને ગેરકાયદે જમીન પચાવી પાડી છે. અનેક રજૂઆત કરવા છતાં અંત આવ્યો નથી.’
રાજસ્થાન સરકારનો ડોળો શા માટે?
માનગઢ હિલ ડુંગરની હારમાળા ધરાવે છે. ગુજરાતના ભાગે ડુંગરનો ઢાળ હોઈ માનગઢ જવા માટે રાજસ્થાનમાં પ્રવેશ કરવો પડે છે. માનગઢમાં ગેરકાયદે રીતે બાંધકામ કરીને રાજસ્થાને ૩૦ એકર જમીન પચાવી પાડી હોવાનું સંતરામપુર પૂર્વના વનવિભાગના અધિકારીએ કહ્યું હતું.












