Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Mar 31st, 2010, 6:14 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarયાદશક્તિ ખીલવવા માટે યાદ રાખવા જેવી વાતો...

Kanti Bhatt

મગજ બહુ જ મૂલ્યવાન અંગ છે. તેની માવજત કરશો તો પાછલી વય સુધી યાદશક્તિ જળવાશે. જગતભરના વિદ્વાનો, ન્યૂરોસાયન્ટિસ્ટો અને આપણા પ્રાચીન ઋષિઓ આ વિશે શું કહે છે?

1સ્મરણશક્તિ સૌથી વધુ ઉપયોગી તો બુદ્ધિમંતો, પત્રકારો, લેખકો અને વિચારકો માટે છે પણ આ તમામે મેમરીની લગભગ મજાક ઉડાવી છે. આલ્બર્ટ હુબાર્ડ નામના ફિલસૂફે તેની નોટબુક (૧૯૨૭)માં લખેલું કે, ‘અરછી સ્મરણશક્તિ એ સારી વસ્તુ છે, પણ માનવ ભૂલતાં શીખે તેમાં જ તેની મહાનતા છે.’ અપ્રિય વાતોને ભૂલવાની કળા ભારતીય લોકોમાં સૌથી વધારે છે.

બ્રિટિશરોથી માંડીને કુટુંબમાં કે વ્યવસાયમાં અન્યાય કરનારા સુધીના સૌને આપણે માફ કરી દઇએ છીએ. કવિ કાલિદાસને અંધારી રાત્રે મધરાતે ઘણી વખત ભૂલેલી વાતો યાદ આવી જતી. પત્નીનું મહેણું તેઓ ભૂલી શક્યા નહીં. ખેર, આજે આ લેખમાં શરીરવિજ્ઞાનની દ્રષ્ટિએ મેમરીની નક્કર વાત કરવાની છે.

આ લેખનો વિષય સૂચવવા માટે અંગત રીતે હું મારા સહિત તમામ વાચકો આ સામયિકના તંત્રીઓનો આભારી છું. મેમરી-સ્મરણશક્તિ વિષે છેલ્લામાં છેલ્લી શોધો અને કેટલીક અજાણી વાતો વિશે જાણવાનો મને મોકો મળ્યો છે. મેમરીને અગાઉ વિજ્ઞાનીઓ માત્ર સાયકોલોજી વિષય માનતા હતા.

સાયકોલોજીમાં કહેવાતું કે, ‘મેમરી ઇઝ અન ઓર્ગેનિઝમ્સ એબિલિટી ટુ સ્ટોર, રિટેઇન એન્ડ રિકોલ ઇન્ફોર્મેશન’. અર્થાત્ સ્મરણ એટલે માનવીનાં મનતંત્ર-શરીરતંત્રની માહિતી સંઘરવાની શક્તિ, માહિતીને યાદ રાખવાની શક્તિ. એ પછી ફિલસૂફીના ક્ષેત્રે સ્મરણની વાતો ચર્ચાઈ.

છેલ્લે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત આવી અને ન્યુરોસાયન્ટિસ્ટો પણ આવ્યા. તેથી સ્મરણ એ જીવરસાયણ અને જ્ઞાનતંતુના જટીલ શાસ્ત્રનો વિષય બન્યું છે, પણ આપણે એ બધી ઝંઝટમાં નહીં પડીએ. મારા કડવા અંગત અનુભવ ઉપરથી, મનોવિજ્ઞાન તેમ જ નિસર્ગોપચારના અભ્યાસ થકી અને વાંચન થકી કેટલાંક ચેતવણીસૂચક તારણો ઉપર પણ આવ્યો છું:

૧. સૌપ્રથમ તો તમારાં બાળકોના દાંતની સંભાળ રાખજો. તેમને કે તમને ખબર નથી કે ખરાબ દાંત અગર તો ડેન્ટિસ્ટની ભૂલ થકી અને ડેન્ટિસ્ટની ભાષામાં ‘ખરાબ ડેન્ટલ હાઇજીન’ આખરે સ્મરણશક્તિ ઉપર અસર કરે છે. આથી કૃપા કરી બાળકોને કોલાનાં પીણાં, તળેલો ખોરાક, જંકફૂડથી અને કબજિયાતથી દૂર રાખશો.

૨. ‘ટાઇમ’ નામના પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિનના ૩-૧૧-૦૯ના અંકમાં મેડમ માઇયા ઝાલાવિટ્ઝે કહ્યું છે કે સારી તંદુરસ્તી, પૂરતી ઊંઘ, ઓછી ચરબીવાળો ખોરાક અને કુદરતી ખોરાક તમારી સ્મરણશક્તિ ટકાવે છે. ખાસ કરીને ગોલ્ફની રમતમાં (અને તે રીતે ક્રિકેટ કે ચેસમાં) જેના દાંત ખરાબ છે તેમનું કોન્સન્ટ્રેશન બરાબર રહેતું નથી!

સ્મરણશક્તિ વધે કે ટકી રહે તે માટે ઉજાગરા ન કરો. ‘ટાઇમ’ મેગેઝિને તો ત્યાં સુધી કહ્યું છે કે તમારો સૂવાનો સમય ફિકસ રાખો. હું અચૂક રોજ રાત્રે ૧૦ વાગે સૂઇ જાઉં છું. ઉંઘ આવે તે માટેના તમામ નુસખા અજમાવું છું. તેથી સ્મરણશક્તિ ઘણા અવરોધ છતાં સચવાઇ છે - ૭૯ની ઉંમરે.

૩. મારા અતિકડવા અને અસહ્ય અનુભવ જેવો અનુભવ બીજાને ન થાય તે માટે ચેતવું છું કે કૃપા કરીને તમારા ડેન્ટિસ્ટ ગમે તે કહે, તમારા તમામ દાંત પડાવીને ટોટલ ચોકઠા માટે ડેન્ટિસ્ટ કહે તેમ કરશો નહીં. અમેરિકા વસતા બે ગુજરાતી ડેન્ટિસ્ટોએ તેમના સિનિયર મામાની ભલામણ છતાં મારા આગલા ઉપર-નીચેના તમામ દાંત પરાણે કાઢી નાખ્યા.

૫૦ ગ્રામ લોહી નીકળ્યું. બે વખત બેભાન થઇ ગયો. ત્યારથી એટલે કે અઢી વરસથી મારી યાદશક્તિ ઓછી થવા માંડી હતી. હું નિસર્ગોપચારનો અનુયાયી છું, એટલે ખાનપાન અને દિનચર્યામાં અત્યંત કુદરતી આહારવિહાર અપનાવવાથી મારી સ્મરણશક્તિ સાવ ડલ થઇ નથી.

એથી જ આજે ૭૯ વર્ષની વયે હું રોજ એક લેખ લખી શકું છું. એટલે ફરીથી કહું છું કે તમારું ડેન્ટલ હાઇજીન અપટુડેટ રાખજો. આ તો માત્ર સ્મરણશક્તિ અંગેની અનેક કાળજી પૈકીની નાનકડી અને ઘણા લોકો માટે જાણબહારની વાત છે.

૪. રોકફેલર યુનિવર્સિટીના સંશોધકોએ પણ પુરવાર કર્યું છે કે માણસે ઉંઘવાનો સમય બદલ્યા ન કરવો. પૂરતી ઊંઘ લેવી. ‘ન્યૂયોર્ક ટાઇમ્સે’ તેના માટે ‘સ્લીપડેટ’ (sleepdebt)શબ્દ વાપર્યો છે. તમે ઉજાગરો કરો ત્યારે ઉંઘના દેવાંદાર બનો છો. ૧૨ ગોલ્ફરોની દિનચર્યા જોઇને તારણ કાઢવામા આવ્યું કે જે નિરાંતે ઉંધે છે તે ગોલ્ફની રમતમાં સારું ઉકાળે છે.

૫. સ્વિડન ખાતેની કારોલીંસ્કા ઇન્સ્ટિટ્યુટના સંશોધકોએ પ્રયોગ કરીને જોયું કે માત્ર ચાર કલાકની જ ઉંઘ લેનારા બૌદ્ધિક માણસની યાદશક્તિમાં એક સપ્તાહમાં ફેર પડ્યો હતો — તેમની યાદશક્તિ ઘટી હતી.

મારી પાસે ‘ફ્યુચર ઓફ ધ બ્રેઇન’ નામનું ડો. સ્ટિવન રોઝનું પુસ્તક છે. તેમણે ન્યુરો-સાયન્સની દ્રષ્ટિઐ મગજનું વિશ્લેષણ કર્યું છે. અમદાવાદના ડો. સુધીર વી. શાહ નામના ન્યુરોફિઝિશિયને ગુજરાતીમાં ‘મગજ અને જ્ઞાનતંતુના રોગ’ નામનું માર્ગદર્શક પુસ્તક લખ્યું છે. તેમાં પણ મગજ-યાદશક્તિની વાત છે. ‘નેશનલ જયોગ્રાફિક’ નામના દરેક વિદ્યાર્થીએ વાંચવા જેવા મેગેઝિનમાં ‘મેમરી - વ્હાય વી રિમેમ્બર, વ્હાય વી ફર્ગેટ’ નામના વિષય પર આવરણકથા પ્રગટ કરી હતી.

એ ઉપરાંત ‘બ્રેઇન પાવર - એ ન્યુરો સર્જન્સ કમ્પ્લિટ પ્રોગ્રામ ટુ મેઇનટેઇન એન્ડ એનહાન્સ બ્રેઇન ફીટનેસ થ્રુઆઉટ યોર લાઇફ’ નામનું ડો. વર્નોન એચ. માર્ક અને ડો. જેફી પી. માર્કનું પુસ્તક પણ ન્યુરોસર્જરીને મહત્વ આપે છે. આ પુસ્તકમાં તમારાં મગજ અને યાદશક્તિને કેમ જીવનપર્યંત ફિટ રાખવાં તેની કળા બતાવી છે.

ઉપરનાં તમામ પુસ્તકોનો સાર લખવો તે ગાગરમાં સાગર સમાવવા જેવું છે છતાં હું કેટલીક ઉપયોગી વાતો વાચકો સમક્ષ રજૂ કરું છુ. ચાલો બ્રેઇનની વાત શરૂથી જ કરીએ.૧૬૬૯માં વિજ્ઞાની નિકોલસ સ્ટેનોએ તો હાથ ઊંચા કરી નાખેલા કે ‘બ્રેઇન એ તો આપણા સર્જકનું માસ્ટરપીસ સર્જન છે. તેના વિષે આપણે કંઇ જાણતા નથી.’

એ પહેલાં ૨૪૦૦ વર્ષ પહેલાં એરિસ્ટોટલે કહેલું કે મગજ તો માત્ર સેકન્ડરી-ઓર્ગન છે. પ્રાથમિક મહત્વ હૃદયનું છે. રોમન તબીબ ડો. ગેલને કહ્યું કે મેન્ટલ એકિટવિટી હૃદય નહીં, પણ મગજમાં જ થાય છે, એટલે હૃદયની સાથે મગજને પણ તગડું રાખવું જોઇએ.

આપણા ઋષિમુનિઓ ઉપવાસ, ફળાહાર, તપ, પ્રાણાયામ થકી મગજની ઊંચી શક્તિ, દૂરનું જોવાની શક્તિ અને ગાઢ સ્મરણશક્તિ ધરાવતા હતા. આ વાત આજના ન્યુરોસાયન્ટિસ્ટો યાદ કરે છે. મહાન રોમન આર્ટિસ્ટ લિયોનાર્ડો‘દ વીન્સીએ ૧૬મી સદીમાં મગજનું ચિત્ર દોરીને શરીરવિજ્ઞાનનું જ્ઞાન દેખાડ્યું હતું.

કવિ રોબર્ટ ફ્રોસ્ટ, ફ્રેન્ચ નવલકથાકાર માર્સેલ પ્રાઉસ્ટ અને પ્રખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે એ તમામ મોટી વયે ભૂલકણા બની ગયા હતા. માર્સેલ પ્રાઉસ્ટનાં માતાપિતા નાની વયે ગુજરી ગયાં, પછી આખી જિંદગી દમના રોગની દવા લીધા કરી. આને કારણે મેમરીલોસ થયો.

કવિ ફ્રોસ્ટ અને અર્નેસ્ટ હેમિંગ્વે ઇમોશનલ અને બીજાં કારણોસર સ્મરણશક્તિ ગુમાવી બેઠેલા. સ્મરણશક્તિ કેમ ગુમાવાય છે તેના જુદાજુદા અનુભવો ડો. જોશુઆ ફોયરે લખ્યા છે.

૧. જેને હર્પિસનો રોગ થાય કે ગુપ્ત ઇન્દ્રિયોનો રોગ થાય તેનું મગજ ધીમે ધીમે ખવાઇ જતાં તેની યાદશક્તિ ઓછી થતાં થતાં ડૂલ થઇ જાય છે.

૨. આખરે મેમરી શું છે? ન્યુરોસાયન્ટિસ્ટે ૨૧મી સદીમાં તેની વ્યાખ્યા આપી છે: A memory is a stored pattern of connections between neurons in the brain. અર્થાત્ મગજના જુદા જુદા ચિત્તકોષો કે તંત્રિકા કે કોશિકાનાં અસંખ્ય જોડાણો થકી સ્મરણશક્તિ રચાય છે. કેટલાં જોડાણો? બાપરે!

આપણાં મસ્તકમાં લગભગ ૧૦૦ અબજ જેટલા ન્યુરોન્સ હોય છે. આમાંના દરેક ચિત્તકોષ ૫,૦૦૦થી ૧૦,૦૦૦ જોડાણ બીજા કોષ સાથે કરે છે અને તે રીતે કુલ ૫૦૦ ટ્રિલિયનથી ૧૦૦૦ ટ્રિલિયન જેટલા સિનેપ્સિસ અર્થાત્ સમધર્મી ગ્રંથન કરે છે.

અમેરિકન લેખક કહે છે કે માનવના મગજની શક્તિ કરતાં જગતની સૌથી એવી અમેરિકાની લાઇબ્રેરી ઓફ કૌરોસની માહિતી-શક્તિ ઘણી ઓછી છે. પણ આ બધા આંકડાની માયાજાળમાં ઊંડા જવાની જરૂર નથી. સાર એ છે કે મગજ બહુ જ કિંમતી અંગ છે. રજપૂત કે ગરાસિયા લડવૈયા તેથી જ સાફો-ફેંટો બાંધતા. અંગ્રેજો હેટ પહેરતા. મસ્તક બહુ જ સંભાળવા જેવી ચીજ છે. તેને હાની થાય તો યાદશક્તિને હાની થાય છે.

નેશનલ જયોગ્રાફિક એક બહુ જ મહત્વની વાત લખે છે કે દરેક ધર્મમાં મેમરીને તાલીમ આપવાની પદ્ધતિ છે. યહૂદીના તાલમુડમાં સતત પઠનથી યાદશક્તિ વધારવાની રીત છે. મુસ્લિમોમાં બાળકોને મદરેસામાં કુરાનનો પાઠ કંઠસ્થ કરાવાય છે અને તમે જોતાં હશો કે મુસ્લિમ બાળકો માથું ઊંચું-નીચું કરીને કુરાન કંઠસ્થ કરતાં હોય છે, તે રીતે આપણને ગીતા કંઠસ્થ કરવાનું કહેવામાં આવતું. આ બધી મેમરીને શાર્પ કરવાની રીત છે તેમ નેશનલ જયોગ્રાફિક કહે છે.

હાર્વર્ડ સાયકોલોજિસ્ટ ડો. ડેનિયલ સ્કેકટર તો કહે છે કે યોગ, પ્રાણાયામ અને મેડિટેશનથી સ્મરણશક્તિ વધે છે. નોટરડેમમાં રોમન કેથલીક સ્કૂલમાં વાર્ષિક મેમરી ટેસ્ટ લેવાય છે ત્યારે જેણે ચિંતન, મનન, પઠન કયાô હોય તે પાસ થાય છે.

ખરેખર તો ઉંમર વધવા સાથે મેમરી-યાદશક્તિ ઓછી થાય છે તેવી અમેરિકનોમાં માન્યતા છે પણ આપણા આયુર્વેદશાસ્ત્રીઓ તેને પૂર્ણ રીતે અનુમોદન આપતા નથી. આજે ભલે અમેરિકામાં અમુક — હા, અમુક જ — અતિબુદ્ધિમંતો છે. ત્યાં અલ્ઝેમર નામના મગજને લગતા રોગીની સંખ્યા વધતી જાય છે.

નેશનલ જ્યોગ્રાફિકે ૨૦૦૭માં આવા દર્દીની સંખ્યા ૫૦ લાખની કહી હતી. અલ્ઝેમર રોગનું નામ જર્મન ન્યુરોલોજિસ્ટ ડો. એલોઇઝ અલ્ઝેમર (૧૮૬૪-૧૯૧૫)ના નામ પરથી મળ્યું છે. આ ડોકટરે કહેલું કે માણસની માનસિક શક્તિમાં ઉત્તરોત્તર ઘસારો થાય, મગજમાં અજંપો થાય, બરાબર બોલી ન શકાય, વારંવાર ચક્કર આવે તે બધા અલ્ઝેમર રોગનાં લક્ષણો છે

આવા રોગી ભારતમાં પણ વધવા માંડ્યા છે, પરંતુ આ રોગ સિવાય બીજાં કારણોસર સ્મરણશક્તિ ગુમાવનારા પણ કરોડોની સંખ્યામાં છે. ૨૦ મિનિટ પહેલાં વાંચેલા ૧૫ શબ્દો ઘણા યાદ રાખી શકતા નથી.

સ્મરણશક્તિ ૨૧મી સદીમાં બહુ જ અનિવાર્ય થઇ પડી છે. તેથી તેને સુધારવા-વધારવાની દવામાં એમ્પિકાઇન્સ પ્રકારની એલોપથિક દવામાં નોવાર્ટિસ અને સીબાગાઇગી અઢળક નફો કરે છે. એડરોલ અને રિટાલિન નામની દવાઓ પણ અપાય છે, પરંતુ સ્વિડનમાં તેનું ઓવર પ્રિસ્ક્રિપ્શન થતાં બાળકોને આડઅસર થતી હતી.

એટલે મેમરી વધારવાની એલોપથિક દવા પોતાની મેળે લેવી નહીં. અમેરિકામાં ઇન્ટરનેટ-કમ્પ્યુટરનો વપરાશ વધતાં મગજ ધોવાઇ ગયાની ફરિયાદ કરનારા વઘ્યા છે. રજનીશ અને સ્વામી મુક્તાનંદના શિષ્યો અને બીજા યોગીઓ યોગનો એક સપ્તાહનો કોર્સ કરાવે છે. ‘ક્વિક ટ્યુન અપ બ્રેઇન કોર્સ’ પણ શરૂ થયા છે. તેમાં થાકેલા બુઘ્ધિમંતોને અંધારાં ઓરડામાં બેસાડીને તેમના ઉપર માનસિક ચિકિત્સા કરાય છે.

લંડનથી પ્રગટ થતાં ‘ઓબ્ઝર્વર’ નામના રવિવારના સાપ્તાહિકમાં ડો. ફીલ હોગને લખ્યું છે, ‘મેમરી ઇઝ નોટ સમથિંગ - ઇટ ઇઝ એવરીથિંગ’ — સ્મરણશક્તિ તો માનવ માટે ૨૧મી સદીમાં સર્વસ્વ છે. તેનું માણસે પોતે ખૂબ જ જતન કરવું જોઇએ. મારી પાસે ૨૨-૭-૧૯૯૫નો ‘ન્યુ સાયન્ટિસ્ટ’ નામના મેગેઝિનનો અંક આવ્યો.

તે આજે મને ખૂબ ઉપયોગી છે. દા.ત. મારા દાંત-દાઢ પરાણે ખેંચાયા પછી અને સ્મરણશક્તિ ઓછી થયા પછી મેં લેખન છોડી દીધું હોત તો હું માનસિક-બૌદ્ધિક રીતે અપંગ થઇ જાત. ‘ન્યુ સાયન્ટિસ્ટ’ના ડો. વોલ્ફ સુફર્ટ લખે છે કે જેમ વધુને વધુ બૌદ્ધિક કામ કરશો તેમ બુદ્ધિ કસાય છે; એટલે કદી બૌદ્ધિક કામ છોડશો નહીં. બુદ્ધિ-મગજને પણ વ્યાયામ જરૂરી છે. વાંચન-લેખન શ્રેષ્ઠ વ્યાયામ છે.

ડો. અરિફ આર. કેન્ડલને ૨૦૦૦નું મેડિસિનને લગતું નોબલ-પ્રાઇઝ મળેલું. તેણે મેમરીનો જીવરાસાયણિક પાયો સમજાવેલો. ડો. એરિક કેન્ડલે ‘ઇન સર્ચ ઓફ મેમરી - ધ ઇમર્જન્સ ઓફ ન્યુ સાયન્સ ઓફ માઇન્ડ’ નામનું પુસ્તક ૨૦૦૭માં પ્રગટ કરેલું. જર્મનીના આ યહૂદી લેખકે બહુ જ ઉપયોગી વાત કરી છે.

તેના ઉપરથી મોટી આશા જાગે છે કે આપણને માત્ર વારસામાં બુદ્ધિશક્તિ કે યાદશક્તિ મળતાં નથી, પરંતુ આપણે મોટા થઇને તેને જાતે વિકસાવી શકીએ છીએ. ડો. એરિક કેન્ડલે ‘મેમરી ફાર્માસ્યુટિકલ’ નામની કંપની ઊભી કરીને કેટલીક મેમરી- ડ્રગ્ઝ તૈયાર કરી હતી, પણ તે અલ્ઝેમિયર રોગમાં કામની છે.

આ લેખ માટે મેં ડઝનબંધ મેગેઝિનો અને પુસ્તકો વાંરયાં તેના ઉપરથી તારણ કાઢું છું અને ફરીફરી કહું છું કે મન-મગજને સાચવી રાખો. તે બહુ કિંમતી ચીજ છે. મુસ્લિમો મદરેસામાં જાય છે અને આપણે મેડિટેશન કરાવીએ છીએ. તે ઉપરાંત જંકફૂડથી દૂર રહેવું. કોલાનાં પીણાંથી દૂર રહી સ્ટ્રોબેરી, તાજી દ્રાક્ષ, કોબીફ્લાવર અને પાલકની ભાજીનો આહાર રાખવો.

વનસ્પતિ ઘી ન ખાવું. રોજ ઊંડા શ્વાસ લઇ ૩૦ મિનિટ ઓછામાં ઓછો ચાલવાનો વ્યાયામ કરવો. માનસિક તાણ હોય ત્યારે તો ખાસ પ્રાણાયામ કરવો. મેમરી વિષે ગમે તેટલું લખો, ઓછું છે... પણ ખરેખર તો આ બાબતમાં રઘુવંશમાં જે સૂત્ર છે તે યાદ રાખવું.

વિષમપ્ય મૃતં, કવચિત્ ભવે દમૃતં વા વિષમીશ્વરેચ્છયા. અર્થાત્ ઇશ્વરની ઇચ્છા હોય તો વિષ પણ અમૃત થઇ જાય છે અને અમૃત પણ ઝેર થઇ જાય છે. તમામ સાવચેતી લઇ મેમરીનો પોર્ટફોલિયો ઇશ્વર-અલ્લાહને સોંપી દો.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: