ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરિક્ષણ નિષ્ફળ
ભારતની નવી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું આજે ઓરિસ્સાની ટેસ્ટ સાઇટ પર કરવામાં આવેલું પરિક્ષણ નિષ્ફળ રહ્યું હોવાની માહિતી સુત્રોએ આપી હતી. આ મિસાઇલ એડવાન્સ્ડ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર હતી જે દુશ્મન દ્વારા છોડવામાં આવેલી બેલાસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે બનાવવામાં આવી હતી અને તેનું પરિક્ષણ ઓરિસ્સાના એક ટાપુ પર કરવામાં આવ્યું હતું.
અધિકારીક સુત્રોએ જણાવ્યું હતું કે આ મિસાઇલનું પરિક્ષણ પહેલા રવિવારે હાથ ધરાવવાનું હતું પરંતુ કેટલીક ટેકનિકલ ક્ષતિને કારણે તેને સોમવાર સુધી મોકુફ રાખવામાં આવ્યું હતું. તે વખતે ઉદ્દભવેલી ટેકનિકલ ક્ષતિઓનું નિરાકરણ લાવ્યા બાદ તેમજ તમામ સિસ્ટમની યોગ્ય તપાસ કર્યા પછી ફૂલ-ફ્લેજ મલ્ટિ લેયર બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાના ભાગરૂપે આ મિસાઇલનું આજે પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પરિક્ષણના ભાગરૂપે લક્ષિત મિસાઇલના સ્વરૂપે પૃથ્વી મિસાઇલને ચાંદીપુરના આઇટીઆરના લોંચ કોમ્પલેક્સ પરથી છોડવામાં આવી હતી અને તે મિસાઇલ છોડ્યાની ગણતરીની મિનીટોમાં તેને તોડી પાડવા ઇન્ટરસેપ્ટર મિસાઇલને ચાંદીપુરથી 70 કિમી દુર આવેલા સ્થળેથી છોડવામાં આવી હતી પરંતુ ઇન્ટરસેપ્ટિવ મિસાઇલ તેના લક્ષ્યને ભેદવામાં અસફળ રહી હતી. આ મિસાઇલને હજૂસુધી કોઇ નામ આપવામાં નથી આવ્યું. તેને ફક્ત એએડીના નામે ઓળખવામાં આવે છે જેનો અર્થ એન્ડો-એટમોસ્પેરિક કન્ડિશન્સ થાય છે.












