સગીરા સાથે શારીરિક સંબંધ રાખનાર યુવકની ધરપકડ
ધોરણ બારમાં ભણતી અને વરાછામાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ડુમસની ઝાડીમાં લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ રાખનાર તેમજ ૧ લાખ રૂપિયા અને ૧૫ હજારની સોનાની ચેઇન પડાવનાર યુવક સામે સગીરાની ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
વરાછામાં રહેતી અને ધોરણ-૧૨ આર્ટસમાં અભ્યાસ કરતી યુવતીને છેલ્લાં ત્રણેક વર્ષથી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય હાર્દિક જિતુભાઇ માલવિયા સાથે મિત્રતા હતી. છએક માસ પહેલા દિવાળીના વેકેશન પછી હાર્દિકે લગ્નની લાલચ આપી સગીર યુવતીને વિશ્વાસમાં લઈ સંબંધ વધાર્યા હતા.
તા. ૧૧મી જાન્યુઆરીએ ફરવા જવાના બહાને ડુમસ લઈ જઈ ત્યાં બાવળની ઝાડીમાં હાર્દિકે તેની સાથે શારીરિક સંબંધ બાંઘ્યો હતો. બીજા દિવસે પણ તેમણે ડુમસની મુલાકાત લીધી હતી. તેના થોડા વખત પછી હાર્દિકે યુવતીને કહ્યું હતું કે મારે મોટરસાઇકલ લેવી છે અને પૈસાની જરૂર છે.
આથી પ્રેમમાં અંધ બનેલી યુવતીએ ચોરી છૂપીથી પિતાના ૧ લાખ રૂપિયા સોનાની એક ચેઇન પણ તેને આપી હતી. યુવતીના પિતાને વાત ખબર પડતાં તેમણે તપાસ કરી હતી. ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
દરમિયાન હાર્દિકની સગાઇ થઇ હોવાનું ખબર પડી હતી. ખુદ હાર્દિકે પણ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ફરિયાદ કરતાં હાર્દિકની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતી સગીર હોવાથી બળાત્કારનો ગુનો બને
યુવતીએ બળાત્કાર અંગે ફરિયાદ આપી છે અને તે સગીર વયની છે આથી બળાત્કારનો તેમજ વિશ્વાસઘાતનો ગુનો તો બને છે, આમ છતાં મેડિકલ ટેસ્ટ કરાવીને અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતોની મદદ લઇશું. -આર.એચ. ઝાલા, પીએસઆઈ
મેં પૈસા લીધા નથી : હાર્દિક માલવિયા
પોલીસની પકડમાં આવેલા હાર્દિક માલવિયાએ પોલીસને પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે મે યુવતી પાસેથી આવી કોઇ રકમ લીધી નથી. જોકે, તેની સાથેના સંબંધો અંગે તેણે કબૂલાત કરી હતી પરંતુ તે રાજીખુશીના સોદા હોવાની વાત કરતાં તેણે પોતાનો બચાવ કર્યો હતો.












