બીટી રીંગણના બિયારણ જમા કરાવી દેવાનો આદેશ
લીકેજની શંકાને પગલે કંપનીને જથ્થો જમા કરવા કહેવાયું છે : જયરામ
સરકારે સોમવારે કહ્યું હતું કે બીટી રીંગણનું ઉત્પાદન કરતી કંપની મ્હાયકોને તેના બિયારણનો જથ્થો નેશનલ બ્યૂરો ઓફ પ્લાન્ટ જિનેટિક્સ રિસોર્સીસ સમક્ષ જમા કરાવવાનો આદેશ અપાયો છે, જેથી તે સલામત હોવાનું પુરવાર થાય ત્યાં સુધી તેમાં કોઈ લીકેજ કે ભેળસેળને અટકાવી શકાય.
પર્યાવરણ મંત્રી જયરામ રમેશે રાજયસભાને જણાવ્યું હતું કે ‘બીટી રીંગણને જ્યાં સુધી સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા મંજૂરી નહીં અપાય ત્યાંસુધી તેના બિયારણના લીકેજ દ્વારા તેને પાછલા બારણેથી પ્રવેશની કોઈ તક નથી.’ એક પ્રશ્નના જવાબમાં રમેશે કહ્યું કે જિનેટિક એન્જિનિયરિંગ એપ્રૂવલ કમિટી(જીઈએસી)એ બીટી રીંગણના બિયારણનું ઉત્પાદન કરતી કંપનીને બિયારણ જમા કરાવી દેવા કહેવાયું છે.
તેમણે કહ્યું કે કેટલીક રાજય સરકારો, સ્વૈચ્છિક સરકારો અને વૈજ્ઞાનિકો તથા ખેડૂતોના કેટલાક વર્ગે બીટી રીંગણની સલામતી અને લાંબા ગાળે માનવીય આરોગ્ય પર તેની અસર અંગે શંકા દર્શાવી છે. તેમણે કહ્યું કે આ રીંગણ સૌપ્રથમ જિનેટિકલી મોડિફાઈ(જીએમ) ફૂડ હોવાથી તેમણે તે અંગે સાવધાની વર્તવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારે વિરોધને પગલે સરકારે ગત ૯મી ફેબ્રુઆરીએ બીટી રીંગણના વ્યાવસાયિક ઉપયોગને મંજૂરી આપવાનો નિર્ણય પડતો મૂક્યો હતો.












